ગામડાઓમાં થઈ રહ્યા બેફામ દબાણોનાં કારણે લોકો ત્રસ્ત :  સ્થાનિક તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પડઘો નહીં પડતાં અદાલતનાં દ્વાર ખખડાવાયાં

ભારાપરનાં અરજદાર મેમણ જરીના તોફિકભાઈ દ્વારા ગૃહરાજ્યમંત્રીને પત્ર દ્વારા પોતાના પ્લોટ બાજુનાં દબાણ હટાવવા કોર્ટના આદેશને અનુલક્ષીને રજૂઆત કરવામાં આવેલ હતી.આ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગુજરાત હાઈકોર્ટના હુકમને ટાંકીને વિગત જણાવતાં અરજદાર દ્વારા જણાવવામાં આવેલ કે ભારાપર ગામના બસ સ્ટેન્ડ ચોકમાં જે દબાણો કરવામાં આવેલ છે, તે વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવેલ હતી.ત્યારે પ્રાપ્ત થતી વિગતો મુજબ  સ્થાનિક તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પડઘો નહીં પડતાં અદાલતનાં દ્વારે જવામાં આવેલ છે.  અરજદારરાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને ઉદ્દેશીને લખ્યું છે કે, અમને પંચાયત દ્વારા સંતોષકારક જવાબ કે કાર્યવાહી કરવા આશ્વાસન મળ્યું નથી. હુકમમાં જણાવ્યા મુજબનાં દબાણ ભારાપર-રોહા માર્ગ પર ગામના ચોકમાં અરજદારના ખાનગી પ્લોટ આજુબાજુના હોવાની વિગત અપાઈ હતી, તેમાં લારી-ગલ્લા, કેબિનનો -માવેશ થાય છે. અત્રે નોંધનીય બાબત છે કે, મોટા ગામોના ચોકમાં ઠેર-ઠેર આવાં દબાણોએ માઝા મૂકી છે. દહીંસરા બસ સ્ટેન્ડ નજીક ખાનગી પ્લોટને અડીને ચા-નાસ્તા, પાનબીડીના ગલ્લા છે. આવાં દરેક દબાણ હટાવવાની જવાબદારી ગ્રામ પંચાયતોની નિયત કરવામાં આવેલ હોવા છતાં સંબંધ બગડવા કે સ્થાનિક પરિસ્થિતિ મુજબ કાર્યવાહી કરવામાં વિલંબ થઈ રહ્યો છે. પરીણામ સ્વરૂપે  દબાણકારો નિશ્ચિંત થઈ ભોગવટો કરે છે.  માત્ર ખાનગી માલિકી જ નહીં પરંતુ શાળા, મંદિરો, બસ સ્ટેશન પાસે બેફામ દબાણો સર્વત્ર દેખાય છે. કેરાનું બસ સ્ટેન્ડ પાસેનાં દબાણોમાં એટલું દબાઈ ગયું છે કે, દેખાતું પણ નથી. દરમ્યાન કોર્ટનાં થયેલાં નિરીક્ષણથી આશા જાગી છે. ભારાપરના પ્રકરનમાં ક્લેક્ટર, મામલતદાર ભુજ, ગ્રા. પંચાયત ભારાપરને પક્ષકાર ગણી પિટિશન દાખલ થઈ હતી, હવે તેનો ચુકાદો આવ્યો છે.