કચ્છ જીલ્લા ભાજપ દ્વારા ગાંધીધામ ખાતે બિહાર દિવસ અંતર્ગત એક ભારત શ્રેષ્ઠ ભારત સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો

કેન્દ્રીય ભાજપની માર્ગદર્શિકા પ્રમાણે બિહાર દિવસના ઉપલક્ષમાં સમગ્ર રાષ્ટ્રમાં જ્યાં જ્યાં બિહારી ભાઈ બહેનો વસવાટ કરે છે ત્યાં ત્યાં તા. ૨૨/૩/૨૫ બિહાર દિવસથી પ્રારંભ કરીને તા. ૩૦/૩/૨૫ સુધી એક ભારત શ્રેષ્ઠ ભારત વિચારને નવપલ્લવિત કરવાના શુભાશય સાથે વિવિધ સ્નેહમિલન કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે જેમાં બિહાર ભાજપના વરિષ્ઠ નેતાઓ અને પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહે છે. આ વિશેષ રાષ્ટ્રિય અભિયાન અંતર્ગત કચ્છ જીલ્લા ભાજપ દ્વારા પણ લઘુ ભારત ગણાતા પંચરંગી શહેર ગાંધીધામ ખાતે બિહાર દિવસની ઉજવણી અન્વયે સ્થાનિકે વસતા બિહારી પરિવારો સાથે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ હળપતિ, બિહારના પૂર્વ મંત્રી વિનોદકુમાર ઝા, પ્રદેશ ભાજપ મહામંત્રી અને સાંસદ વિનોદભાઈ ચાવડા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયા, જીલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

એક સર્વેક્ષણ મુજબ અંદાજે બે કરોડ જેટલા પ્રવાસી બિહારી ભાઈ બહેનો પોતાના કલા, કૌશલ્ય અને કર્મઠતાના આધારે ભારતના વિવિધ ખૂણે વસવાટ કરી રહ્યા છે અને આ માધ્યમથી ભારતના બહુવિધ ક્ષેત્રો અને પ્રાંતોમાં બિહારની સંસ્કૃતિને સતત જીવંત રાખી રહ્યા છે અને એ જ રીતે જ્યારે ગાંધીધામ ખાતે પણ સેંકડો બિહારી પરિવારો વસવાટ કરી રહ્યા છે ત્યારે આ સ્નેહમિલનના માધ્યમથી આગામી સમયમાં યોજાનાર બિહારમાં વિધાનસભા ચૂંટણી અંતર્ગત સૌ પ્રવાસી બિહારી બંધુ ભગીનીઓને ખાસ તેમના માદરે વતન બિહારમાં ભાજપની વિકાસલક્ષી અને રાષ્ટ્રવાદી વિચારધારાની વાત મૂકીને  ભાજપને વિજયી બનાવવા માટે કૃતનિશ્ચયી બની પૂરતી સહભાગીતા નોંધાવવા આહવાન કરવામાં આવ્યું હતું. એક વિશેષ કાર્યક્રમના ભાગરૂપે પ્રવાસી બિહારી સભ્યોમાંથી પાર્ટીના અનેક સમર્પિત કાર્યકરો 9 દિવસ માટે વતન બિહારમાં વિસ્તારક તરીકે જઈને તેમના વિસ્તારમાં ભાજપની વાત અને વિચારને મક્કમતાથી મૂકશે.

આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં જીલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે બિહારની જન સંસ્કૃતિ એના સ્પષ્ટ મિજાજ અને અદમ્ય પુરુષાર્થ માટે જાણીતી છે. આ પ્રજાએ એમની મહેનત અને સાહસિકતાના બળે જ ભારતભરમાં તેમનું અખંડ સ્થાન બનાવ્યું છે ત્યારે કચ્છ ખાતે બહોળી સંખ્યામાં વસતા પ્રવાસી બિહારી ભાઈ બહેનો કચ્છના ઔદ્યોગીક વિકાસમાં પણ તેમનું શ્રેષ્ઠ યોગદાન પ્રદાન કરે છે.

ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ હળપતિએ પ્રાસંગિક ઉદબોધન આપતા જણાવ્યું હતું કે ભારતવર્ષના વિવિધતામાં એકતાના સૂત્રને કચ્છ અને ખાસ કરીને ગાંધીધામે સાચા અર્થમાં ચરિતાર્થ કર્યું છે. આ શહેરની માટીમાં, આ શહેરની પ્રકૃતિ અને સંસ્કૃતિમાં ભારતના તમામ રાજ્યોની અનેરી સુવાસ વર્તાય છે ત્યારે અહીં વસતા તમામ બિહારી ભાઈ બહેનો તેમના વતનમાં ખાસ રૂબરૂ જઈને અથવા તો અન્ય કોઈ પણ માધ્યમથી એમના મિત્રવર્તુળ, સગાંસંબંધીઓનો સંપર્ક કરીને આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને પ્રચંડ જનમતથી વિજયી બનાવવા માટે ભારપૂર્વક અપીલ કરીને તમામ રીતે સહયોગ આપશે એમાં શંકાને કોઈ સ્થાન નથી.

