“સેવા,સુશાસન અને ગરીબ કલ્યાણના ૧૧ વર્ષ” વિષય અંતર્ગત કચ્છ જીલ્લા ભાજપ દ્વારા ભુજ ખાતે વ્યવસાયિક સંમેલન યોજાયું

copy image

સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના ૧૧ વર્ષ આ વિષય અંતર્ગત કચ્છ જીલ્લા ભાજપ દ્વારા ભુજ સ્થિત લોહાણા મહાજનવાડી ખાતે એક વિશાળ વ્યવસાયિક સંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં પાર્ટીના અગ્રણી વક્તાઓ દ્વારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વના 11 વર્ષના સુશાસનની વિશાદ છણાવટ કરવામાં હતી જેમાં
વકીલો, ડોક્ટરો, લેખકો, સાહિત્યકારો તેમજ પ્રબુદ્ધ નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ અવસરે મોદી સાહેબના અગીયાર વર્ષના શાસનની સિદ્ધિઓ, સફળતા અને સીમાચિહ્નો દર્શાવતી એક વિશિષ્ટ પ્રદર્શની પણ જાહેર જનતા માટે ખુલ્લી મુકવામાં આવી હતી.

આ પ્રસંગે કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેનાર પ્રબુદ્ધ અને બૌદ્ધિક વર્ગને આવકારતા જણાવ્યું હતું કે છેલ્લા અગીયાર વર્ષથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં સ્વશાસનથી સુશાસન સુધીની સફરમાં જે વિકાસના માપદંડો ઉભા કર્યા છે જેના પરિણામ સ્વરૂપે પ્રજાની સુખાકારીમાં વધારો થયો છે તેમજ દેશની ગરિમાને એક માનબિંદુ સુધી પહોંચાડી છે.

પ્રદેશ ભાજપ મહામંત્રી અને સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે તેર વર્ષ અને ત્યાર બાદ દેશના યશસ્વી વડાપ્રધાન તરીકે ૧૧ વર્ષનો કાર્યકાળ માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીનો પૂર્ણ થયો છે ત્યારે દેશ અને ગુજરાત આજે દરેક ક્ષેત્રમાં વિકાસની હરણફાળ ભરી રહ્યા છે. ગુજરાત રાજ્યને વિકાસના દરેક આયામોમાં સર્વોચ્ચ સ્થાન અપાવીને દેશને વિકાસની રાજનીતિનું ઉત્તમ ઉદાહરણ માનનીય પ્રધાનમંત્રીશ્રીએ પૂરું પાડ્યું છે. રાજનીતિમાં કોઈપણ કાર્ય પૂરું કરવા માટે દ્રઢ ઈચ્છા શક્તિ ખૂબ જ જરૂરી હોય છે. થોડા જ દિવસ અગાઉ પાકિસ્તાન દ્વારા જે જઘન્ય કૃત્ય કરવામાં આવ્યું તેનો ફક્ત પંદર દિવસમાં જ જડબાતોડ જવાબ આપતા ભારતીય સેનાએ પાકિસ્તાનમાં રહેલા ૧૧ જેટલા તેમના આકાઓના સ્થાનોને સંપૂર્ણ નષ્ટ કર્યા છે. દેશની બાહ્ય તેમજ આંતરિક સુરક્ષા માટે પ્રધાનમંત્રીશ્રીએ કોઈ પણ કચાશ નથી રાખી. આજે વૈશ્વિક નેતાઓના આંખોમાં આંખ પરોવીને આપણા દેશની વાત મૂકી રહ્યા છીએ અને તેથી જ આતંકવાદ સામેની આપણી લડાઈમાં બધા જ દેશો આપણા સમર્થનમાં આપણી સાથે ઊભા છે.

વધુમાં શ્રી ચાવડાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત દેશના ૮૧ કરોડ અને ગુજરાતના ૩.૬૫ કરોડ ગરીબને મફત રાશન મળ્યું છે. મુદ્રા યોજના થકી દેશના ૫૨ કરોડ દેશવાસીઓને ૧.૨૯ લાખ કરોડની સહાય મળી છે. છેલ્લા ૧૧ વર્ષમાં દેશમાં ૩૮૭ થી વધીને ૭૦૦ જેટલી મેડિકલ કોલેજ બની તેમજ ગુજરાતમાં ૨૦ નવી મેડિકલ કોલેજ બની છે. દેશના ૪૧ કરોડથી વધુ લોકોએ આયુષ્માન કાર્ડનો લાભ લીધો છે. ૧.૪૬ લાખ કિલોમીટરના નેશનલ હાઈવે બન્યા છે. દેશમાં ૪૦૦ વંદે ભારત ટ્રેનનો ટાર્ગેટ છે જેમાં ૧૩૬ ટ્રેનો કાર્યરત છે. આ તમામ સિદ્ધીઓ માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના સફળ અને સશક્ત નેતૃત્વના ફળ સ્વરૂપ છે. દેશનો દરેક નાગરિક, દરેક વર્ગ સહિયારી રીતે આગળ આવે તેવા પ્રયત્ન સાથે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ વિકસિત ભારતના વિઝનને દેશ સમક્ષ મુક્યું છે.

પ્રદેશ આઈ.ટી સેલના કન્વીનર નિખિલભાઈ પટેલે જણાવ્યું હતું કે આજે વિકાસની રાજનીતિના રોલ મોડલ તરીકે ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં પ્રસ્થાપિત થયું છે. ૨૦૦૪ થી ૨૦૧૪ સુધીની યુપીએ સરકાર હંમેશા ભ્રષ્ટાચારમાં ડૂબેલી રહી જ્યારે ૨૦૧૪થી માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આવ્યા બાદ લાખો કરોડના પ્રોજેક્ટ પૂર્ણ થયા છે પરંતુ ભ્રષ્ટાચારની એક પણ ફરિયાદ કોઈ કરી શકે તેમ નથી. રશિયા – યુક્રેન યુદ્ધમાં આપણા દેશનો એક પણ નાગરિક હેરાનગતિ વગર સહ-કુશળ ભારત પરત ફર્યા તે વિદેશનીતિનું ઉત્તમ ઉદાહરણ હતું. “મોદી હે તો મુમકીન હે” આ વાત દેશનો દરકે નાગરિક માનતો થયો છે. મોદી સરકારના ૧૧ વર્ષ ૧૪૦ કરોડ દેશવાસીઓ માટે વિકાસનો દશકો બની રહ્યો છે. ૨૦૪૭ માં દેશને વિકસિત દેશ બનાવવા માટે ગરીબો, ખેડૂતો તેમજ યુવાનો માટે વિવિધ યોજનાઓ બનાવવામાં આવી રહી છે. દરેક ગુજરાતી જાણે છે કે જ્યારે યુપીએ સરકાર હતી ત્યારે નર્મદા ડેમનું કામ રોકાવી ગુજરાતને હળહળતો અન્યાય કર્યો હતો. જ્યારે માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વડાપ્રધાન બન્યાના ફક્ત ૧૭ દિવસમાં મંજૂરી આપીને નર્મદા ડેમનું કામ શરૂ કરાવ્યું હતું. ગુજરાતના સૌરાષ્ટ્રને “સૌની યોજના” અને ઉત્તર ગુજરાતને “સુજલામ સુફલામ યોજના” મળી છે.

જીલ્લા ભાજપ પ્રભારી કશ્યપભાઈ શુકલાએ જણાવ્યું હતું કે આપણા દેશે સ્વ. જવાહરલાલ નહેરુનો તેમજ સ્વ. ઇન્દિરા ગાંધીજીનો કાર્યકાળ જોયો છે પરંતુ તેમના કાર્યકાળ કરતાં ઓછા સમયમાં માનનીય પ્રધાનમંત્રીશ્રીએ દેશની સંપૂર્ણ કાયાપલટ કરી દેશને વિકાસ પથ પર આગળ વધાર્યો છે.

આ સંમેલનમાં ધારાસભ્યો કેશુભાઈ પટેલ, પ્રદ્યુમનસિંહ જાડેજા, ત્રિકમભાઈ છાંગા, જીલ્લા ભાજપ મહામંત્રીઓ દિલીપભાઈ શાહ, નરેન્દ્રભાઈ પ્રજાપતિ, ધવલભાઈ આચાર્ય સહિતના ઉપસ્થિત રહ્યા હતા જ્યારે સમગ્ર કાર્યક્રમની સફળતા માટે ભુજ શહેર ભાજપ અધ્યક્ષ મીતભાઈ ઠક્કર અને ભુજ શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો, નગરસેવકો તેમજ કાર્યકરોએ વ્યવસ્થા સંભાળી હતી.

કાર્યક્રમનું સંચાલન સમસ્ત અભિયાનના ઈન્ચાર્જ હિતેશભાઈ ખંડોરે જ્યારે આભારવિધિ સહ ઈન્ચાર્જ રવિભાઈ ત્રવાડીએ કરી હોવાનું કચ્છ જીલ્લા ભાજપ મીડિયા ઈન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું.