પેટલાદ તાલુકાના ફાંગણી ગામે આવેલા પટેલ ફળિયામાં ત્રાટકેલા તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવીને નકુચા તોડી અંદર પ્રવેશ કરીને ૩.૨૭ લાખની મત્તાના સોના-ચાંદીના દાગીનાની તસ્કરી કરીને પલાયન થઈ જતાં આ અંગે પેટલાદ શહેર પોલીસે તસ્કરીનો ગુનો દાખલ કરીને ડોગ સ્ક્વોડ અને એફએસએલની મદદથી તજવીજ હાથ ધરી છે. તસ્કરીની મળતી વિગતો મુજબ ફાંગણી ગામના પટેલ ફળિયામાં રહેતા શશીકાન્તભાઈ શનાભાઈ પટેલ પોતાની પત્ની સાથે નાસિક-શીરડી પ્રવાસમાં ગયા હતા. તેમનો પુત્ર જીત મોસાળ સંતોકપુરા ગયો હતો. દરમ્યાન કેટલાક તસ્કરો ત્રાટક્યા હતા અને બંધ મકાનના દરવાજાના નકુચા તોડીને અંદર પ્રવેશ કરી બેડરૂમમાં બનાવેલા કબાટના ડ્રોવરો ખોલી નાંખીને અંદર મુકેલા સોના-ચાંદીના દાગીના તથા રોકડ મળીને કુલ ૩.૨૭ લાખની મત્તાની તસ્કરી કરીને પલાયન થઈ ગયા હતા.