પ્રાકૃતિક પદ્ધતિથી ખેતીમાં બહારથી ખાતર કે દવાઓ લાવવાની જરૂર પડતી નથી
ખેડૂત ભાઈઓ! શું તમે ક્યારેય વિચાર કર્યો છે કે, જંગલનાં વૃક્ષોને યુરિયા અથવા ડી.એ.પી. કોણ આપે છે? જંતુનાશક દવાઓનો છંટકાવ કોણ કરે છે? વૃક્ષોને પાણી કોણ આપે છે? આમ છતાં ફળ આવવાના સમયે જંગલનાં વૃક્ષો ફળોથી લદાઈ જાય છે. જંગલમાં જે નિયમ કામ કરે છે, તે જ નિયમ આપણા ખેતરમાં કામ કરવો જોઈએ, તેનું જ નામ છે, “પ્રાકૃતિક ખેતી”.
પ્રાકૃતિક ખેતીમાં મુખ્ય ખેતી પાકની સાથે સહજીવી પાક ઉગાડવામાં આવે છે. આવા ખેતી પાકો એકબીજાને પોષણ આપે છે. મુખ્ય ખેતી પાકનો ઉત્પાદન ખર્ચ સહજીવી પાકના ઉત્પાદન અને આવકથી નીકળી જાય છે અને મુખ્ય પાક બોનસના રૂપમાં મળે છે, જેનાથી ખેડૂતનો ખેતી ખર્ચ બહુ જ ઓછો થઈ જાય છે. પ્રાકૃતિક ખેતીમાં ખેતી પાકને વૃદ્ધિ માટે અને ઉત્પાદન લેવા માટે જે જે સંસાધનોની જરૂરિયાત પડે છે તે બધા ઘરમાં જ ઉપલબ્ધ થાય છે, કોઈપણ હાલતમાં બજારમાંથી ખરીદીને લાવવા પડતા નથી. પ્રાકૃતિક ખેતીનો નારો છે કે “ગામનો પૈસો ગામમાં અને શહેરનો પૈસો પણ ગામમાં”. ખેડૂત ભાઈઓ! આવી રીતે આપણા દેશનો પૈસો દેશમાં રહેશે, દેશનો પૈસો વિદેશ જશે નહીં પરંતુ, વિદેશનો પૈસો દેશમાં લાવીશું, આ છે પ્રાકૃતિક ખેતી.
ભૂમિ અન્નપૂર્ણા છે:
ખેડૂત મિત્રો! આપણી ભૂમિ અન્નપૂર્ણા છે. ખેતી પાકોની વૃદ્ધિ માટે જે સંસાધન જોઈએ તે તેના મૂળની પાસે જમીનમાં અને પર્ણોની પાસે વાતાવરણમાં જ પૂરતા પ્રમાણમાં હાજર હોય છે, ઉપરથી કંઈ પણ આપવાની જરૂર રહેતી નથી. આપણા ખેતી પાકો જમીનમાંથી ફક્ત ૧.૫ થી ૨% ખનીજ તત્વો લે છે. બાકીના ૯૮ થી ૯૮.૫ ટકા હવા, સૂર્યપ્રકાશ અને પાણી દ્વારા લે છે. તમારે ઉપરથી કોઈપણ રાસાયણિક ખાતર અથવા ઝેરી જંતુનાશક દવાઓ નાખવાની જરૂરિયાત રહેતી નથી. જ્યારે ખેતી પાકનું ૯૮% શરીર હવા અને પાણીથી જ બનતું હોય તો ઉપરથી કોઈપણ સંસાધન નાખવાની જરૂર જ ક્યાં ઊભી થાય છે? કોઈપણ લીલું પાન (વૃક્ષ અથવા છોડવાનું) દિવસ આખો પ્રકાશ સંશ્લેષણ ક્રિયા દ્વારા ખોરાક પેદા કરે છે. આ પાન ખોરાક નિર્માણ કરવાનું કારખાનું છે.
1. તે હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે.
2. તે જમીનમાંથી મૂળ દ્વારા ચોમાસાના વરસાદ અથવા કૂવા કે તળાવમાંથી આપવામાં આવેલું પાણી ઊઠાવે છે.
