મીઠીરોહરની કંપનીમાંથી 10.31 લાખની તસ્કરી થયાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો

copy image

ગાંધીધામ ખાતે આવેલ મીઠીરોહરની સીમમાં આવેલી એક કંપનીમાંથી 10.31 લાખની ચોરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ફરિયાદી અનિલકુમાર મુરલીધર ઇસરાની મીઠીરોહરની સીમમાં બી.જી.આર. ઇન્ટરનેશનલ નામની કંપની ચલાવે છે. આ કંપનીમાં નમકની નિકાસ કરવામાં આવે છે. વધુમાં જાણવા મળી રહ્યું છે કે આ કંપનીમાં દશેક લોકો કામ કરે છે.છેલ્લા બે માસથી કંપનીમાં સામાનનો ઘટાડો સામે આવતા સી.સી.ટી.વી. કેમેરાની તપાસ કરવામાં આવેલ હતી. જેમાં બી.જી.આર. કંપનીમાં કામ કરનાર નીલેશ નામનો શખ્સ તા. 10/3 તથા 11/3ના કાર લઇને તથા સાથે છકડો લઇને આવતો જણાયો હતો. તેમજ કેમેરા તપાસ કરાવતા આ શખ્સ બીજા દિવસથી કામ પર આવેલ નથી. વધુ તપાસ કરતાં કંપનીમાંથી 2110 કિલો પૂંઠાંનાં બોક્સ, ફિલિંગ મશીન, પિનિંગ મશીન, પેકિંગ મટીરિયલ્સના રોલ 2.5 ટન, મેગ્નેટ જોડી નંગ-બે એમ કુલ રૂા. 10,31,600ની મશીનરી, સામાનની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. આ સમગ્ર બનાવ અંગે પોલીસે મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.