રાસાયણિક ખેતીથી પ્રાકૃતિક ખેતી તરફ વળેલા ગઢશીશાના ખેડૂતે કમલમ્ ફળના ઉત્પાદનને વધુ ગુણવત્તાયુક્ત બનાવ્યું

 પ્રાકૃતિક ખેતી આજના સમયમાં ખેડૂતો, પર્યાવરણ તેમજ મનૂષ્યો માટે વરદાનરૂપ છે. રાજ્ય સરકાર દ્વારા પ્રોત્સાહિત પ્રાકૃતિક ખેતી અભિયાનમાં કચ્છના અનેક ખેડૂતો જોડાઇને મીઠા ફળ મેળવી રહ્યા છે ત્યારે ગઢશીશા ખાતે ખેતી કરતા કેશુભાઇ પારસીયા પણ હાલ પ્રાકૃતિક ખેતી તરફ ડગ માંડીને ઉચ્ચ ગુણવત્તાના પાક મેળવી રહ્યા છે. વર્ષોથી રાસાયણિક ખેતી કરતા કેશુભાઇએ જોયું કે, રાસાયણિક ખાતર, જતુંનાશક દવાના કારણે જમીન સાથે નાણાં પણ ધોવાઇ રહ્યા છે ત્યારે તેમણે તેના વિકલ્પમાં શું કરી શકાય તેના પર વિચાર શરૂ કર્યો અંતે તેમના પ્રાકૃતિક ખેતી કરતા તેમના મિત્રો પાસેથી માહિતી અને માર્ગદર્શન મેળવીને તેઓ પણ પોતાની વાડીમાં ધીરે ધીરે પ્રાકૃતિક ખેતી અપનાવતા જઇ રહ્યા છે.  જેના કારણે હાલ તેમના બાગાયતી પાકમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઉત્પાદન મળતું થયું છે. તેઓ કમલમ્, આંબા તથા ખારેક સહિતની ખેતીમાં પ્રાકૃતિક ખેતીના ઉપાયો અજમાવીને એક નવી શરૂઆત તરફ જઇ રહ્યા છે.

કેશુભાઇ જણાવે છે કે, ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી તથા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પ્રાકૃતિક ખેતી અપનાવવા ખેડૂતોને સતત પ્રોત્સાહિત કરાઇ રહ્યા છે. રાજ્ય સરકારે અનેક યોજનાઓ અમલી કરી છે ત્યારે ખેડૂતની પણ ફરજ છે કે તે સરકારના અભિયાનમાં સર્વહિતાયને લક્ષ્યમાં રાખીને જોડાય, એક પદ્ધતિથી બીજી પદ્ધતિ બદલવાની શરૂઆત ભલે ધીમી હોય પરંતુ તેના સારા પરિણામ મળ્યા બાદ પ્રયાસ કરનાર ખેડૂત પ્રાકૃતિક ખેતીને અપનાવતા અચકાશે નહીં તે મારા અનુભવ સાથેની સો ટકાની વાત છે.

પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરનાર કેશુભાઇ પોતાના અનુભવ જણાવતા કહે છે કે, શાકભાજી હોય કે બાગાયતી પાક તમામમાં રાસાયણિક ખાતરથી લઇને જતુંનાશકનો દવાનો ઉપયોગ વધારે કરવાથી અનેક પ્રકારે નુકશાન મને વેઠવું પડતું હતું. જમીન ખરાબ થવા સાથે ખર્ચ વધી જતો હતો ઉપરાંત ઉત્પાદનમાં કંઇ ગુણવત્તા જળવાતી ન હતી.  આમ, એક સાંધો ત્યાં તેર તૂટે તેવી હાલત વચ્ચે આમાં શું કરવું તે મથામણ રહેતી હતી. જેથી મે ધીમે ધીમે રાસાયણિક ખેતીને આટોપવાનો નિર્ણય લીધો, હાલ ગાય આધારિક ખેતી તરફ હું ધ્યાન આપી રહ્યો છું. મારા મિત્રો જે સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા છે તેઓના અનુભવોથી શીખીને મે પણ મારી વાડીમાં પ્રાકૃતિક ખેતી મુજબ એક પછી એક બદલાવ લાવવાની શરૂઆત કરી છે. જેના સારા પરિણામ મળી રહ્યા છે. હાલ, મે મારા તમામ બાગાયતી પાકમાં પ્રાકૃતિક ખેતી મુજબ પ્રયોગ કર્યા છે જેના પરિણામ સ્વરૂપ મને ઉચ્ચ ગુણવત્તાના ફળ મળી રહ્યા છે. હાલ, કમલમ (ડ્રેગન ફ્રુટ)નું ઉત્પાદન મળી રહ્યું છે જેની બજારમાં સારી માંગ છે રાજ્યભરમાં તેની નિકાસ કરું છું તેના સારા ભાવ મળી રહ્યા છે. ભવિષ્યમાં પ્રાકૃતિક ખેતીમાં હજુ પણ મારું જ્ઞાન વધારીને હું ખેતીને વધુ સારી દિશામાં લઇ જવા કટિબદ્ધ છું. તેઓ જણાવે છે કે, વચેટીયાના કારણે ખેડૂતોને પોતાના માલનો યોગ્ય નફો મળતો હોતો નથી. હું મારા ઉત્પાદનનું જાતે માર્કેટીંગ, ગ્રેડીંગ અને વેચાણ કરું છું. મારી અન્ય ખેડૂતોને પણ અપીલ છે કે, જેમ વેપારીઓ પોતાની વસ્તુની કિંમત જાતે નક્કી કરે છે તેમ તમે પણ જાતે કિંમત નક્કી કરી જાતે જ માર્કેટીંગ અને વેચાણ કરવું જોઇએ.

કેશુભાઇ અન્ય ખેડૂતમિત્રોને અનુરોધ કરતા જણાવે છે કે, રાસાયણિક ખેતીના વિકલ્પમાં પ્રાકૃતિક ખેતી તરફ ધીરે ધીરે ડગ માંડી સંપૂર્ણ પ્રાકૃતિક ખેતીના લક્ષ્યને ચરિતાર્થ કરીએ.  આજના આધુનિક યુગમાં આરોગ્યને લગતી સમસ્યા વધતી જાય છે ત્યારે કેમિકલ વગરની ખેતી પ્રોડક્ટ લોકોના આરોગ્ય માટે વરદાનરૂપ બની રહેશે આ માટે ખેડૂતોએ ચિંતા કરવી રહી.

જિજ્ઞા વરસાણી