રાજ્યના પ્રથમ સરહદી ગામ કુરનમાં નાના ભૂલકાઓની આંગળી પકડી શાળામાં પાપા પગલી કરાવતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ

copy image

copy image

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અન્વયે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પ્રથમ સરહદી ગામ એવા કચ્છના કુરનમાં નાના ભૂલકાઓને આંગળી પકડી શાળામાં પાપા પગલી કરાવી હરખભેર પ્રવેશ કરાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ કુરન ખાતે નવનિર્મિત પ્રાથમિક શાળાના અત્યાધુનિક ભવનનું લોકાર્પણકરી વર્ગખંડમાં બાળકો સાથે ગોષ્ઠી કરી હતી અને શાળા પરિસરની મુલાકાત લીધી હતી.

        કચ્છની સરહદે આવેલા કુરન ખાતેથી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રીએ પ્રાથમિક શાળામાં શાળા વ્યવસ્થાપન સમિતિની બેઠક યોજી શાળામાં ચાલતી શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા.

        મુખ્યમંત્રીશ્રીએ શાળા વ્યવસ્થાપન સમિતિની બેઠકને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, બાળકો ભણી અને આગળ વધે તે જોવાની જવાબદારી શિક્ષકોની સાથે વાલીની પણ છે. કન્યા કેળવણી મહોત્સવને સાર્થક બનાવવા આપણી દીકરીઓ ભણી આગળ વધે તે માટે દરેક વાલી તેમની દીકરીઓને અવશ્ય ભણાવવા માટે અનુરોધ કર્યો હતો. વધુમાં કુરન ગામમાં ભણી ગણીને કેટલા લોકો ડોક્ટર, એન્જિનિયર, શિક્ષક, આર્મી વગેરેમાં નોકરીમાં જોડાયા છે તેની પૃચ્છા કરી હતી. બાળકોની સાથે કાલીધેલી ભાષામાં ગોષ્ઠી કરતા તેમણે શાળાએ નિયમિત આવવા જણાવ્યું હતું અને બાળકો પાસે ઘડિયા પણ બોલાવ્યા હતા.

        આ પ્રસંગે ભુજ ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા, અગ્રણીશ્રી દેવજીભાઈ વરચંદ, કુરન ગામના સરપંચ અને શાળા વ્યવસ્થાપન સમિતિના અઘ્યક્ષશ્રી પ્રવિણગર ગુસાઈ, કુરન પ્રાથમિક શાળાના આચર્યશ્રી રામગર ગુસાઈ, મહિલા પ્રોમીનેટ સભ્યશ્રી સૂરજબા સોઢા, શિક્ષણવિદશ્રી બળવંતસિંહ આર. સોઢા, સભ્ય સર્વશ્રી, નામા બાઈ મારવાડા, નિર્મલાબેન ગોસ્વામી, બીજલ લખિયા, બળવંતસિંહ વી. સોઢા, મુલચંદ ફફલ, હરિસિંહ સોઢા, નેતાજી સોઢા, ભરતસિંહ સોઢા, નીતાબા તુંવર, દેવાભાઈ ફફલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

બળવંતસિંહ જાડેજા