બળદિયા થી જુમખા રસ્તાની હાલત ગંભીર, લોકોમાં રોષનો માહોલ

copy image

બળદિયા (તાલુકો ભુજ) થી જુમખા જતાં રસ્તાની હાલત અત્યંત બીસ્માર બની ગઈ છે. દૈનિક પરિવહન માટે આવશ્યક બનેલ આ માર્ગ પર ઠેર ઠેર ઊંડા ખાડાઓ સર્જાયા છે અને આખો રસ્તો સિંગલ પટ્ટી જેવા આકારમાં કથળી ગયો છે, જેના કારણે હવે ભારે વાહનચાલકો સહિત આમ જનતા માટે જીવલેણ સ્થિતિ ઊભી થઈ છે.
દિવસે અંદાજે 200થી વધુ કાંકરી ભરેલી ટ્રકોએ કેરા-બળદિયા સીમમાં આવેલી ખાણકામોના કારણે આ રસ્તાનો ઉપયોગ કરે છે. રોડ પર સતત ભારે વાહનોની અવરજવર થતી હોવાના કારણે રસ્તો સંપૂર્ણ રીતે નાબૂદ થઈ ગયો છે. અનેકવાર ગૌમાતાઓ અને પશુઓના મોત પણ આ જ રસ્તા પર થઈ ચૂક્યા છે.
આ ૧.૫ કિલોમીટરના રસ્તાની આજુબાજુ રહેણાંક વિસ્તારો આવેલા છે અને ૧૫થી વધુ ખાણ-લીઝ ધરાવનારા પટ્ટેદારો અહીં પ્રવૃત્તિ કરે છે. તેમ છતાં, આજે દિન સુધી આ માર્ગના મરામત માટે કોઈ ઠોસ પગલા લેવાયા નથી. ગ્રામજનોએ અનેક વખત મૌખિક તેમજ લખીત રૂપે આ અંગે વિરોધ વ્યક્ત કર્યો છે.
સ્થાનિક વાસીઓ, જુમખા ગામના લોકો તથા આ વિસ્તારના ખેડૂતોની મુખ્ય માંગ છે કે આ માર્ગના તાત્કાલિક સુધારણા માટે કચ્છ જિલ્લા ડેવલોપમેન્ટ મિનરલ ફાઉન્ડેશન (DMF) તેમજ સ્થાનિક સાંસદશ્રી સક્રિય હસ્તક્ષેપ કરે. ખાણ પટ્ટાદારો તથા સ્થાનિક રાજકીય પક્ષોને આ વિષય પર જવાબદારી લેવી જોઈએ જેથી સામાન્ય જનતાને રાહત મળી શકે.
ગ્રામજનોની માંગ:
તાત્કાલિક રોડનું સમારકામ શરૂ કરવામાં આવે
ખાણ પટ્ટાદારો દ્વારા માર્ગ જાળવણી માટે જવાબદારી નિર્ધારિત કરવામાં આવે
અથડામણ અને જાનહાની પહેલાં પગલા જરૂરી છે — નહીં તો લોકો ગ્રામ સભા યોજી વિરોધ કરવા મજબૂર બનશે.