કરિયરને અવરોધતા વજનને મે મારા સંકલ્પબળે ઘટાડીને મારુ સપનું પૂરૂ કર્યું – હાર્દિક ઠક્કર

 એક સમય હતો જ્યારે મારૂ વજન મારા સપના પૂરા કરવામાં અવરોધરૂપ બનતું હતું, પરંતુ મારા દ્ઢ સંકલ્પના બળે મે મારું વજન સંતુલિત કરીને મિસ્ટર ગુજરાત સ્પર્ધામાં ભાગ લઇને  ચોથો રેન્ક હાંસલ કરીને કંઈ કરી બતાવાનું સપનું સાકાર કર્યું હતું. આ શબ્દો છે કચ્છ જિલ્લાના ભુજ શહેરના ૨૪ વર્ષીય હાર્દિક ઠક્કરના…’

            હાર્દિક ઠક્કર જણાવે છે કે, સંતુલિત વજન સારા સ્વાસ્થ્યની નિશાની છે. આજના સમયમાં જંક ફૂડ તથા બહાર જમવાની ટેવના કારણે મોટાભાગના યુવાનો મોટાપાથી પીડાય છે. જેના કારણે અનેક શારીરિક સમસ્યા સાથે માનસિક તણાવ પણ ઉભો થાય છે. આજના સમયમાં જ્યારે યુવાનો ફેશન ફ્રેન્ડલી છે ત્યારે મેદસ્વિતા તેમાં અવરોધરૂપ બને છે. અનેક ક્ષેત્ર એવા છે જેમાં કારર્કિદી બનાવવા માટે યોગ્ય વજન હોવું જોઇએ. મારું પણ મિસ્ટર ગુજરાત સ્પર્ધામાં ભાગ લેવાનું સપનું હતું પરંતુ મારા વધેલું વજન તેમાં અવરોધરૂપ બનતું હતું. મે અડગ મન સાથે મોટાપાથી મુક્ત થવા માટે પ્રયાસ શરૂ કર્યો અને ૪૫ દિવસમાં ૭૩ કિ.ગ્રામાંથી ૫૫ કિ.ગ્રા વજન કર્યું. જેના કારણે હું વર્ષ ૨૦૨૩ની મિસ્ટર ગુજરાત સ્પર્ધામાં ભાગ લઇ શક્યો અને ચોથો રેન્ક મેળવીને મારું સપનું પણ સાકાર કર્યું.

હાર્દિક ઉમેરે છે કે, વજન ઓછું કરવામાં મે શિસ્તપૂર્વક ડાયટ, કસરત, યોગ વગેરે રૂટિન અનુસર્યું હતું. પુરતી ઊંઘ સાથે નિયમિત કસરત, યોગ્ય પોષણયુક્ત આહાર, યોગ, સૂર્યનમસ્કાર તથા ધ્યાન કરતો હતો. જેના કારણે ૪૫ દિવસમાં મને ૧૮ કિલો વજન ઘટાડવામાં સફળતા મળી હતી.      

મારી ગુજરાતના નાગરિકોને અપીલ છે કે, જંકફુડ, તળેલા તથા અનહેલ્ધિ ભોજનથી દુર રહીને તંદુરસ્ત ગુજરાતના નિર્માણ માટે પોષણયુક્ત ખોરાક સાથે કસરત, યોગ વગેરેને જીવનમાં સ્થાન આપે. દઢ્ સંકલ્પ અને મજબૂત મનોબળની સાથે મેદસ્વિતા સામેની લડાઇમાં જીતવું સરળ છે.

જિજ્ઞા વરસાણી