હર ઘર તિરંગા કાર્યક્રમના આયોજનને લઈને કચ્છની વિવિધ સેવાભાવી સ્વૈચ્છિક સામાજિક સંસ્થાઓ સાથે બેઠક યોજાઈ

  કચ્છ જિલ્લાની વિવિધ સેવાભાવી સ્વૈચ્છિક, સામાજિક સંસ્થાઓ હર ઘર તિરંગા કાર્યક્રમમાં સહભાગી થાય તેના આયોજન હેતુ કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ભુજ સહિત તાલુકાના મથકોએ તા. ૧૪ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ સવારે ૮.૦૦ કલાકથી ભવ્ય તિરંગા યાત્રા યોજાશે. જિલ્લાકક્ષાની તિરંગા યાત્રાની તૈયારીઓ તેમજ તાલુકાકક્ષાએ તિરંગા યાત્રાઓ કચ્છ જિલ્લાના નાગરિકો અને વિવિધ સેવાભાવી, સ્વૈચ્છિક સામાજિક સંસ્થાઓના સહયોગથી યોજાઈ તે બાબત પર કચ્છ કલેક્ટરશ્રીએ ભાર મૂક્યો હતો. સેવાભાવી સંસ્થાઓ સહિત નાગરિકો મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં હાજર રહે તે પ્રકારનું આયોજન કરવા કલેક્ટરશ્રીએ સૂચના આપી હતી. આ ઉપરાંત કચ્છના નાગરિકો પોતાના રહેઠાણ, ઓફિસ પર તિરંગો લહેરાવે તેમ અનુરોધ કચ્છ કલેક્ટરશ્રીએ કર્યો હતો.

        આ બેઠકમાં કચ્છ કલેક્ટરશ્રી આનંદ પટેલે સેવાભાવી સંસ્થાઓ જેવી કે બી.એ.પી.એસ, રેડક્રોસ, આર.એસ.એસ, વેપારી મંડળો, ચેમ્બર્સ ઓફ કોમર્સ, શિક્ષણ સંઘ સહિત ઉપસ્થિત તમામ સંસ્થાઓના પ્રતિનિધિશ્રીઓ સાથે સંવાદ કરીને કાર્યક્રમમાં સહભાગી બનવા આમંત્રણ પાઠવ્યું હતું. સેવાભાવી સંસ્થાઓ સાથે જ હોમગાર્ડ, એરફોર્સ, બી.એસ.એફ, કચ્છ યુનિવર્સિટીના પ્રતિનિધિશ્રીઓએ તિરંગા યાત્રામાં સહભાગીતા અને આયોજન અંગેની જાણકારી આપી હતી. કચ્છ કલેક્ટરશ્રી સમક્ષ તમામ ઉપસ્થિત પ્રતિનિધિશ્રીઓએ તિરંગા યાત્રામાં સહભાગીતા અંગેની સંસ્થાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. ચેમ્બર્સ દ્વારા તમામ દુકાનો, કોર્મશિયલ સંસ્થાઓ ખાતે તિરંગાઓ લગાવવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત, કચ્છ યુનિવર્સિટી અને શિક્ષણ વિભાગ દ્વારા કોલેજ-શાળા વિદ્યાર્થીઓ મહત્તમ સંખ્યામાં તિરંગા યાત્રામાં સહભાગી બનશે.

            ભુજ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતિ રશ્મિબેન સોલંકીએ ભુજ શહેરમાં વોર્ડ વાઈઝના આયોજન સાથે તિરંગા યાત્રામાં ભુજ નગરપાલિકા ઉત્સાહથી ભાગ લેવામાં આવશે તેમ જણાવ્યું હતું.

કચ્છમાં જિલ્લાકક્ષાની તિરંગા યાત્રા તા.૧૪/૦૮/૨૦૨૫ના રોજ ભુજ ખાતે યોજાશે

        દર વર્ષની જેમ જ આ વર્ષે પણ સરકાર દ્વારા હર ઘર તિરંગા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ  અભિયાન અંતર્ગત તા.૦૬/૦૮/૨૦૨૪ થી તા.૧૫/૦૮/૨૦૨૪ ને સ્વતંત્રતા સપ્તાહ તરીકે ઉજવવામાં આવશે. કચ્છમાં જિલ્લાકક્ષાની તિરંગા યાત્રા તા.૧૪/૦૮/૨૦૨૫ના રોજ સવારે ૦૮.૦૦ કલાકથી જ્યુબિલી ગ્રાઉન્ડથી કચ્છમિત્ર સર્કલ, બસ સ્ટેન્ડ, ઑલ્ફ્રેડ હાઈસ્કૂલ થઈને હમીરસર તળાવ સુધી યોજાશે. આ વર્ષે  હર ઘર તિરંગા-૨૦૨૫ કાર્યક્રમની ઉજવણીની થીમ હર ઘર તિરંગાહર ઘર સ્વચ્છતા: સ્વતંત્રતા કા ઉત્સવ સ્વચ્છતા કે સંગ” રાખવામાં આવી છે.

        આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ, નિવાસી અધિક કલેક્ટરશ્રી ડી.પી.ચૌહાણ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી નિકુંજ પરીખ, કચ્છ યુનિવર્સિટીના રજિસ્ટ્રારશ્રી અનિલ ગોર, ભુજ પ્રાંત અધિકારીશ્રી ડૉ. અનીલ જાદવ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી.આર.પ્રજાપતિ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી આર.ડી.જાડેજા, ભુજ તાલુકા વિકાસ અધિકારીશ્રી સંજય ઉપલાણા, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી સંજય પરમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ભૂપેન્દ્ર વાઘેલા, યુવા વિકાસ અધિકારીશ્રી દેવાંશી ગઢવી, હોમગાર્ડ કમાન્ડન્ટશ્રી મનિષ બારોટ સહિત જિલ્લાના શીર્ષ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.