નિવૃત્ત કાર્યકર-તેડાગર બહેનોમાં ખુશીની લહેર ; ધારાસભ્યશ્રી પ્રદ્યુમન સિંહ જાડેજાના વરદ્ હસ્તે ચેક વિતરણ કરાયું

કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહિલા અને બાળ વિકાસના ક્ષેત્રે વર્ષો સુધી સેવા
આપી નિવૃત્ત થયેલી આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના હિતમાં એક પ્રશંસનીય નિર્ણય
લેવામાં આવ્યો હતો. રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અને જિલ્લા વિકાસ
અધિકારીશ્રી, કચ્છ તેમજ પ્રોગ્રામ ઓફિસરશ્રી (ICDS)ના માર્ગદર્શન હેઠળ જિલ્લાની કુલ ૧૪૨૭
નિવૃત્ત બહેનોને ₹૧૧,૨૭,૪૩,૪૮૩ ની રકમ ગ્રેજ્યુઈટી પેટે ચૂકવવામાં આવી હતી.
લાંબા સમયથી સેવામાં જોડાયેલા આ શ્રમિક બહેનોની સામાજિક અને આર્થિક સુરક્ષાને
ધ્યાને રાખીને વહીવટી તંત્ર દ્વારા આ રકમ સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવી
હતી. આ ઝડપી અને પારદર્શી પ્રક્રિયાને કારણે નિવૃત્ત બહેનો અને તેમના પરિવારોમાં
આનંદનો માહોલ જોવા મળ્યો હતો. આ પ્રસંગે પ્રોગ્રામ ઓફિસરશ્રી (ICDS) એ જણાવ્યું હતું કે,
“આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોએ ગ્રામ્ય સ્તરે કુપોષણ મુક્ત ગુજરાતના સંકલ્પને
સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમની નિવૃત્તિ પછીનું જીવન સુરક્ષિત રહે તે
હેતુથી આ ગ્રેજ્યુઈટીની ચુકવણી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, નલિયા ખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં
icds અબડાસાના કુલ ૨૮ નિવૃત બહેનોને અંદાજે ૧૨ લાખ રકમની ગ્રેજ્યુઈટીના ચેકનું
વિતરણ ધારાસભ્યશ્રી પ્રદ્યુમન સિંહ જાડેજાના વરદ હસ્તે ચેક અર્પણ કરવામાં આવ્યા હતાં.
કચ્છ જિલ્લા વહીવટી તંત્રએ વધુમાં ખાતરી આપી છે કે, આગામી સમયમાં જે કોઈ
આંગણવાડી કાર્યકર કે તેડાગર બહેનો નિવૃત્ત થશે, તેમને પણ કોઈપણ પ્રકારના વિલંબ વગર
નિયમાનુસાર મળવાપાત્ર ગ્રેચ્યુઈટીની રકમ સત્વરે મળી રહે તે માટે તંત્ર સજ્જ છે.