કચ્છ જિલ્લામાં ૫૭ હજારથી વધુ મહિલાઓને રાજ્ય સરકાર દ્વારા અપાતી ગંગાસ્વરૂપા આર્થિક સહાય
સમાજમાં એવી અનેક મહિલાઓ છે જે આજના સમયે પણ કપરા સંજોગોનો સામનો કરી રહી છે, ખાસ કરીને ગંગા સ્વરૂપા સ્ત્રીઓ, જેમણે પોતાના જીવનસાથી ગુમાવ્યા છે છતાં હિંમત હાર્યા વિના જીવન જીવી રહી છે. આવા સમયે ગુજરાત સરકારની ‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના’ અને ‘ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના’ તેમના માટે આશાના કિરણ સમાન છે.
કચ્છ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી કચ્છ દ્વારા જિલ્લામાં મે,૨૦૨૫ દરમિયાન ૫૭ હજારથી વધુ મહિલાઓ ‘ગંગા સ્વરૂપા આર્થિક યોજના’નો લાભ લહી રહી છે. જયારે પુનઃ ઘર સંસાર વસાવવા એપ્રિલ, ૨૦૨૪ થી માર્ચ, ૨૦૨૫ એમ દરમિયાન કુલ ૦૬ ગંગા સ્વરૂપા મહિલાઓને ‘ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજના’ હેઠળ રૂ.૫૦ હજાર લેખે કુલ રૂ.૦૩ લાખની સહાય કરી હતી.
ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના
‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના’નો લાભ ૧૮ વર્ષ કે તેથી વધુ વયના નિરાધાર ગંગા સ્વરૂપા લઇ શકે છે. આ યોજનાનો લાભ લેવા માટે ગંગા સ્વરૂપા મહિલાની કૌટુંબિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક રૂ.૧૨૦૦૦૦ અને શહેરી વિસ્તાર માં વાર્ષિક રૂ.૧૫૦૦૦૦ કે તેથી ઓછી હોવી જોઈએ. લાભાર્થીને ૧૨૫૦ની આર્થિક સહાય તેના પોસ્ટ/બેંક ખાતામાં DBT મારફતે જમા કરવામાં આવે છે. આ યોજનાનો લાભ અરજી કર્યા તારીખથી મળવા પાત્ર છે. અરજી પત્રક સાથે ફોર્મ અને ફોટો, રહેઠાણનો પુરાવો, રેશનકાર્ડની નકલ, ઉંમરનો પુરાવો, પતિના અવસાનનો દાખલો, પાસબૂકની નકલ, સંયુક્ત કુટુંબનો આવકનો દાખલો, આધારકાર્ડની નકલ અને પુનઃલગ્ન ન કર્યા અંગેનો દાખલો આપવાનો રહે છે.
ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના
‘ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના’નો લાભ ૧૮ થી ૫૦ વર્ષની ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનો લાભ લેતી મહિલાઓ લઇ શકે છે, જે માટે પુનઃલગ્ન કર્યે થી ૬ માસની સમય મર્યાદામાં નિયત નમૂનામાં આધાર પુરાવા સહીત અરજી કરવાની રહેશે. આ યોજના અંતર્ગત રૂ.૨૫૦૦૦ની આર્થિક સહાય મહિલાના ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મારફતે જમા કરવામાં આવે છે. તેમજ રૂ.૨૫૦૦૦ની રકમના રાષ્ટ્રીય બચત પત્રો આપવામાં આવે છે એમ કુલ રૂ.૫૦૦૦૦ની સહાય અપાય છે.