બિહારના પૂર્વ મંત્રી વિનોદકુમાર ઝાએ તેમની આગવી બિહારી શૈલીમાં સ્નેહમિલન પ્રસંગે સંબોધન કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારતની આન, બાન, શાન અને ગૌરવને આજે વિશ્વભરમાં અવ્વલ સ્થાને પહોંચાડ્યું છે. વ્યાપાર હોય કે વિદેશનીતિની બાબત હોય આજે ભારત પ્રત્યેની વિશ્વની દ્રષ્ટિ સદંતર બદલાઈ ચૂકી છે જેના લીધે ખાસ કરીને દેશના યુવાધન સહિત પ્રત્યેક ભારતવાસીઓના હૃદયપટલ પર ભારતીય હોવાના અભિમાનમાં અનેકઘણો વધારો થયો છે. આજે કોઈ પણ રાજ્યનો નાગરિક ભારતીય હોવાની પ્રતિષ્ઠા અને ગરિમાનું આદરપૂર્વક જતન કરતો થયો છે જેના માટે મોદી સાહેબનું નેતૃત્વ અને ભાજપની દેશહિતની ભાવના જવાબદાર છે. બિહારમાં જ્યારે નજીકના ભવિષ્યમાં જ વિધાનસભા ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે બિહારના સર્વાંગી વિકાસને વેગવંતું બનાવવા, બિહારને સ્થાપિત હિતોની ચુંગાલમાંથી મુક્ત કરવા આપણે સૌ બિહારીઓ એક બનીએ, અખંડ બનીએ, સંગઠિત બનીએ અને અંદરની પૂરી તાકાત અને ઉર્જાને કામે લગાડીને આગામી ચૂંટણીમાં “રાષ્ટ્રના વિકાસમાં બિહારના વિશ્વાસ” માટે મોદીજી અને ભારતીય જનતા પાર્ટીને ભવ્ય વિજયી બનાવવા માટે પૂર્ણપણે સંકલ્પબદ્ધ બનીએ.

પ્રદેશ ભાજપ મહામંત્રી અને સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે ગાંધીધામ મહાનગરમાં દૂધમાં સાકર ભળે એમ બિહારી પરિવારો અમન અને સૌહાર્દથી ભળી ગયા છે. આમાંથી અનેક લોકો બિહારમાં તેમના વતનમાં જઈને તેમના સ્નેહીઓ, ભેરુઓ પાસે ભાજપની વિકાસ ગાથા અને નીતિરીતિની વાત મુકીને ભાજપની ભગીરથ જીતના શિલ્પી બનશે એ નિઃસંદેહ બાબત છે.

પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયાએ આ તબક્કે જણાવ્યું હતું કે બિહારની ક્ષમતાને પૂર્ણ રીતે પ્રકાશિત કરવા માટે કમળનું ખીલવું અનિવાર્ય છે અને આપ સૌ ઉપસ્થિત બિહારી બાંધવો આ વખતે આ કમળના પુષ્પને સોળે કળાએ ખીલવવા માટે સર્વે પ્રકારે સહભાગીતા નોંધાવશો એવી મને પૂર્ણ શ્રદ્ધા છે.

આ સ્નેહમિલન સમારોહમાં બિહાર પ્રદેશ ભાજપ પૂર્વ સૈનિક પ્રકોષ્ટ સંયોજક આશુતોષ શાહી, ગુજરાત પ્રદેશ ભાજપ અન્ય ભાષા ભાષી સેલ સંયોજક અતુલભાઈ મિશ્રા, જીલ્લા પંચાયત અધ્યક્ષ જનકસિંહ જાડેજા, ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, પ્રદેશ ભાજપ મહામંત્રી ધવલભાઈ આચાર્ય, ગાંધીધામ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ પરમાર, ઉત્તર ભારતીય કચ્છ સેવા સમાજ પ્રમુખ અખંડ પ્રતાપસિંહ, અન્ય અગ્રણીઓ અનિલ શ્રીવાસ્તવ, ક્રિષ્ના મિશ્રા, બિપિનસિંઘ, પ્રવિણસિંહ, વિશાલસિંઘ, કુમારભાઈ, વિક્રમભાઈ, અવધેશભાઈ ઉપાધ્યાય, શ્રીરામ યાદવ, વેદપ્રકાશ ઉપાધ્યાય, ધર્મપાલ પંડ્યા, સંજય રાય, કૌશલ કુમાર દુબે, પ્રકાશચંદ્ર મિશ્રા, અરુણ શ્રીવાસ્તવ, રિપુસિંઘ, રામચંદ્રસિંઘ, છોટેલાલસિંહ, શ્યામબીહારી પ્રજાપતિ, સુરેન્દ્ર રાય, સહદેવ રાય સહિતના અગ્રણીઓ તેમજ ખુબ વિશાળ સંખ્યામાં સ્થાનિક બિહારી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન મોમાયાભા ગઢવી અને હેમચંદભાઈ યાદવ તથા આભારવિધિ એ.કે. સિંઘે કરી હોવાનું કચ્છ જીલ્લા ભાજપ મીડિયા ઈન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું.