સુખપરના અરજદાર દ્વારા સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી

NRI મિલકતધારકોની વારસાઇ મિલકતોના વેચાણ માટે આધાર કાર્ડમાંથી મુક્તિ અપાઈ

ઓળખના ૧૪ પુરાવા પૈકીના કોઈપણ એક પુરાવાના આધારે નોંધણી કરાવી શકાશે

એનઆરઆઈ મિલકત ધારકોની વારસાઈ મિલકતોના વેચાણ આધાર કાર્ડમાં મુક્તિ આપવાની માગણી નોંધણી સર નિરીક્ષક અને સુપરિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સની કચેરી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જેથી સર નિરીક્ષકની કચેરી દ્વારા આધાર કાર્ડ ન હોય તેવા કિસ્સામાં ઓળખના વિવિધ ૧૪ પુરાવા પૈકી કોઈપણ એક પુરાવાના આધારે દસ્તાવેજની નોંધણી કરાવી શકાશે તેમ જણાવ્યું હતું.

આ અંગે સુખપરના ઋષિ જનાર્દનભાઈ ઉપાધ્યાયે રજૂઆત

કરતાં જણાવ્યું હતું કે, એન.આર. આઈ મિલકત ધારકોને દસ્તાવેજ નોંધણી માટે આધાર કાર્ડ ફરજિયાત માંગવામાં આવતો હતો. જે અંગે લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. જેના પગલે નાયબ નોંધણી સર નિરીક્ષક, ગાંધીનગર દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો કે, રજિસ્ટ્રાર કચેરીઓમાં નોંધણી માટે રજૂ થતાં દસ્તાવેજોમાં દસ્તાવેજ લખી આપનાર, લખાવી લેનાર તથા ઓળખ આપનાર પક્ષકારોના ફોટા સહિતના ઓળખના પુરાવા તરીકે આધાર કાર્ડની નકલ રજૂ કરવા જણાવાયું હતું. જે બાબતે બિનનિવાસી

ભારતીય નાગરિકો (NRI) પાસે આધાર કાર્ડની નકલ ઉપલબ્ધ ન હોવાથી તેમાં દસ્તાવેજની નોંધણી માટે સરકારના મહેસૂલ વિભાગના જાહેરાનામાની જોગવાઈ મુજબ જ્યારે કોઈ પક્ષકાર આધાર કાર્ડ મેળવી શકે તેમ ન હોય ત્યારે નિયત કરાયેલા ઓળખના ૧૪ પુરાવા પૈકીના કોઈપણ એક પુરાવાની ખરી નકલ મેળવીને નિયમાનુસારની આગળની કાર્યવાહી કરવા જણાવાયું હતું. આથી ઓળખના ૧૪ પુરાવા પૈકીના કોઈપણ પુરાવાના આધારે દસ્તાવેજની નોંધણી કરાવી શકાય છે તેમ જણાવાયું હતું.