રાજ્યકક્ષાની ખેલમહાકુંભ 3.0માં કેડીટીટીએના ટીટી ખેલાડીઓને ત્રણ મેડલ


28મી એપ્રિલ થી 6મી મે, 2025 દરમિયાન ભાવનગર ખાતે યોજાયેલી રાજ્ય કક્ષાની ખેલ મહાકુંભ 3.0 ટુર્નામેન્ટમાં આદિપુરના હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ-કેડીટીટીએ ખાતેની ટેબલ ટેનિસ એકેડમીના ખેલાડી રેહાંસ સિંઘવીએ અંડર-11 બોયઝ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ફાઇનલમાં રેહાંસે અમદાવાદના દક્ષ જેઠવાને 3-0 હરાવ્યો હતો. આ પહેલા સેમિફાઇનલમાં તેણે આદિપુર ના જ ધ્રુવ ભંભાણીને 3-2થી પરાજય આપ્યો હતો.
અંડર-11 બોયઝ કેટેગરીમાં ત્રીજા-ચોથા સ્થાનની મેચમાં ધ્રુવ ભંભાણીએ સુરતના ઈસ્માઈલ ધુપલીને 3-2થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીતી લીધું હતું.
બીજી બાજુ અંડર-14 બોયઝ કેટેગરીમાં આરવ સિંઘવીએ સિલ્વર મેડલ જીત્યો છે. ફાઈનલ મેચમાં તેની અમદાવાદના દ્વિજ ભાલોડિયા સામે 0-3થી હાર થઇ હતી. આ પહેલા સેમિફાઇનલમાં તેણે અમદાવાદના અંશ ખમરને 3-2થી હરાવ્યો હતો.
અંડર-14 ગર્લ્સ કેટેગરીમાં અનાઇષા સિંઘવીએ ચોથું સ્થાન મેળવ્યું હતું, ત્રીજા-ચોથા સ્થાનની મેચમાં તેની અમદાવાદની ખનક શાહ સામે રસાકસી ભરેલા મુકાબલામાં 2-3થી હાર થઇ હતી. સેમિફાઇનલમાં તેની ભાવનગરની ચાર્મી ત્રિવેદી સામે 1-3થી હારી ગઈ હતી.
યુગ પ્રતાપ સિંગ બોયઝ (અંડર-14) કેટેગરીની ક્વાર્ટર ફાઇનલમાં અમદાવાદના અંશ ખમર સામે 3-0થી હારી ગયો હતો.
માયરા ખેસ્કાની ગર્લ્સ (અંડર-11) વર્ગની ક્વાર્ટર ફાઇનલમાં અમદાવાદની ઝીનાલી પટેલ સામે 3-1થી હારી ગઈ હતી. જયારે યાના સિંઘની પ્રીક્વાર્ટર ફાઇનલમાં ભાવનગરની ક્રિશા જોશી સામે 1-3થી હાર થઇ હતી.
આ બધા ખેલાડીઓ અમરચંદ સિંધવી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે અને આદિપુરના હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે ચાલી રહેલી કેડીટીટીએ ટેબલ ટેનિસ એકેડેમી ખાતે ટીટી કોચ શંકનિલ બસાક અને સ્ટ્રેન્થ અને કન્ડીશનીંગ કોચ નમન ઓઝા પાસે તાલીમ લઇ રહ્યા છે.
ખેલાડીઓની આ સિદ્ધિ બદલ સંસ્થાના બધા પદાધિકારીઓએ અભિનંદન પાઠવ્યા હતા.