તરણેતરના લોકમેળામાં તા. ૨૬, ૨૭, ૨૮ ઓગસ્ટના રોજ યોજાશે પશુ પ્રદર્શન હરીફાઈ-૨૦૨૫.


સુરેન્દ્રનગર જિલ્લામાં આવતીકાલ થી શરૂ થનાર “તરણેતર લોકમેળા”માં પશુપાલન ખાતા અને પશુપાલન શાખા જિલ્લા પંચાયત દ્વારા તા. ૨૬, ૨૭, ૨૮ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ “પશુ પ્રદર્શન હરિફાઈ”નું આયોજન કરવામાં આવ્યું છે. આ “પશુ પ્રદર્શન હરિફાઈ”માં રાજ્યભરમાંથી ગીર ગાય, કાંકરેજ ગાય, જાફરાબાદી ભેંસ અને બન્ની ભેંસની ઉચ્ચ ઓલાદના ગુણધર્મો ધરાવતી ગાયો-ભેંસો હરીફાઈમાં સહભાગી થશે. આ હરીફાઈનો મુખ્ય હેતુ પશુપાલકોને ઉચ્ચ ઓલાદના અને વધુ દૂધ ઉત્પાદન ધરાવતા પશુઓ રાખવા માટે પ્રોત્સાહન પૂરું પાડવાનો છે. જેથી તેમનું આર્થિક ધોરણ ઊંચું આવી શકે.
પશુ પ્રદર્શન હરીફાઈ વિશેની વિગતવાર માહિતી અપાતા નાયબ પશુપાલન નિયામક શ્રી ભાવિક પટેલે જણાવ્યું હતું કે, આવતીકાલનાં રોજ પશુઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે. ત્યારબાદ તા.૨૭ ઓગસ્ટનાં રોજ પશુપાલન વિભાગના નિષ્ણાંત અધિકારીઓની ટીમ દ્વારા પશુઓનું જજિંગ કરી શ્રેષ્ઠ પશુઓને ઇનામ વિતરણ કરવામાં આવશે. આ હરીફાઈમાં વિવિધ વર્ગવાર નિષ્ણાંતની ટીમ દ્વારા નિર્ણય કરી કેટેગરી વાઈઝ ઈનામોનું વિતરણ કરવામાં આવશે. જે પૈકી ચેમ્પિયન ઓફ ધ શો ને ઈનામ પેટે રૂ. ૧,૦૦,૦૦૦/- એનાયત કરવામાં આવશે. આ ઉપરાંત ગીર/ કાંકરેજ/ જાફરાબાદી/ બન્ની ખુંટ (પુખ્ત નર), ગીર/ કાંકરેજ/ જાફરાબાદી/ બન્ની ગાય/ભેંસ (પુખ્ત માદા), ગીર / કાંકરેજ/ જાફરાબાદી/ બન્ની વોડકી/ ખડેલી (હિફર) માં પ્રથમ ક્રમને રૂ.૫૦,૦૦૦/- અને દ્વિતીય ક્રમને રૂ.૪૦,૦૦૦/-નું ઈનામ આપવામાં આવશે. તેમજ તમામ પશુઓને રૂ.૪૦૦૦/-નું આશ્વાસન ઈનામ અને પરીવહન તથા નિભાવ ખર્ચ પશુદીઠ રૂ.૧૦૦૦/- આપવામાં આવશે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લાના થાન, ચોટીલા, હળવદ, વાંકાનેર અને મુળી તાલુકાના પશુઓ માટે પશુ દીઠ રૂા.૧૪૦૦/- તેમજ રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાના અન્ય તાલુકાના પશુઓ માટે પશુ દીઠ રૂા.૪૦૦૦/- તથા આ સિવાયના જિલ્લાઓના પશુઓ માટે પશુ દીઠ રૂા.૮૦૦૦/- લેખે પરિવહન ખર્ચ પણ ચૂકવવામાં આવશે.
સહાય વિશેની વાત કરતાં તેમણે ઉમેર્યું હતું કે, પશુપાલન ખાતા દ્વારા દરેક પશુ માટે પ્રતિદિન રૂ. ૧૦૦૦/-નો નિભાવણી ખર્ચ આપવામાં આવશે. આ ઉપરાંત, તરણેતરથી અંતરના ધોરણે રૂ. ૧૪૦૦/-, રૂ. ૪૦૦૦/-, અને રૂ.૮૦૦૦/- સુધીનું વાહન ભાડું પણ ચૂકવવામાં આવશે. આમ, આ સમગ્ર હરીફાઈમાં કુલ મળીને લગભગ રૂ.૪૦ લાખથી વધુનાં ઈનામો પશુપાલકોને અર્પણ કરવામાં આવશે. આ પ્રદર્શન થકી ગુજરાત રાજયના ખૂણે ખૂણેથી ઉચ્ચ ઓલાદના લક્ષણો ધરાવતા પશુઓ અને પશુપાલકોને નિહાળવાની ઉત્તમ તક મળી રહે છે, તથા સંપર્કનું માધ્યમ પણ બને છે અને આવા પશુઓ રાખવાની લોકોને પ્રેરણા મળી રહે છે.
આમ, તરણેતરનાં લોકમેળાએ સાચા અર્થમાં લોકસંસ્કૃતિને જીવંત રાખી છે. રાજ્યસરકાર દ્વારા સમયાંતરે અનેકવિધ પ્રયાસો થયા છે જેના કારણે આજે તરણેતરનો આ ભાતીગળ લોકમેળો દેશના સીમાડાઓ વટાવી આંતરરાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત મેળો બન્યો છે,
રિપોર્ટર જયેશભાઇ મોરી