વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે બે મહત્વપૂર્ણ માર્ગ પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત થતાં કચ્છ જિલ્લાના પરિવહન અને અર્થતંત્રને મળશે નવો વેગ
આગામી તા.૨૬ મે ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ કચ્છ જિલ્લામાં માર્ગ પરિવહનને વધુ સુદ્રઢ બનાવવા અને પ્રાદેશિક અર્થતંત્રને ગતિ આપવાના ઉદ્દેશ્ય સાથે બે મહત્ત્વપૂર્ણ માર્ગ પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. આ પ્રોજેક્ટ્સ અંતર્ગત રસ્તાઓની મજબૂતીકરણ અને આધુનિકીકરણની કામગીરી હાથ ધરવામાં આવશે, જે માર્ગ પરિવહનને સરળ બનાવશે અને જિલ્લાની કનેક્ટિવિટીમાં નોંધપાત્ર સુધારો લાવશે.
આ પ્રોજેક્ટ્સમાં રૂ.૪૩ કરોડના ખર્ચે પલાસવા – ભીમાસર – હમીરપર – ફતેહગઢ સી.સી. રોડનો સમાવેશ થાય છે જે આગામી તા.૧૮ માર્ચ, ૨૦૨૬ સુધીમાં પૂર્ણ થશે. આ પ્રોજેક્ટમાં પહોળો સી.સી. રોડ, નવા ક્રોસ ડ્રેનેજ સ્ટ્રક્ચર્સ, વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર ડ્રેઇન અને રોડ સંલગ્ન સુવિધાઓનો સમાવેશ થાય છે. આ માર્ગ ટ્રાફિક વ્યવસ્થાપન કરવા અને વાહનવ્યવહારને વધુ સરળ બનાવવા માટે અત્યંત જરૂરી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય વધુ સારી કનેક્ટિવિટીને હાંસલ કરવાનો છે. આ પ્રોજેક્ટથી અંદાજે ૧૮,૮૭૭ મુસાફરોને સીધો લાભ મળશે.
જ્યારે ખાતમુહૂર્ત કરવામાં આવનાર અન્ય બીજા પ્રોજેકટમાં કોટડા – બીટ્ટા રોડનો સમાવેશ થાય છે. રૂ.૪૦.૦૦ કરોડના અંદાજિત ખર્ચે નિર્માણ પામનાર આ પ્રોજેક્ટમાં રસ્તાની મજબૂતીકરણની કામગીરી, નવા ક્રોસ ડ્રેનેજ સ્ટ્રક્ચર્સ, પ્રોટેક્શન વર્ક અને રોડ સંલગ્ન સુવિધાઓનો સમાવેશ થાય છે. ટ્રાફિકનું ભારણ ઘટાડવા સાથે વાહનવ્યવહારને સુગમ બનાવવાની નેમ સાથે આ પ્રોજેક્ટ ઉત્તમ કનેક્ટિવિટી પણ પૂરી પાડશે. આ પ્રોજેક્ટથી અંદાજે ૭,૫૪૬ ચાલકોને લાભ થશે અને તે સ્થાનિક ઉદ્યોગને વેગ આપવા તેમજ પ્રાદેશિક અર્થતંત્રને પ્રોત્સાહન આપવામાં મદદરૂપ થશે.
આ બંને પ્રોજેક્ટ્સ કચ્છ જિલ્લાના વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને સ્થાનિક રહેવાસીઓ તેમજ ઉદ્યોગો માટે પરિવહન સુવિધાઓમાં નોંધપાત્ર સુધારો લાવશે સાથે જ જિલ્લાની આર્થિક પ્રવૃત્તિઓને ગતિ આપવામાં પણ મદદરૂપ થશે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ભુજ ખાતેથી રૂ.૫૨ હજાર કરોડથી વધુના ૩૧ વિકાસકામોની ગુજરાતને આપશે ભેટ
ઉલ્લેખનીય છે કે, ભુજ ખાતે તા.૨૬મી મેના ભુજ-મિરઝાપર રોડ પર યોજાનારા કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી રૂ.૫૨,૯૫૩ કરોડના કુલ ૩૧ વિકાસકામોની ગુજરાતને ભેટ આપશે. કચ્છ, મોરબી, જામનગર, અમરેલી, જુનાગઢ, ગીર-સોમનાથ, અમદાવાદ, તાપી તથા મહીસાગર જિલ્લાને સમાવતા વિકાસકામોનું વડાપ્રધાનશ્રીના હસ્તે ઇ-લોકાર્પણ તથા ઇ-ખાતમૂહુર્ત કરાશે. આ કાર્યક્રમમાં રૂ.૨૨૯૨ કરોડના ૧૭ કામોના લોકાર્પણ તથા રૂ.૫૦,૬૬૧ કરોડના ૧૪ કામોના ખાતમૂહુર્ત સામેલ છે.