મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભરવાડ સમાજના ૫૦ યુવાનોને પગભર બનાવવા જે.સી.બી.નું વિતરણ કરાયું

ભરવાડ યુવા સંગઠન ગુજરાત પ્રદેશ દ્વારા ગાંધીનગરના ટાઉનહોલ ખાતે આયોજિત ૫૦ જે.સી.બી.ના વિતરણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભરવાડ સમાજના ૫૦ જેટલા આર્થિક રીતે જરૂરિયાતમંદ યુવાનોને પગભર બનાવવા એક પણ રૂપિયાના ડાઉન પેમેન્ટ વગર જે.સી.બી.નું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ સંગઠનના આ કાર્યને બિરદાવતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી હરહંમેશ કહે છે કે, યુવાનોને આત્મનિર્ભર બનાવવા માટે સરકારના પ્રયાસોમાં સમાજનો સહયોગ મળે તો વિકાસની ગતિ બમણી થઈ જાય છે. મુખ્યમંત્રીશ્રીએ પર્યાવરણ દિવસની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, સમાજ-જીવન માટે ખૂબ ઉપયોગી ઘણા સંકલ્પો વડાપ્રધાનશ્રીએ આપ્યા છે. આપણે પણ જે કોઈ કાર્ય કરીએ તેમાં પર્યાવરણને પ્રાધાન્ય આપવું જરૂરી છે. આપણા ધંધા-રોજગારમાં અને જીવનશૈલીમાં પર્યાવરણનો વિચાર કરીશું તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સાકાર થશે. દરેક ગામ દરેક સમાજ જ્યારે આગળ આવશે ત્યારે જ વિકસિત ગુજરાતથી વિકસિત ભારત બનશે. આપણને જે પણ કુદરતી સંપદા આપણા વડીલો પાસેથી મળેલી છે એ સંપદાને આપણે નવી પેઢીને કેવી રીતે આપી શકીએ તેના માટેનો વડાપ્રધાનશ્રી હર હંમેશ પ્રયત્ન કર્યો છે. પાણીનો દુરુપયોગ ન થાય, પાણીને કેવી રીતે જમીનમાં ઉતારી તેનો સંચય કરી શકાય એના માટે વિચારવું જોઈએ એમ પણ મુખ્યમંત્રીશ્રીએ ભારપૂર્વક કહ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ પ્લાસ્ટિક મુક્ત ગુજરાતથી પ્લાસ્ટિક મુક્ત ભારતના વિચાર સાથે પ્લાસ્ટિકનો ઉપયોગ રોજિંદી જીવનશૈલીમાંથી કેવી રીતે બંધ કરી શકાય તે માટે પ્રયત્ન કરવા પણ અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટેના ઉપાયના ભાગરૂપે વડાપ્રધાનશ્રીએ ગયા વર્ષે શરૂ કરેલું ‘એક પેડ માં કે નામ’ અભિયાન જન આંદોલન બની ગયું છે. રાજ્યભરમાં ગયા વર્ષે ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત ૧૭ કરોડ ૫૦ લાખથી વધુ વૃક્ષો વાવી ગુજરાતે સમગ્ર દેશમાં બીજા નંબરનું ગૌરવ સ્થાન પ્રાપ્ત કર્યું છે તેનો પણ મુખ્યમંત્રીશ્રીએ ગૌરવપૂર્વક ઉલ્લેખ કર્યો હતો.
રિપોર્ટ બાય : અશ્વિન લીંબાચીયા, અમદાવાદ