કુંભારડી ખાતે પશુપાલકો માટે વૈજ્ઞાનિક ગોષ્ઠી અને તાલીમ યોજાઈ

copy image

ભચાઉ તાલુકાના કુંભારડી ખાતે કામધેનુ યુનિવર્સિટી, મુન્દ્રા હેઠળના પશુ વિજ્ઞાન કેન્દ્ર અને વિભાગીય સંશોધન કેન્દ્ર, ભચાઉ (સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી)ના સંયુક્ત ઉપક્રમે પશુપાલકો માટે વૈજ્ઞાનિક ગોષ્ઠી તથા તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમની શરૂઆત પરંપરાગત રીતે વૃક્ષારોપણ અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ગામના સરપંચ શ્રી દેવશીભાઈ રબારી દ્વારા ઉપસ્થિતો મહાનુભાવને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતાં. પશુપાલન સંબંધિત નિષ્ણાંતોએ વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જેમાં ડૉ. કે. જે. અંકુયા દ્વારા પશુઓની માવજત, ઉછેર પદ્ધતિઓ અને સામાન્ય રોગચાળો વિશે માહિતી આપવામાં આવી હતી. ડૉ.એચ.બી. નળિયાપરા દ્વારા દૂધ ઉત્પાદક પશુઓ માટે પોષણ વ્યવસ્થાપન અને દૂધ ઉત્પાદનમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિશે માહિતી આપવામાં આવી હતી. પશુપાલકોને વિવિધ સરકાર સહાય યોજનાઓનો લાભ મળી મળી શકે તે હેતુ સહ વેટરનરી ઓફિસર ડૉ.કે.કે.પટેલ દ્વારા આઈ-ખેડૂત પોર્ટલ તથા પશુપાલન ખાતાની વિવિધ સહાય યોજનાઓ અંગે માહિતી આપી હતી. ડો. આર.એમ.જાડેજાએ ઘાસચારાની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું તથા ગાયના છાણમાંથી પ્રાકૃતિક ખેતી માટે જીવામૃત બનાવવાની પદ્ધતિની સમજ આપવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. પી. કે ઠાકર અને ડો કે. જે. ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું. ગોષ્ઠી દરમિયાન પશુપાલકોના પ્રશ્નોનો નિષ્ણાંતો દ્વારા ઉકેલ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ૫૫ જેટલા પશુપાલકોએ હાજરી આપી.