3. તે સૂર્યપ્રકાશ લે છે. (પ્રતિ સ્ક્વેર ફૂટ પ્રતિ દિન ૧૨.૫ કિલો કેલેરી)
આ ત્રણેય વસ્તુઓમાંથી વનસ્પતિ ખોરાક તૈયાર કરે છે. કોઈપણ વનસ્પતિનું લીલું પાન દિવસમાં ૧૦ કલાકના સૂર્યપ્રકાશ દરમિયાન પ્રતિ વર્ગ ફૂટ ક્ષેત્રના હિસાબે ૪.૫ ગ્રામ ખોરાક તૈયાર કરે છે. આ ૪.૫૦ ગ્રામ ખોરાકમાંથી ૧.૫ ગ્રામ દાણા અથવા ૨.૨૫ ગ્રામ ફળ કે અન્ય હેતુ માટે ઉપયોગમાં લેવા માટે ખોરાક છોડને મળી જાય છે. ખોરાક બનાવવા માટે જરૂરિયાત મુજબ હવા, પાણી અને સૌર ઊર્જા પ્રકૃતિમાંથી લે છે, જે બિલકુલ મફત મળે છે. બાકી રહેલા ૧.૫ થી ૨ ટકા ખનીજો મૂળ દ્વારા જમીનમાંથી લે છે તે પણ કુદરતી રીતે જ વિનામૂલ્યે મળે છે અને તે જમીનમાંથી જ મેળવી લે છે, કારણ કે તે મૂળભૂત રીતે અન્નપૂર્ણા છે. જ્યારે આ વાસ્તવિકતા છે કે, કંઈ પણ નાખ્યા વગર જંગલનાં વૃક્ષો વર્ષો વર્ષ અગણિત ફળો આપે છે, તો તેનો અર્થ એ થયો કે, તે વૃક્ષોનાં મૂળ પાસે જમીનમાં જરૂરી તમામ પોષક તત્વો પહેલાંથી જ હાજર છે. જો આ તમામ જરૂરી પોષક તત્ત્વો જમીનમાં ઉપલબ્ધ ન હોય તો વૃક્ષ, વનસ્પતિ છોડને ઉપલબ્ધ થયા હોત જ નહીં. આનો અર્થ છે કે, તમામ પ્રકારના પોષક તત્વોથી જમીન પરિપૂર્ણ છે. આપણે પોષક તત્વો નાખ્યાં નહીં તેમ છતાં મૂળને મળી ગયાં. તેનો મતલબ છે કે આ તત્વો જમીને આપ્યા. તે તમામ પોષક તત્વો જમીનમાં પહેલાંથી જ હાજર હતાં. જમીન અન્નપૂર્ણા છે, પાલનહાર છે. જમીનમાં બધા જ પ્રકારનાં તત્વો હાજર છે, ઉપરથી કંઈ પણ નાખવાની જરૂર રહેતી નથી.
ખેડૂત મિત્રો! જો પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરવામાં આવે તો આપણે બહારથી ખાતર કે દવાઓ લાવવાની જરૂર પડશે નહીં. જંગલમાં રાસાયણિક ખાતરો નાખવાની જરૂર કેમ પડતી નથી? જો તમે જંગલમાં જાઓ અથવા તો ખેતરના શેઢા ઉપર જોશો તો ત્યાં તમને ફળોથી લદાયેલ આંબા, બોર, જાંબુ, અથવા આંબલીના વિશાળ વૃક્ષો ઊભા જોવા મળશે. આ વૃક્ષો ઉપર માનવીય સહાયતા વગર પોતાની મેળે દર વર્ષે દૂષ્કાળમાં પણ અગણિત ફળો આવે છે. જંગલમાં તો આપણે કંઈ પણ નાખતા નથી પરંતુ વૃક્ષોને તમામ તત્વ પોતાની મેળે મળી જાય છે. જંગલમાં ખેડ પણ ક્યાં થાય છે? છતાં પણ દર વર્ષે અગણિત ફળો કઈ રીતે લાગે છે?
વર્ષ, ૧૯૨૪માં ક્લાર્ક અને વોશિંગ્ટન નામના બે ભૂગર્ભ વૈજ્ઞાનિકો ભારતમાં આવ્યા. બર્માશેલ નામની તેલશોધક કંપનીએ તેઓને ભારતની જમીનમાં બોર કરીને ખનીજ તેલની શોધ કરવા માટે મોકલ્યા હતા. તેઓએ ૧૦૦૦ ફૂટ સુધી બોર કર્યો અને દર ૬ ઇંચ જમીનની માટીને પ્રયોગશાળામાં મોકલી પૃથક્કરણ કરાવ્યું. તે વૈજ્ઞાનિક પરીક્ષણનું પરિણામ બતાવે છે કે, જમીનમાં તમે જેટલા ઊંડા જશો તેટલા જ વધારે પ્રમાણમાં બધા જ પ્રકારનાં ખનીજ તત્વો હાજર હોય છે. જમીન બધાં જ ખનીજ તત્વોથી પરિપૂર્ણ છે, જમીન અન્નપૂર્ણા છે. જમીનમાં કોઈ તત્વોની ઊણપ નથી, તેથી તેમાં ઉપરથી કંઈ પણ આપવાની જરૂર નથી.
જમીન (માટી)નું પૃથ્થકરણ :
જમીનના પૃથક્કરણમાં તો અનેક વખત જોવા મળ્યું કે, જમીનમાં પોષક તત્વોની ઊણપ હોતી નથી. તેમ છતાં વધુ ઉત્પાદન મળતું નથી. આવું જમીનની ભૌતિક અને જૈવિક સ્વાસ્થ્યની ઊણપના કારણે થતું હોય છે. આવી જમીનમાં છોડવાઓને પૂરતા પ્રમાણમાં ભેજ અને પોષક તત્વો ઉપલબ્ધ થતાં નથી અને વાપ્સા તેમ જ હ્યુમસ નિર્માણ થઈ શકતું નથી. જો જમીનના જૈવિક સ્વાસ્થ્યમાં સુધારો થઈ જાય તો ઓછા પ્રમાણમાં પોષક તત્વ ઉપલબ્ધ હોવા છતાં પણ સારું ઉત્પાદન લઈ શકાય છે. પ્રાકૃતિક ખેતીમાં આ ગુણ જમીનમાં આપમેળે જ ઉપલબ્ધ થઈ જાય છે.
