કચ્છ કલેક્ટરશ્રી આનંદ પટેલનાં અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને ધારાસભ્યોશ્રીઓના પ્રજાહિતના
પ્રશ્નોનું તાત્કાલિક નિવારણ લાવવા જિલ્લા કલેક્ટરશ્રીની તાકીદ

પાણીના વહેણો પરના દબાણોને તત્કાલ દૂર કરવા
ઝુંબેશ ચલાવવા કલેક્ટરશ્રીની અધિકારીઓને સૂચના

રસ્તાઓ,દબાણ,વીજ કનેક્શન,જમીન ફાળવણી, યોજનાના લાભ, પાણી
અને શિક્ષણ સહિત વગેરે પ્રશ્નોની પદાધિકારીશ્રીઓ દ્વારા કરાઈ રજૂઆત

આજરોજ જિલ્લા સેવા સદન ભુજ ખાતે કચ્છ કલેક્ટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લાની સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેક્ટરશ્રી સમક્ષ ઉપસ્થિત પદાધિકારીશ્રીઓએ પ્રજાહિતના વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી હતી. પદાધિકારીશ્રીઓ દ્વારા રજૂ કરાયેલા પ્રજાના પ્રશ્નોનું તાત્કાલિક નિવારણ લાવવા માટે જિલ્લા કલેક્ટરશ્રીએ સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને યોગ્ય કાર્યવાહી કરવાના દિશાનિર્દેશો સાથે ઝડપથી કામગીરી કરવા સૂચન કર્યું હતું.
સાંસદ સભ્યશ્રી વિનોદભાઈ ચાવડાએ સરહદી વિસ્તારોની ચોકીઓમાં પાણીના પુરવઠા બાબતે યોગ્ય પગલાં ભરવાની રજૂઆત હતી. માંડવીના ધારાસભ્યશ્રી અનિરુદ્ધભાઈ દવેએ બેઠકમાં વયવંદના યોજના, વાહન અકસ્માત યોજના સંલગ્ન પ્રશ્નો, પશુઓને પીવાના પાણીની વ્યવસ્થા તથા મોટા કાંડાગરામાં દબાણ અંગેના પ્રશ્નોની ચર્ચા કરી હતી.

આ બેઠકમાં અંજારના ધારાસભ્યશ્રી ત્રિકમભાઈ છાંગાએ જિલ્લાના ઉદ્યોગ ગૃહોમાં સ્થાનિક ભરતીનો મુદો, લીલાશા રેલ્વે અંડરપાસની કામગીરી, ખેડોઈ તથા લાખાપરમાં બેંકની શાખા શરૂ કરવા, ભારાપર-બળદિયા તથા કેરા બાયપાસ તથા ટોલ પ્લાઝા સહિતના પ્રશ્નોની રજૂઆત કરી હતી.

અબડાસાના ધારાસભ્યશ્રી પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ વીજળી, જમીન આકારણી, ખેત વીજ કનેકશન, આધારકાર્ડ, રોજગારી, સી.એસ.આર.ફંડ, બીબ્બર ખાતે ડેમ બનાવવા, નખત્રાણા ટાઉનહોલ, દયાપર સરકારી કોલેજની કામગીરી, ગૂગળના વેચાણ, વન વિભાગને સંલગ્ન પ્રશ્નો, ઉદ્યોગોના કચરાના નિકાલ તથા શાળા અને આંગણવાડીના પ્રશ્નો રજૂ કર્યા હતા.

ભુજના ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલે ભુજ શહેરમાં લો-વોલ્ટેજની સમસ્યા, સબસ્ટેશન બનાવવા સહિતના મુદે રજૂઆત કરી હતી. જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા દ્વારા બન્નીના પશુપાલકોને સરકારી યોજનાઓનો લાભ મળે તે માટે આઇ ખેડૂત પોર્ટલમાં ગામનો સમાવેશ કરવા રજૂઆત કરી હતી. પશુપાલનને લગતી યોજના અંતર્ગત બન્ની વિસ્તારને લાભ મળી શકે તેના માટે રજૂઆત કરવામાં આવી હતી.

બેઠકમાં સાંસદ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી તથા સર્વ ધારાસભ્યો દ્વારા રજૂ થયેલા પ્રશ્નોના ત્વરીત નિકાલ માટે આંતરિક સંકલન કરીને તેનો સમયમર્યાદામાં ઉકેલ લાવવા કલેકટરશ્રી આનંદ પટેલે અધિકારીશ્રીઓને તાકીદ કરી હતી. કલેક્ટરશ્રી દ્વારા શરણાર્થીઓના પ્રશ્નો, વાંઢના પ્રશ્નો, આધારકાર્ડ, રેલ્વે, પાણીના પ્રશ્નો, દબાણ, નર્મદા કેનાલ, જમીન ફાળવણીના લગતી બાબતો, યોજનાથી વંચિત રહેતા લોકોને પૂરતો લાભ મળે તે જોવા, વીજ કનેક્શન, પાણીના સંગ્રહ સ્થાનો સંલગ્ન પ્રશ્ન, તથા જર્જરીત શાળા તથા આંગણવાડી સહિતની સમસ્યાઓનો હકારાત્મક અને ત્વરિત ઉકેલ આવે તે દિશામાં કાર્યવાહી કરવા સંલગ્ન વિભાગોને ખાસ તાકીદ કરી હતી. ચોમાસા પૂર્વે પાણીના વહેણો પરના અવરોધો દૂર થાય તે માટે ખાસ ઝુંબેશ ચલાવવા અધિકારીશ્રીઓને સૂચના આપી પ્રશ્નોના હલ માટે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ તકે કલેકટરશ્રીએ “ઓપરેશન સિંદૂર” દરમિયાન કચ્છના વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીને બિરદાવીને દરેક વિભાગના કર્મયોગીઓની સરાહના કરી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર, નિવાસી અધિક કલેક્ટરશ્રી ડી.પી.ચૌહાણ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી નિકુંજ પરીખ, સિવિલ ડિફેન્સના નાયબ નિયંત્રક અને અધિક કલેકટરશ્રી ઘવલ પંડ્યા તથા સર્વે પ્રાંત અધિકારીશ્રીઓ સહિત જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ, વિવિધ કચેરીઓના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા.