રિજનલ સાયન્સ સેન્ટર ભુજ ખાતે રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી અંતર્ગત વિશેષ કાર્યક્રમ યોજાયો

23 ઓગસ્ટ 2023ના રોજ ઈસરો (ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન)એ વિક્રમ લેન્ડરનું ચંદ્ર પર સફળ લેન્ડિંગ કરી ઈતિહાસ રચી દીધો હતો. ચંદ્રયાન ૩ મિશન પૂર્ણ થતા જ ભારત ચંદ્ર પર સફળ લેન્ડિંગ કરનારો ચોથો દેશ બની ગયો અને આ સાથે જ દક્ષિણ ધ્રુવીય ક્ષેત્રની નજીક ઉતરનાર પ્રથમ દેશ બન્યો હતો. આ ગર્વસભર ક્ષણની યાદમાં દર વર્ષે ૨૩ ઓગસ્ટ રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ સંદર્ભે વિદ્યાર્થીઓમાં અંતરિક્ષવિજ્ઞાન પ્રત્યે જાગૃતિ ઊભી કરવા અને ભારતના અવકાશ પ્રવાસ અંગે તેમને માહિતગાર કરવાના હેતુથી ઈસરોના સ્થાપક
વિક્રમ સારાભાઈની જન્મજયંતિ નિમિત્તે ૧૨ ઓગસ્ટ ૨૦૨૫થી ૨૩ ઓગસ્ટ ૨૦૨૫ સુધી વિશેષ કાર્યક્રમનું આયોજન ભુજના રિજિનલ સાયન્સ સેન્ટર ખાતે કરવામાં આવ્યું હતું. ઈસરોના વૈજ્ઞાનિકો દ્વારા એક્સપર્ટ ટોક,‌ વિવિધ રસપ્રદ અને જ્ઞાનવર્ધક સ્પર્ધાઓનું અને પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

આજે રિજનલ સાયન્સ સેન્ટર ભુજ ખાતે સ્પેસ એપ્લિકેશન સેન્ટર ઈસરોના નિવૃત્ત ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી આનંદ પાઠક તેમજ સાયન્ટિસ્ટ અને ગ્રૂપ ડાયરેક્ટર (રિસર્ચ, આઉટરીચ, મેનેજમેન્ટ) ડૉ. ડી. રામ પાઠકે એક્સપર્ટ ટોક દ્વારા વિદ્યાર્થીઓને અંતરિક્ષ વિજ્ઞાન અંગે રોચક માહિતી આપી હતી. જેમાં અવકાશ વિજ્ઞાન વિશે રસપ્રદ માહિતી સાથે જ સરકારી એન્જિનિયરિંગ કોલેજ ભુજના વિદ્યાર્થીઓ માટે વિશેષ સત્ર યોજાયું હતું. આ ઉપરાંત ધોરણ ૬ થી ૧૦ના વિદ્યાર્થીઓ માટે “મારા સપનાનું સ્પેસ સ્ટેશન અને ભારતનું ચંદ્રયાન મિશન” ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી. આ ઉપરાંત ભારતની અવકાશ સફર વિશે ૧ મિનિટની રીલ સ્પર્ધા યોજાઈ હતી. તમામ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા અને દરેક સ્પર્ધાના ત્રણ વિજેતાઓને ગુજકોસ્ટ અને ઈસરો દ્વારા ઈનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સ્ટેમ અને એસ્ટ્રોનોમી એક્ટિવિટી, ડોક્યુમેન્ટરી સ્ક્રિનિંગ વગેરે જ્ઞાનસભર સેશન યોજાયા હતા.‌ આ આયોજનમાં કુલ ૧૦થી વધુ શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને અન્ય મુલાકાતીઓ મળીને કુલ ૧૪૦૦ જેટલા લોકો જોડાયા હતા. ચિત્ર સ્પર્ધાના નિર્ણાયક તરીકે નિમિષા બેન ભટ્ટ હાજર રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા કેન્દ્રના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી વિરલ પરમારના માર્ગદર્શન હેઠળ ફેસિલિટી મેનેજર આરતી આર્યા, લોક વિજ્ઞાન કેન્દ્રના કો-ઓર્ડિનેટર પ્રવીણભાઈ મહેશ્વરી તેમજ સમગ્ર સ્ટાફે જેહમત ઉઠાવી હતી.