શ્રમિકો/કામદારોને રોજગારી આપતી વખતે તેમનો પૂર્વ ઈતિહાસ, નાગરિકતા અને ઓળખ અંગેના પૂરાવા મેળવવાના રહેશે
કચ્છ જિલ્લાના શહેર તથા ગ્રામ્ય રહેણાંક વિસ્તારોમાં તથા ઓદ્યૌગિક વિસ્તારોમાં અને અન્ય ખાનગી એકમોમાં મોટી સંખ્યામાં અસંગઠિત શ્રમિકો/કામદારોને રોજગાર આપવામાં આવે છે. રોજગાર આપતી વખતે રોજગારી આપનાર સંસ્થા/એકમો તરફથી શ્રમિકો/કામદારોના કોઈ પૂર્વ ઈતિહાસ અથવા ઓળખ પ્રસ્થાપિત કરવા માટેની પ્રક્રિયા અપનાવવામાં આવતી નથી જેના કારણે અસામાજિક તત્વો, ગુનાહિત ઈતિહાસ ધરાવતી વ્યક્તિઓ અને ભારતીય નાગરિકતા નહીં ધરાવતી વ્યક્તિઓને રોજગારી આપી દેવામાં આવે છે. જે આપણા દેશ અને રાજ્યની આંતરિક સુરક્ષા માટે યોગ્ય અને ઈચ્છનીય નથી. જે અન્વયે શ્રમિકો/કામદારોના પૂર્વ ઈતિહાસ, નાગરીકતા અને ઓળખ અંગે ખાત્રી કરી લેવાની કાર્યવાહી કરવી જરૂરી જણાય છે.
કચ્છ-ભુજ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે કચ્છ જિલ્લાનાં કાર્યક્ષેત્રમાં કોઈપણ સંસ્થા/એકમ તરફથી શ્રમિકો/કામદારોને રોજગારી આપવામાં આવે ત્યારે તે સંસ્થા/એકમે આ શ્રમિકો/કામદારોના પૂર્વ ઈતિહાસ ચકાસવાના રહેશે અને તેનું રેકર્ડ રાખવાનું રહેશે. કચ્છ જિલ્લાના કાર્યક્ષેત્રમાં કોઈપણ સંસ્થા/એકમ તરફથી શ્રમિકો/કામદારોને રોજગારી આપવામાં આવે ત્યારે તે સંસ્થા/એકમે શ્રમિકો/કામદારોની નાગરિકતા અને ઓળખ અંગેના પુરાવા મેળવવાના રહેશે અને તે બાબતનું રજિસ્ટર નિભાવવાનું રહેશે તથા સંબંધિત પોલીસ સ્ટેશનમાં તેની માહિતી પૂરી પાડવાની રહેશે.
આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનારને ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે અને આ જાહેરનામું તા.૧૦/૦૭/૨૦૨૫ સુધી અમલમાં રહેશે
