સ્મૃતિવન મ્યૂઝિયમ એન્ડ મેમોરિયલને ત્રણ વર્ષ પૂર્ણ થતા ઉજવણી કરાઈ

સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલયને ત્રણ વર્ષ પૂર્ણ થતા આજરોજ સ્મૃતિવન ખાતે વૃક્ષારોપણ કરીને ઉજવણી કરવામાં આવી હતી. ૨૮ ઓગસ્ટ૨૦૨૨ના રોજ સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલયને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈની ગરિમામયી ઉપસ્થિતિમાં ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું.

        સ્મૃતિવન પરિસરમાં મ્યૂઝિયમમાં ડીરેક્ટરશ્રી મનોજ પાંડે એ જણાવ્યું હતું કે, ત્રણ વર્ષમાં આ મ્યૂઝિયમે અનેક આંતરરાષ્ટ્રીય સિદ્ધિઓને હાંસલ કરી છે. સાડા પાંચ લાખથી વધારે વૃક્ષો ધરાવતું મિયાવાકી વન અને સ્મૃતિવન મ્યૂઝિયમની અત્યારસુધીમાં ૧૫ લાખથી પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. તાજેતરમાં સ્મૃતિવનને વિશ્વના સૌથી સુંદર મ્યૂઝિયમની યાદીમાં પણ સ્થાન મળ્યું છે. તેઓએ પર્યાવરણના જતનનો સંદેશ આપીને મહત્તમ વૃક્ષો વાવવા અનુરોધ કર્યો હતો.

        આ ઉજવણી પ્રસંગે મ્યૂઝિયમ ડીરેક્ટરશ્રી મનોજ પાંડે, સોની મેનેજમેન્ટ કંપનીના ડીરેક્ટરશ્રી રાજસિંગ નવલખા, સ્મૃતિવન મ્યૂઝિયમના કર્મચારીશ્રીઓ, વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓએ સાથે મળીને વૃક્ષારોપણ કર્યું હતું. કિડઝી સ્કૂલ તેમજ મોડેલ સ્કૂલ માધાપર સહિત વિવિધ શાળાઓમાંથી આવેલા બાળકોએ મનમોહક કલાકૃતિઓ રજૂ કરી હતી. ભૂકંપ જેવી આપદાઓ વખતે કેવી રીતે બચી શકાય તેની મોકડ્રીલ અંગેના નાટકો વિદ્યાર્થીઓએ રજૂ કર્યા હતા. આમ બાળકોને પર્યાવરણ જતનના સંદેશ અને વૃક્ષારોપણ કાર્યક્રમ દ્વારા સ્મૃતિવન મ્યૂઝિયમ એન્ડ મેમોરિયલ ત્રણ વર્ષની ઉજવણી કરાઈ હતી.