રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ થકી શ્રમજીવી પરિવારના નવજાત બાળકની ગંભીર બીમારીને નિ:શુલ્ક શસ્ત્રક્રિયાથી દૂર કરાઇ

copy image

કેન્દ્ર અને રાજ્ય સરકાર બાળકોના વાલી તરીકેની ભૂમિકા ભજવીને રાજ્યના અનેક બાળકોને નવજીવન આપી રહી છે. બાળકોના શિક્ષણ, પોષણની ચિંતા કરતી ગુજરાત સરકાર બાળકોના સ્વાસ્થ્યને આંચ ન આવે તે માટે એકપણ રૂપિયાના ખર્ચ વગર રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગંત સંપૂર્ણ નિ:શુલ્ક સારવાર આપી રહી છે. ત્યારે ગાંધીધામના ગરીબ પરિવારના આવા જ કુમળા ફૂલ જેવા નવજાતને આ યોજના હેઠળ નવજીવન પ્રાપ્ત થયું છે.

ગાંધીધામના સુંદરપુરીમાં રહેતા મનોજ પ્રજાપતિના ઘરે જન્મેલ એક દિવસના બાળકને મળમાર્ગની તકલીફ જણાતા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ તેને સારવાર આપવા  નિર્ણય લેવાયો હતો. મનોજભાઇ જણાવે છે કે, જન્મજાત બાળકને ગંભીર બીમારી હોવાનું ડોક્ટરે કહેતા સારવારમાં કેટલો ખર્ચ થશે તે વિચારીને અમે ગભરાઇ ગયા હતા. પરંતુ ડોક્ટરે સરકાર દ્વારા નિ:શુલ્ક સારવાર બાળકોને આપવામાં આવતી હોવાનું કહેતા જીવમાં જીવ આવ્યો હતો.  આ માટે સંદર્ભ કાર્ડ બનાવીને વધુ તપાસ અને સારવાર અર્થે પ્રથમ જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા. જ્યાં તપાસ બાદ સઘન સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ રીફર કરવામાં આવતા ત્યાં મારા બાળકનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. અમને એકપણ રૂપિયાનો ખર્ચ થયો ન હતો. દવા અને સારવાર તદન નિ:શુલ્ક કરવામાં આવી હતી.  સરકારની સહાયના કારણે અમે આર્થિક ખર્ચના બોજથી રાહત મળવા સાથે હાલ અમારું બાળક પણ સ્વસ્થ છે તેને નવું જીવન પ્રાપ્ત થયું છે.

ગાંધીધામની આર.બી.એસ.કે ટીમના સફળ પ્રયાસથી આ બાળકને સમયસર અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવતા એક ફૂલ સમાન બાળકનું જીવન કરમાઇ જતાં બચી ગયું હતું. અમદાવાદ ખાતે નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા ખૂબ જ ચીવટથી સફળતાપૂર્વક શસ્ત્રક્રિયા પૂર્ણ કરીને બાળકના મળમાર્ગમાં રહેલી જન્મજાત ક્ષતિને દૂર કર કરવામાં આવી હતી.

જિજ્ઞા વરસાણી