રક્તદાન મહાદાન: એક જાગૃત નાગરિક તરીકે સમાજને મદદરૂપ થવાં વર્ષમાં એક વખત રક્તદાન કરવું જ જોઈએ  – વિવેક ગોર

copy image

સતત વ્યસ્તતા વચ્ચે આપણી આસપાસ આકસ્મિક બનાવોનું પ્રમાણ પણ દિવસે દિવસે વધી રહ્યું છે. આવા અકસ્માતના બનાવોના કારણે અલગ અલગ ગ્રૂપના રક્ત તાત્કાલિક ધોરણે મેળવવું મુશ્કેલ બનતું જાય છે. ત્યારે આપણે આવા મુશ્કેલીના સમયે કોઈને રક્તદાન કરીને મદદે આવી શકીએ છીએ. આવા જ પ્રેરણાદાયી વિચાર સાથે કચ્છના ભુજ શહેરના ૨૭ વર્ષના યુવાન વિવેકભાઈ ેગોર એક જાગૃત નાગરિક તરીકે રક્તદાન કરીને જરૂરિયાતમંદ લોકોને મદદ કરી રહ્યા છે.

ભુજના રહેવાસી વિવેક કાંતિલાલ ગોર પોતાના સેવાકાર્ય વિશે જણાવે છે કે, હું છેલ્લા ત્રણ વર્ષથી ત્રણથી ચાર મહિને રક્તદાન કરી રહ્યો છું. એક સમયે મારા માસાને આકસ્મિક ઘટનાના કારણે લોહીની જરૂરિયાત ઊભી થઈ હતી,  તે સમયે તેમના ગ્રૂપની લોહીની એક બોટલ મેળવવા માટે અમને ઘણી મુશ્કેલી ઉઠાવવી પડી હતી. ત્યારે ખ્યાલ પડ્યો કે…. “એક બુંદ રક્ત કેટલું કિંમતી છે” ત્યારથી સંકલ્પ કર્યો અને રક્તદાનની શરૂઆત થઈ. જ્યારે આપણે કોઈને રક્ત આપવા સક્ષમ હોઈએ ત્યારે રક્તદાન અવશ્ય કરવું જોઈએ. છેલ્લા ત્રણ વર્ષથી હું નિયમિત રક્તદાન કરી મારી સમાજ પ્રત્યેની ફરજ અદા કરી રહ્યો છું.

વધુમાં તેઓ જણાવે છે કે, લોકોની એવી માનસિકતા હોય કે, રક્તદાન કરવાથી આપણા શરીરમાં લોહીની ઉણપ ઊભી થશે અથવા કોઈ સાઈડ ઈફેક્ટ આવશે પરંતુ આ માત્ર ભય છે. રક્તદાન કરવાથી ઘણા લાભ થાય છે. રક્તદાનથી આપણા શરીરમાં નવી ઉર્જાનો સંચાર થાય છે, જેથી આપણે માનસિક અને શારીરિક સ્વસ્થ રહીએ છીએ. રક્તદાન કરવાથી આપણા શરીરમાં નવા સેલ ઝડપથી નિર્માણ પામતાં નવુ લોહી બને છે. લોહીનું પરીભ્રમણ પણ સુવ્યવસ્થિત રીતે થતું હોવાથી હદયરોગનું જોખમ પણ ઘટે છે. તેથી કોઈ પણ પ્રકારનો ભય રાખ્યા વગર આપણે રક્તદાન કરવું જોઈએ.  

 અંતે તેઓ ઉમેરે છે કે, આપણે જ્યારે સારુ કામ કરીએ ત્યારે આનંદની લાગણી અનુભવીએ છીએ, તેથી મારી તમામ નાગરિકોને અપીલ છે કે, સાથે મળીને એક પહેલ શરૂ કરીએ. એક જાગૃત નાગરિક બનીને શુભપ્રસંગ, જન્મદિવસ વગેરે જેવા ખાસ પ્રસંગોએ એક વખત રક્તદાન કરીએ અને એવા સંકલ્પ સાથે રક્તદાન મહાદાનનો લાભ ઉઠાવી સમાજને ઉપયોગી બનીએ.

–     જિજ્ઞા પાણખાણિયા