આગામી તા.૨૬/૫ના માન.વડાપ્રધાનશ્રીની કચ્છ જિલ્લાની મુલાકાતને અનુલક્ષીને ભુજ શહેરમાં ટ્રાફીક વ્યવસ્થા જળવાઇ રહે તે માટે જાહેરનામું જારી કરાયું


આગામી તા.૨૬/૦૫/૨૦૨૫ના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની કચ્છ જિલ્લાના ભુજ ખાતે યોજાનાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર હોઇ જેને અનુલક્ષીને ભુજ ખાતે ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તા.૨૬/૦૫/૨૦૨૫ના રોજ કલાક ૧૩:૦૦ થી કલાક ૧૯:૦૦ વાગ્યા સુધી ભુજ શહેરમાં પ્રવેશતા સરકારી વાહન સિવાયના તમામ વાહનોની રસ્તા પરથી અવર-જવર બંધ કરવા તથા વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અંગેનું જાહેરનામું પ્રસિધ્ધ કરવા દરખાસ્ત રજુ થયેલ છે. જેની વિગતે ટ્રાફિક વ્યવસ્થા તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણીના હેતુસર નીચે જણાવ્યા મુજબનો હુકમ કરવો જરૂરી જણાય છે.
જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આનંદ પટેલ, કચ્છ-ભુજ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૩(૧)(બી) અન્વયે તા.૨૬/૦૫/૨૦૨૫ના રોજ કલાક ૧૩:૦૦ થી કલાક ૧૯:૦૦ વાગ્યા સુધી ભુજ શહેરના ક્વાટર્સ ત્રણ રસ્તાથી એરપોર્ટ ત્રણ રસ્તા, કોડકી ચાર રસ્તા, ત્રિમંદિર, પ્રિન્સ રેસિડેન્સી ત્રણ રસ્તાથી ભગવતી ચાર રસ્તા સુધી તમામ વાહનો અવર-જવર કરી શકશે નહી. વૈકલ્પિક માર્ગ/રસ્તાની વિગત ૩૬ ક્વાટર્સ ત્રણ રસ્તાથી સરપટ નાકા થઈને ભુજ શહેરમાં પ્રવેશ કરી શકશે. ૩૬ ક્વાટર્સ થઈ નાગોર ફાટક થઈ માધાપર તેમજ ભુજ બહાર જઈ શકશે. ભુજ શહેરમાંથી માંડવી, માતાના મઢ, નખત્રાણા, નારાયણ સરોવર જવા માટે ૩૬ ક્વાટર્સ ત્રણ રસ્તાથી રેલ્વે સ્ટેશનથી આત્મારામ સર્કલથી RTO સર્કલ થઈને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર થઈને રીલાયન્સ સર્કલથી ચંગલેશ્વર મહાદેવથી કચ્છ યુનિવર્સિટીથી આગળ જમણી બાજુ મિરઝાપર ગામ તરફ જવાના રસ્તેથી આગળ જઈ શકશે. ભુજ શહેરમાં પ્રવેશ કરનાર વાહન ચાલકો મિરઝાપર ગામના બે નંબરના ગેટથી પ્રવેશ કરી ગૌશાળા થઈ મુંદરા રોડ ઉપર આવી ચંગેલશ્વર મહાદેવ થઈને રીલાયન્સ સર્કલથી પ્રવેશ કરી શકશે.
આ જાહેરનામું સરકારી વાહનો/સરકારી કામે રોકવામાં આવેલ વાહનો. પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજના આદેશાનુસાર સક્ષમ અધિકારીશ્રી દ્વારા અધિકૃત કરેલ વાહનો. એમ્બ્યુલન્સ વાહનો. ફાયર બ્રિગેડના વાહનોને લાગુ પડશે નહીં.