GSL: તાપ્તિ ટાઇગર્સ, ટોપનોચ એચિવર્સ અને મલ્ટિમેટ માર્વેલ્સનો વિજયી પ્રારંભ

VP_02913

અમદાવાદ, તા. 25: ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના સહકારથી ટેબલ ટેનિસ લીગ ગુજરાત સુપર લીગ (GSL)નો સોમવારે અહીંના નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે ઉત્સાહભર્યા વાતાવરણમાં પ્રારંભ થયો ત્યારે પ્રેક્ષકોએ લીગને વઘાવી લીધી હતી. આ પ્રસંગે જીએસટીટીએના ચીફ પેટ્રન શ્રી વિપુલ મિત્રા (નિવૃત્ત આઇએએસ)ની હાજરીમાં ઉદઘાટન સમારંભ યોજાયો હતો. જેમાં શ્રી મિત્રાની સાથે ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા (TTFI)ના મહામંત્રી શ્રી કમલેશ મહેતા, શ્રી રમેશ મેરજા (નિવૃત્ત આઇએએસ અને ગુજરાત પવિત્ર યાત્રાધામના સદસ્ય સચિવ), જીએસએલ ગવર્નિંગ કાઉન્સલના ચેરમેન શ્રી કાંતિ ભુવા, એસોસિયેશનના સેક્રેટરી શ્રી હરિ પિલ્લાઈ, એસોસિયેશનના વર્કિંગ પ્રેસિડેન્ટ શ્રી કુશલ સંગતાણી ઉપસ્થિત રહ્યા હતા.

આ ત્રણ દિવસની ઇવેન્ટ સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત (એસએજી)ના સહયોગથી યોજાઈ છે જેના કો-સ્પોન્સર ગુજરાત ટુરિઝમ અને એસોસિયેટ્સ સ્પોન્સર ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (જીએમડીસી), બેકિંગ પાર્ટનર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે. સ્ટિગા તેના ઇક્વિપમેન્ટ પાર્ટનર છે તો કોસ્કો તેના ફ્લોરિંગ પાર્ટનર છે જ્યારે મોબિસ્પોર્ટ્ઝ તેના સ્ટ્રિમિંગ પાર્ટનર અને શેલ્બી મલ્ટિસ્પેશિયાલીટી હોસ્પિટલ તેના મેડીકલ પાર્ટનર છે.

પ્રારંભિક દિવસના પ્રથમ સત્રમાં વર્તમાન ચેમ્પિયન તાપ્તિ ટાઇગર્સ, ટોપનોચ એચિવર્સ અને મલ્ટિમેટ માર્વેલ્સે અનુક્રમે ભાયાણી સ્ટાર્સ, કટારિયા સ્ટાર્સ અને શામલ સ્કવોડની ટીમને હરાવી હતી.
લીગના સૌથી વયસ્ક ખેલાડી એન્થની અમલરાજ (તાપ્તિ) આકર્ષણરૂપ રહ્યા હતા. 39 વર્ષીય ભૂતપૂર્વ ભારતીય નંબર વન ખેલાડીએ તેમની ત્રણેય મેચ જીતીને વર્તમાન ચેમ્પિયન તાપ્તિને ભાયાણી સ્ટાર્સ સામે 143-134તી વિજય અપાવ્યો હતો.

કટારિયાના અને ગુજરાતના ભૂતપૂર્વ નંબર વન ખેલાડી ધૈર્ય પરમારે ભારતના ચોથા ક્રમના પાયસ જૈન (ટોપનોચ) સામે રમીને અપસેટ સર્જ્યો હતો. તેણે 10-10 પોઇન્ટથી મેચ જીતી લીધી હતી. જોકે પાયસે તેની રમત પર ટૂંક સમયમાં જ અંકુશ મેળવીને કિંગ્સ સામે તેની ટીમને 144-127થી વિજય અપાવ્યો હતો.

મલ્ટિમેટ માર્વેલ્સના સુકાની અને ઓલિમ્પિયન હરમિત દેસાઈ શાનલ સ્કોવોડ સામે તેની ટીમને 141-124થી વિજય અપાવ્યો હતો.