કચ્છમાં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી ભચાઉ ખાતે કરાશે

આગામી ૧૫ ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની કચ્છની જિલ્લાકક્ષાની ઉજવણી ભચાઉ ખાતે કરવામાં આવશે તે બાબતે કચ્છ જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠકનું આયોજન કરાયું હતું. કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલે નાગરિકો મહત્તમ સંખ્યામાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં સહભાગી થાય અને સમગ્ર કાર્યક્રમ સુચારું રીતે યોજાઈ તે બાબતે ઉપસ્થિત અધિકારીશ્રીઓને માર્ગદર્શન પુરું પાડ્યું હતું.
કલેક્ટરશ્રી આનંદ પટેલે જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓને અલગ અલગ વિભાગની કામગીરીની સોંપણી કરી હતી. આ ઉપરાંત કલેક્ટરશ્રીએ, કાર્યક્રમની પૂર્વ તૈયારી માટે ભચાઉ ખાતે સ્થળની પસંદગી, શહેરમાં સુશોભન, વૃક્ષારોપણ, સ્ટેજ, મંડપ અને પાણીની વ્યવસ્થા, આમંત્રણ પત્રિકા, સાંસ્કૃતિક કાર્યક્રમો, વિશિષ્ટ કામગીરી બદલ અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓનું સન્માન, પાર્કિંગ વ્યવસ્થા અને ટ્રાફિક નિયમન, સ્થળ ઉપર તબીબી સુવિધા, જાહેર કચેરીઓ ઉપર રોશની અને રીહર્સલ સહિતના મુદ્દાઓની સમીક્ષા કરીને જરૂરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું.
આ બેઠક દરમિયાન જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર, તાલીમી સનદી અધિકારી સુશ્રી એમ.ધારીણી, નિવાસી અધિક કલેક્ટરશ્રી ડી.પી.ચૌહાણ, ભચાઉ પ્રાંત અધિકારીશ્રી જ્યોતિ ગોહિલ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી સંજય પરમાર, જિલ્લા આયોજન અધિકારીશ્રી જે.સી.રાવલ, ભચાઉ મામલતદારશ્રી મોડસિંગ રાજપૂત, ભચાઉ તાલુકા વિકાસ અધિકારીશ્રી વજેસિંગ પરમાર સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.