હમીરસર તળાવ પાસે આત્મહત્યાનો પ્રયાસ કરનાર મહિલાને વ્હારે ચડતી 181 અભયમ ટીમે

એક જાગૃત નાગરિકે 181 મહિલા હેલ્પલાઇન પર કોલ કરીને જાણ કરી કે હમીરસર તળાવ પાસે એક બેન આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી રહી છે. જાણ મળતા જ 181 ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને બેન સાથે વાતચીત કરી. તપાસ દરમ્યાન જાણવા મળ્યું કે બેનના લગ્નને લગભગ 17 વર્ષ વીતી ચૂક્યા છે. તેમના લગ્નજીવનમાંથી બેનને બે દીકરીઓ છે, મોટી દીકરી આશરે 14 વર્ષની છે અને નાની દીકરી 7 વર્ષની છે.

બેનના પતિ છેલ્લા પાંચ વર્ષથી દારૂ તથા નશીલા પદાર્થનું સેવન કરતા હતા અને નશો કરીને વારંવાર બેનને મારપીટ કરતા તેમજ માનસિક રીતે ત્રાસ આપતા હતા. સતત શારીરિક તથા માનસિક પીડાને કારણે બેન અત્યંત પરેશાન થઈ ગઈ હતી અને અંતે આત્મહત્યાનું પગલું ભરવા માટે તળાવ તરફ ગયા હતા.

કાઉન્સેલર સોલંકી ઉજાલા અને કોન્સ્ટેબલ ચંદ્રિકાબેન ગહેલોત અને પાયલોટ દિનેશભાઈ ઘટના સ્થળે પહોંચીને બેનનું કાઉન્સેલિંગ કર્યું, તેમને સમજાવ્યા અને આત્મહત્યા ન કરવા માટે પ્રેરિત કર્યા. ચર્ચા દરમ્યાન બેનએ સ્પષ્ટ કહ્યું કે તેઓ હવે પોતાના સાસરી પક્ષમાં જવા માંગતા નથી કારણ કે ત્યાંથી તેમને સતત ત્રાસ મળે છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 181 ટીમે બેનના ભાઈને કોલ કરીને તેમને ઘટના સ્થળે બોલાવ્યા. ત્યારબાદ બેન અને તેમના ભાઈ વચ્ચે વાતચીત કરાવી સમાધાન કરાવ્યું. અંતે બેનને તેમના ભાઈ સાથે સુરક્ષિત રીતે ઘરે મોકલવામાં આવ્યા.

👉 આ રીતે 181 ટીમે તાત્કાલિક પગલાં લઈ બેનનું જીવન બચાવ્યું તથા તેમને માનસિક સહારો પૂરું પાડ્યો.