લોકસંસ્કૃતિને સાચવનારા કચ્છમાં લોકનારીઓના વેઢે વણાયેલી છેભાતીગળ ગુજરાતની લોકકળા

ગુજરાતની લોક સંસ્કૃતિના અસંખ્ય ભાતીગળ રંગો છે અનેક કલાકારોએ પોતાની કલાના કામણ પાથરીને રંગીન બનાવી છે. આવા સંસ્કૃતિના રંગોને રંગીન બનવામાં સ્ત્રીઓએ પણ આગવી ભૂમિકા ભજવી છે. ભાતીગળ લોકસંસ્કૃતિને આજે પણ કચ્છ સાચવી બેઠુ છે, કચ્છની લોકનારીઓના આંગળીના ટેરવે ગૂંથાયેલી કળા થકી મહિલાઓએ વિશ્વફલક પર પોતાની આગવી છાપ છોડી છે.
ભાતિગળ સંસ્કૃતિને સાચવી રાખવા સરકારશ્રી દ્વારા કરવામાં આવતા પ્રયાશ થકી આજે ગુજરાતની આગવી સંસ્કૃતિ વિશ્વમાં નોંધનીય બની છે. ગુજરાતની મહિલાઓએ ઘર સંભાળતા કે, અભ્યાસ કરતાં કરતાં સરકારશ્રીના આર્થિક સહાય અને માર્કેટિંગના પ્લેટફોર્મ થકી અનેક કલાને ઉજાગર કરી પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. આવા જ એક કુકમાના અર્પિતાબેન ચૌહાણ છે જે અવનવી વસ્તુઓ બનાવી રોજગારી મેળવી રહ્યા છે.
કચ્છના કુકમાના રહેવાસી અર્પિતાબેન ચૌહાણએ થોડા સમય પહેલા ભુજ હાટમાં યોજાયેલ પ્રદર્શનમાં પોતાની કૃતિઓને લોકો સુધી પહોંચાડવાની અમૂલ્ય તક મળી તે બદલ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. આ અમૂલ્ય તક બદલ સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ સાથે જ અર્પિતાબેન પોતાના સર્જન વિશે જણાવ્યું હતું કે, પ્રભુદેવા સખી મંડળ કુકમા સાથે તેઓ અને તેમના માતાશ્રી જ્યોતિબેન ચૌહાણ છેલ્લા એક વર્ષથી જોડાયેલા છે. જેમાં અનેકવિધ કળાની જાણકાર એવી ૧૦ ૧૨ જેટલી મહિલાઓ સાથે મળીને વિવિધ વસ્તુઓ તૈયાર કરી રહી છે. આ બહેનો પોતાની કલાના માધ્યમથી ઘરે બેઠા રોજગારી મેળવી ઘરનું ગુજરાન ચલાવવામાં મદદરૂપ બની રહી છે. પ્રભુદેવા સખી મંડળની મહિલાઓ કોટનબેગ, એમ્બ્રોઈડરી વર્ક સાથે રૂમાલ, આસન, ક્રોસિઓ આઇટમ અને ફેબ્રિક આર્ટનું પેઇન્ટિંગ કરેલી વિવિધ વસ્તુઓ તૈયાર કરીને જુદા જુદા પ્લેટફોર્મના માધ્યમથી વેચાણ કરી રહ્યા છે.
અર્પિતાબેન ઉમેર્યું હતું કે, તેઓ વિવિધ કાપડ પર ફેબ્રિક કલર વડે પેઇન્ટિંગ કરીને અવનવી વોશેબલ વસ્તુઓ તૈયાર કરી રહ્યા છે. જેમાં કોટનના રૂમાલ, નાના મોટા પર્સ, ટ્રેન્ડ અનુસાર ટીશર્ટ અને શર્ટ તથા ખાદી કોટન જેવા સાદા કાપડ પર વિવિધ અલ્ફાબેટ અને જાત જાતના ચિત્રોની ભાત કંડારીને વિવિધ રંગોથી નવસજર્ન કરી રહ્યા છે. આ સાથે તેઓએ જણાવ્યું હતું કે, તેઓ લોકોની ડિમાન્ડ અનુસાર કાપડ પર અવનવા ચિત્રો અને જુદા જુદા અક્ષરો, નામ, લગ્ન પ્રસંગના વિધીવત ભાતના ચિત્રોની વસ્તુઓ પણ બનાવી આપે છે.
વધુમા તેઓએ જણાવ્યું હતું કે, મહિલાઓ દ્વારા સંચાલિત ગૃહ ઉદ્યોગ આજે વિકસ્યો છે. શિક્ષિત, અશિક્ષિત તથા ઘર સંભાળતી મહિલાઓ દ્વારા નજીવા ખર્ચ અને આવડતથી તૈયાર થયેલી વસ્તુઓનું વેચાણ કરી મહિલાઓ રાષ્ટ્રના વિકાસમાં આગવી ભૂમિકા ભજવી રહી છે. ગૃહ ઉદ્યોગના સંચાલન અને મહિલાઓના વિકાસ માટે રાજ્ય સરકાર હંમેશા ચિંતિત રહી છે ત્યારે સરકારશ્રીની લોનની યોજના અને ઉદ્યોગના પ્રચાર પ્રસાર માટે ગોઠવવામાં આવતાં વિવિધ પ્રકારના એક્ઝીબિશન દ્વારા આજે મારા જેવી અનેક મહિલાઓને લાભ થઈ રહ્યો છે. તેથી આર્થિક સહાય અને માર્કેટિંગના પ્લેટફોર્મ ઉપલબ્ધ કરવા બદલ રાજ્ય સરકારનો તેમણે આભાર વ્યકત કર્યો હતો.

  • જિજ્ઞા પાણખાણીયા