કચ્છમાં પ્રાકૃતિક કૃષિની સમીક્ષા માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

ગુજરાત રાજ્યના માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે સતત માર્ગદર્શન આપીને નિષ્ઠાપૂર્વકના પ્રયાસો કરી રહ્યા છે ત્યારે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમના અધ્યક્ષસ્થાને કચ્છમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે અને મહત્તમ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાય તે હેતુથી નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત ડિસ્ટ્રીક્ટ લેવલ મોનીટરીંગ કમિટી તેમજ પ્રાકૃતિક કૃષિની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
કચ્છના આત્મા પ્રોજેક્ટના પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી પી.કે તલાટી દ્વારા પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે કરવામાં આવી રહેલા વિવિધ પ્રયાસો અંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રીને માહિતગાર કરવામાં આવ્યા હતા. બેઠકમાં નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ(મિશન)ના કલસ્ટરમાં બેઝ કૃષિ સખી/ કોમ્યુનિટી રિસોર્સ પર્સનની તાલીમ, કામગીરી અને માનદવેતનની ચર્ચા, અવેરનેશ જનરેશન પ્રોગ્રામની વિગત, કલસ્ટર દીઠ એક બ્લોક રીસોર્સ સેન્ટરની સ્થાપના, ફાર્મર માસ્ટર ટ્રેનરની પસંદગીને બહાલી તથા અમલમાં આવેલી નવીન યોજનાઓની ચર્ચા સાથે જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ પ્રાકૃતિક કૃષિના લાભ મહત્તમ ખેડૂતો સુધી પહોંચે તથા પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે દિશામાં પ્રયાસ કરવા સાથે તાલીમનું સુદ્ઢ આયોજન કરવા સાથે આગામી રણોત્સવમાં પ્રાકૃતિક ખેતીના સ્ટોલ મુકવા અંગે સૂચન કર્યું હતું.
આત્મા દ્વારા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમને જિલ્લામાં ચાલી રહેલા પ્રાકૃતિક કૃષિના અભિયાન અંગે જાણકારી આપવામાં આવી હતી. કલસ્ટરબેઝ તાલીમ, કલસ્ટર, તાલુકા અને જિલ્લાકક્ષાએ વેચાણ કેન્દ્રો, વિવિધ ખેડૂતલક્ષી સહાય યોજનાઓના લાભાર્થી, પ્રાકૃતિક કૃષિના પંચસ્તરીય મોડલ ફાર્મના જમીનના એકત્રીકરણ અને પૃથ્થકરણની કામગીરી, દેશી ગાય નિભાવ ખર્ચ સહાય યોજના, પ્રાકૃતિક કૃષિ માટે જીવામૃત-ઘન જીવામૃત બનાવવા તથા વિતરણ માટે માળખાકીય સુવિધા માટે સહાય, રાસાયણિક ખાતરના વપરાશના ડેટા સહિતની બાબતની સમીક્ષા કરવામાં આવી હતી.
આ સમીક્ષા બેઠકમાં જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી કે.ઓ.વાઘેલા, નાયબ બાગાયત નિયામકશ્રી મનિષ પરસાણિયા, સર્વે મદદનીશ ખેતી નિયામકશ્રીઓ અને સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ તથ સંસ્થાના સભ્યો હાજર રહ્યા હતા.