કચ્છ જિલ્લામાં સૌ પ્રથમ વખત ગાંધીધામ ખાતેથી આધુનિક ટેક્નોલોજીનોઉપયોગ કરી સંપૂર્ણ વીજનેટવર્કને ભૂર્ગભમાં રૂપાંતરિત કરાશે

રૂા.૨૪૭ કરોડના ભૂગર્ભ કેબલ વીજળી વિતરણ પ્રોજેકટનું
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી દ્વારા કરાશે ખાતમુહૂર્ત

કચ્છ જિલ્લામાં સૌ પ્રથમ વખત ગાંધીધામ ખાતેથી આધુનિક ટેક્નોલોજીનો
ઉપયોગ કરી સંપૂર્ણ વીજનેટવર્કને ભૂર્ગભમાં રૂપાંતરિત કરાશે

પ્રોજેકટ થકી કુદરતી આપદા સમયે પણ ૫૩ હજાર વીજગ્રાહકોને
ગુણવત્તાયુક્ત અને અવિરત વીજપુરવઠો મળી રહેશે


ફોલ્ટ થવાની સ્થિતિમાં એક સ્ત્રોતમાંથી બીજા સ્ત્રોતમાં આપમેળે વીજ સપ્લાય
બદલી જવાની સુવિધાથી આકસ્મિક પરિસ્થિતિમાં વીજપુરવઠો જળવાઇ રહેશે

કચ્છના ગાંધીધામમાં રૂા.૨૪૭ કરોડના ખર્ચે વીજળીના ઓવરહેડ સમગ્ર માળખાને અંડરગ્રાઉન્ડ કરવાના પ્રોજેકટનું આગામી તા.૨૬મીના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના હસ્તે ખાતમુહૂર્ત કરાશે. ચક્રવાત પ્રતિરોધક ભૂગર્ભ કેબલ વીજળી વિતરણ પ્રોજેકટના અમલીકરણથી ગાંધીધામ શહેરના ૫૩ હજાર વીજગ્રાહકો તથા ઉદ્યોગોને સીધો લાભ થશે.
પ્રાપ્ત માહિતી અનુસાર ૧૧ કે.વી. ફીડર, એલ.ટી. લાઇન અને સર્વિસ વાયરમાંથી સમગ્ર ઓવરહેડ વીજળી વિતરણ માળખાને ચક્રવાત-પ્રરોધક ભૂગર્ભ કેબલ નેટવર્કમાં રૂપાંતરિત કરવામાં આવશે. આ પ્રોજેકટમાં કુલ ૬૫ ચોરસ કિ.મી. વિસ્તારને આવરી લેવામાં આવ્યો છે. તેમજ આ નેટવર્કમાં ૧ હજાર રિંગ મેઇન યુનિટ્સ (RMUs) સ્થાપિત કરવામાં આવશે તેમજ ૨૩ ફીડરને ભૂગર્ભ નેટવર્કમાં રૂપાંતરિત કરવામાં આવશે. સાથે જ ૧૫૬ કિ.મી હાઇ ટેન્શન (HT) તથા ૨૨૩ કિ.મી લો ટેન્શન (LT) ઓવરહેડ લાઇનને ભૂગર્ભમાં રૂપાંતરિત કરવામાં આવશે. ૫૩,૦૦૦ ગ્રાહકો માટે ૧,૦૦૦ કિલોમીટરના સર્વિસ વાયરને ભૂગર્ભમાં રૂપાંતરિત કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, કચ્છ જિલ્લામાં સૌ પ્રથમ વખત ગાંધીધામ ખાતેથી આ અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સંપૂર્ણ ઓવરહેડ-ટુ-અંડરગ્રાઉન્ડ રૂપાંતર પ્રોજેકટનો અમલ કરવામા આવનાર છે. જેનો મુખ્ય ઉદ્દેશ ગાંધીધામ શહેરને ગુણવત્તાયુક્ત વિશ્વસનીય અને અવિરત વીજ પુરવઠો પૂરો પાડવાનો છે. આ પ્રોજેકટ આકાર લીધા બાદ ચક્રવાત પ્રુફ્ર નેટવર્ક, સલામત વીજળી નેટવર્કના લાભ સાથે ફોલ્ટ થવા પર તાત્કાલિક એક સ્ત્રોતથી બીજા સ્ત્રોતમાં વીજ સપ્લાય બદલવાની સુવિધા ઉપલબ્ધ થશે. જેથી આકસ્મિક પરિસ્થિતિમાં પણ વીજપુરવઠો જળવાઇ રહેશે.