જમીનના પૃથક્કરણમાં તે પણ જોવા મળ્યું કે કેટલાંય પોષક તત્વ જમીનની નીચેની પ્રતમાં જમા થઈ જાય છે. નીચેની જમીન અન્નપૂર્ણા છે. નીચેની જમીનમાંથી જમીનની ઉપરની સપાટીએ પોષક તત્વો લાવવાનું કાર્ય પાનખરમાં ખરી પડેલાં સૂકા પર્ણોનું વિઘટન અને કેશાકર્ષણ શક્તિ દ્વારા તેમ જ આપણા દેશી અળસિયાંઓ કરે છે. તે પોષક તત્ત્વોને ખેંચીને ઉપર લાવીને પોતાની વિષ્ટાના માધ્યમથી મૂળને ઉપલબ કરાવવાનું મહાન કામ કરે છે. તમે જો જમીન ઉપર પડેલા દેશી ગાયના ગોબરને ઉઠાવશો, તો તમને જમીન ઉપર, જ્યાંથી તમે ગોબર ઉપાડેલું છે, ત્યાં બે ત્રણ છિદ્રો જોવા મળશે. આ છિદ્રો આપણા દેશી અળસિયાં કરે છે. તેનો મતલબ કે, દેશી ગાયના ગોબરમાં દેશી અળસિયાંને ઉપર ખેંચવાની અદ્ભુત તાકાત છે. દેશી ગાયના એક ગ્રામ ગોબરમાં ૩૦૦ થી ૫૦૦ કરોડ ઉપયોગી ભોજન ઉપલબ્ધ કરાવવાવાળા સૂક્ષ્મ જીવાણુઓ હોય છે. એક એકર જમીન માટે કેટલું ગોબર જોઈએ? એક મહિનાની અંદર ઓછામાં ઓછા એક વખત પ્રતિ એકર દેશી ગાયનું ૧૦ કિલોગ્રામ ગોબર ઉપયોગમાં લેવાની જરૂર છે. એક દેશી ગાય એક દિવસમાં સરેરાશ ૧૧ કિલોગ્રામ ગોબર, એક દેશી બળદ દિવસમાં સરેરાશ ૧૩ કિલોગ્રામ ગોબર અને એક ભેંસ દિવસમાં ૧૫ કિલોગ્રામ ગોબર આપે છે. એક ગાયનું એક દિવસનું ગોબર એક એકર જમીન માટે એક મહિના માટે પૂરતું છે. આવી રીતના એક ગાયથી ૩૦ એકર ખેતીને એક મહિનામાં પોષણ પૂરું પાડી શકાય.
પદ્મશ્રીથી સન્માનિત ડો. સુભાષ પાલેકર કહે છે, મેં જંગલમાં ફળ આપતા વૃક્ષની નીચે અનેક પ્રકારની વનસ્પતિઓને ઊગતી જોઇ છે. મેં તેનું વર્ગીકરણ કર્યું. મને વનસ્પતિની ૨૬૮ જાતિની પ્રજાતિઓ મળી. તેમાં ત્રણ ચતુર્થાંશ દ્વિદળ છોડવાઓ અને એક ચતુર્થાંશ એક દળ છોડવાઓનું પ્રમાણ જોવા મળ્યું. હું વિચારવા લાગ્યો કે, પ્રકૃતિએ દ્વિદળ પ્રકારના છોડવાઓની સંખ્યા ત્રણ ગણી શા માટે રાખી? તેનો મતલબ છે કે, પ્રકૃતિને તેની જરૂર છે. દ્વિદળ છોડવામાં પ્રોટીનનું પ્રમાણ વધારે હોય છે. પ્રોટીનમાં સૌર ઊર્જા બહુ જ ભરેલી પડી હોય છે. જ્યારે બીજ પક્વ થઈને નીચે પડી જાય છે તો, તેમાં રહેલી ઊર્જા જીવાણુઓને મળે છે, જેનાથી જીવાણુઓની સંખ્યા બહુ જ ઝડપથી વધે છે. મેં વિચાર્યું કે શા માટે દ્વિદળ વનસ્પતિના લોટનો ઉપયોગ ગોબર, ગૌમૂત્ર તેમ જ ગોળની સાથે કેમ કરવામાં ન આવે? મેં તુરંત જ અલગ અલગ પ્રમાણમાં આ લોટ નાખીને પ્રયોગ શરૂ કર્યા. પરિણામ બહુ જ ચમત્કારિક મળ્યું. પ્રયોગોના અંતે મળ્યું —તેને નામ આપ્યું “જીવામૃત” એટલે કે જીવ અમૃત. આમ, રાજ્યના ખેડૂતો મહત્તમ પ્રાકૃતિક અપનાવે અને આર્થિક રીતે સદ્ધર થાય તે ખૂબ જ
