સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને ભુજની આર.ડી.વરસાણી હાઈસ્કૂલ ખાતે ‘નેશનલ સ્પોર્ટસ ડે’ ની જિલ્લાકક્ષાની ઉજવણી  

રમત ગમતયુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા “નેશનલ સ્પોર્ટસ ડે” કાર્યક્રમની ઉજવણી અંતર્ગત તા. ૨૯ થી ૩૧ ઓગસ્ટ દરમિયાન વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે આજરોજ ૨૯ ઓગસ્ટના રોજ કચ્છના જિલ્લાકક્ષાના નેશનલ સ્પોર્ટસ ડેની ઉજવણી આર.ડી.વરસાણી હાઈસ્કૂલ ભુજ ખાતે કચ્છ મોરબી સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને આયોજિત કાર્યક્રમમાં કરવામાં આવી હતી. સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા, ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલ, ભુજ નગરપાલિકા પ્રમુખ શ્રીમતિ રશ્મિબેન સોલંકી સહિત મહાનુભાવોએ ખેલ મહાકુંભ – ૨૦૨૫ રજિસ્ટ્રેશનનો પ્રારંભ કરાવ્યો હતો અને કચ્છના રમતવીરોને મહત્તમ સંખ્યામાં ભાગ લેવા અનુરોધ કર્યો હતો.

            સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, આજે દેશમાં મહાન ખેલાડી મેજર ધ્યાનચંદના જન્મદિન નિમિત્તે નેશનલ સ્પોર્ટસ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. મેજર ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને સાંસદશ્રીએ ઉમેર્યું હતું કે, આજના દિવસે કચ્છની તમામ શાળા-કોલેજોમાં રમત-ગમતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં રમત-ગમત ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની માળખાકીય સુવિધાઓ સરકારે ઊભી કરી છે તેમ જણાવીને સાંસદશ્રીએ વિદ્યાર્થીઓને રમત-ગમત ક્ષેત્રે આગળ આવીને દેશનું નામ રોશન કરવા અપીલ કરી હતી. આપણા દેશમાંથી અનેક રમતવીરો આંતરરાષ્ટ્રીયકક્ષાએ આયોજિત વિવિધ રમતોમાં ભાગ લઈને નામના મેળવી રહ્યા હોય, સાંસદશ્રીએ ગ્રામીણથી લઈને શહેર સુધીના તમામ બાળકોને રમત-ગમતમાં ઋચિ દાખવવા જણાવ્યું હતું. આ ઉપરાંત, સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાએ વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી અને ભારતના ગ્રામીણ વિસ્તારોમાંથી ખેલ પ્રતિભાઓને ઉજાગર કરવા માટે સાંસદ ખેલ મહોત્સવના રજિસ્ટ્રેશનનો પ્રારંભ કરાવ્યો હતો. ૨૯ ઓગસ્ટથી લઈને ૨૦ સપ્ટેમ્બર સુધી રમતવીરો મોટી સંખ્યામાં https://sansadkhelmahotsav.in/ વેબસાઈટ પર જઈને સાંસદ ખેલ મહોત્સવમાં રજિસ્ટ્રેશન કરાવે તેમ સાંસદશ્રીએ અનુરોધ કર્યો હતો.

            ભુજના ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, રમત-ગમત ક્ષેત્રમાં સરકાર દ્વારા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. ધારાસભ્યશ્રીએ ખેલકૂદમાં મહારત હાંસલ કરીને રાષ્ટ્રનું ગૌરવ વધારવા અનુરોધ કર્યો હતો. રમત-ગમત માટે વડાપ્રધાનશ્રીના વિઝનનો ઉલ્લેખ કરીને ધારાસભ્યશ્રીએ પસંદગીની રમતોમાં ઉત્સાહભેર ભાગ લેવા જણાવ્યું હતું.

        કચ્છ કલેક્ટરશ્રી આનંદ પટેલે નેશનલ સ્પોર્ટસ ડેની શુભેચ્છાઓ પાઠવીને મેજર ધ્યાનચંદના રમત-ગમત ક્ષેત્રના પ્રસંગોને વિદ્યાર્થીઓ સમક્ષ વાગોળ્યા હતા. મેજર ધ્યાનચંદ એ હોકીમાં ભારતને અપાવેલા ગૌરવને કલેક્ટરશ્રીએ યાદ કરીને વિદ્યાર્થીઓને રમત-ગમત ક્ષેત્રે આગળ વધવા પ્રેરણા આપી હતી. કલેક્ટરશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ભારત આજે આંતરરાષ્ટ્રીય રમતો જેવી કે ઓલમ્પિક અને કોમનવેલ્થ માટે બીડ કરી રહ્યું છે ત્યારે સરકારની રમત-ગમત ક્ષેત્રની સુવિધાઓનો લાભ લઈને આપણે આગળ આવવું જોઈએ.

        આ ઉજવણી દરમિયાન મહાનુભાવોની ઉપસ્થિતિમાં ખેલ મહાકુંભ -૨૦૨૫ના રજિસ્ટ્રેશનનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. સાંસદશ્રી સહિત મહાનુભાવોએ મેદાન પર જઈને રસ્સાખેંચ, લાંબી કૂદ, દોડ અને કબડ્ડી જેવી સ્પર્ધાઓનો પ્રારંભ કરાવીને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન ફીટ ઈન્ડિયાના શપથ મહાનુભાવો સહિત વિદ્યાર્થીઓએ લીધા હતા. 

        આ પ્રસંગે કચ્છ મોરબી સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા, ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલ, ભુજ નગરપાલિકા પ્રમુખ શ્રીમતિ રશ્મિબેન સોલંકી, ભુજ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી વિનોદભાઈ વરસાણી, કચ્છ કલેક્ટરશ્રી આનંદ પટેલ, નિવાસી અધિક કલેક્ટરશ્રી ડી.પી.ચૌહાણ, ભુજ પ્રાંત અધિકારીશ્રી ડૉ. અનીલ જાદવ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી સંજય પરમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ભૂપેન્દ્ર વાઘેલા, ભુજ શહેર મામલતદારશ્રી તેજસ પટેલ, જિલ્લા રમત-ગમત અધિકારીશ્રી મુકેશ ઘોયા, જિલ્લા રમત વિકાસ અધિકારી સુશ્રી જ્યોતિ ઠાકુર, આગેવાનશ્રી રામજીભાઈ અને વસંતભાઈ સહિત આર.ડી.વરસાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.