એક ઘંટા ખેલ કે મેદાન મે” નેશનલ સ્પોર્ટસ ડેની ઉજવણી અંતર્ગતરમતથી જોડાઈને મેદસ્વિતા મુક્ત બની સ્વસ્થ રહીએ

રાષ્ટ્રીય રમતવીર મેજર ધ્યાનચંદની જન્મજયંતિના સન્માન નિમિતે દેશભરમાં તા.૨૯ ઓગસ્ટના રાષ્ટ્રીય રમતગમત દિવસ ઉજવવામાં આવે છે. રમત-ગમત પ્રત્યે નાગરિકો, યુવાનો તથા વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે તથા રમતના માધ્યમથી નાગરિકો સ્વાસ્થ્ય પ્રત્યે સચેત બની દૈનિક જીવનમાં રમતને અપનાવે તે હેતુ સાથે દેશ, ગુજરાત સહિત કચ્છભરમાં ત્રિ-દિવસીય કાર્યક્રમો યોજાવવાના છે. ત્યારે રમત થકી ફીટ બની રમતને પેશન બનાવી નેશનલકક્ષાએ સારૂ પ્રદર્શન કરનાર કચ્છના ભુજ શહેરના સૌરાષ્ટ્ર ક્રીકેટ અસોસિએશન અંડર ૨૦ના પ્લેયર એવા ત્રીશા ગોર સૌ નાગરિકોને “ એક ઘંટા ખેલ કે મેદાન મે ” એ સંકલ્પ સાથે રમતને જીવનનો એક ભાગ બનાવી સ્વસ્થ રહી મેદસ્વિતા મુક્ત બનવા અપીલ કરી છે.

છેલ્લા ૫ વર્ષથી પ્રોફેશનલ ક્રિકેટ રમતા ત્રીશા ગોર જણાવે છે કે, બદલાતી જતી જીવનશૈલી તથા અયોગ્ય આહારની આદતોના કારણે લોકો મેદસ્વિતાનો ભોગ બની રહ્યા છે. સતત જંકફૂડ તથા ઘર બહારના ભોજનના સેવન સામે નહીવત્ શારીરિક વ્યાયામ તથા વિસરાઈ ગયેલી મેદાની રમતની દૂરીના કારણે નાના બાળકોથી લઈ યુવાનો ગંભીર રોગોનો ભોગ બની રહ્યા છે. આ સ્વાસ્થ્યની સમસ્યા સાથે મેદસ્વિતા યુવાનોને કારર્કિદી બનાવવામાં પણ અડચણરૂપ બને છે, આત્મવિશ્વાસ પણ છીનવી લે છે. ત્યારે ત્રીશાબેન પોતના અનુભવની વાત કરતા કહે છે કે, રમતના કારણે તેમની એકાગ્રતા અને આત્મવિશ્વાસમાં વધારા સાથે અભ્યાસ પ્રત્યે રુચી વધી છે ઉપરાંત શારીરિક અને માનસિક રીતે પણ સ્વસ્થ બન્યા છે. શરૂઆતમાં તેઓ શોખથી રમત રમતા હતાં પરંતુ રમતથી થતાં ફાયદાઓથી અવગત થઈને આજે રમત તેમના જીવનનો હિસ્સો બની ગઇ છે.

તેઓ ઉમેરે છે કે, વધતી હરીફાઈના કારણે યુવાનો માટે સફળ કારકિર્દી બનાવવી મુશ્કેલ બનતી જાય છે. બાળકો અને યુવાનોને કોઈપણ ક્ષેત્રે આગળ વધવા માટે સારુ સ્વાસ્થ્ય જરૂરી છે, મેદસ્વિતા અને નબળા સ્વાસ્થ્યના કારણે ઘણા બાળકો અને યુવાનો નાસીપાસ થઈ રહ્યા છે. ત્યારે ક્રિકેટ, વૉલીબોલ, હોકી, ટેનીસ, ફૂટબોલ, કબડ્ડી જેવી મેદાની રમતો શારીરિક અને માનસિક નીરોગી બનાવી શકે છે. તેથી રોજ એક કલાક મનગમતી રમતને ફાળવવી જોઇએ. રમત થકી નિયમિતતા આવે છે, પુરતો ખોરાક, પુરતી ઊંઘ સાથે શારીરિક પ્રવૃતિઓ અને વ્યાયામ થતા જીવનશૈલી સુવ્યવસ્થિત બને છે.

આ સાથે વિદ્યાર્થીઓ તથા યુવાનોને અનુરોધ કરતાં ત્રીશા ગોર જણાવે છે કે, શાળા કે કોલેજ કક્ષાએથી જ આપણે પસંદની રમત પ્રત્યે રૂચિ કેળવીને તેમાં આગળ વધવું જોઇએ, આજે જયારે કેન્દ્ર તથા રાજ્ય સરકાર રમતવીરોને અનેક રીતે પ્રોત્સાહિત કરી રહી છે ત્યારે આપણે રમત સાથે જોડાવવું જોઈએ. રમત-ગમતને રોજ એક કલાક ફાળવીને વ્યક્તિ માનસિક અને શારિરીક સ્વસ્થતા સાથે મેદસ્વિતાને હરાવવા સક્ષમ બની શકે છે. સરકારના એક નાના પ્રયત્નમાં સહભાગી બની, “ એક ઘંટા ખેલ કે મેદાનમાં” સંકલ્પ સાથે રમતને ખરાઅર્થમાં જીવનનો ભાગ બનાવી સ્વસ્થ અને મસ્ત રહીએ..

  • જિજ્ઞા પાણખાણીયા