ઝેરમુક્ત ખેતીથી આરોગ્યપ્રદ સમાજ તરફ મજબૂત પગલું એટલે પ્રાકૃતિક ખેતી

“જેવું વાવીએ તેવું લણીએ” આ કહેવત માત્ર પાક માટે જ નહીં, પણ આપણાં જીવનમૂલ્યો માટે પણ સાચી પડે છે. જો આપણે પ્રકૃતિ સાથે મળીને ચાલીએ તો તે હંમેશાં મહેરબાન રહે છે. પ્રાકૃતિક ખેતી તેનું જીવંત ઉદાહરણ છે.

અતિવૃષ્ટિ હોય કે વરસાદ ખેંચાય … બંને પરિસ્થિતિમાં પ્રાકૃતિક ખેતી ખેડૂત માટે આશીર્વાદરૂપ સાબિત થાય છે. વધારાના પાણીથી પાક બળી જવાની ચિંતા રહેતી નથી અને વરસાદ ખેંચાય તો પણ જમીનનો ભેજ પાકને પિયત પૂરી પાડે છે.

અતિવૃષ્ટિ થાય ત્યારે ખેડૂતો માટે સૌથી મોટો પ્રશ્ન ખેતરમાં પાણી ભરાઈ જવાનો હોય છે. સામાન્ય રીતે પાકની મુળ ઓક્સિજનથી વંચિત થઈ જાય છે, પાંદડા પીળા પડી જાય છે અને પાક બળી જાય છે. પરંતુ પ્રાકૃતિક ખેતી અપનાવનાર ખેડૂતોને આ તકલીફ જ રહેતી નથી. ખેતરની જમીન એટલી પોચી બની જાય છે કે વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતરી જાય છે. તેથી ખેતરમાં પાણી નથી ભરાતું અને સાથે જ જળસંચય થવાથી જમીનમાં ભેજ લાંબા સમય સુધી જળવાઈ રહે છે.

અળસિયા અને સૂક્ષ્મજીવીઓની હિલચાલથી જમીન જીવંત બને છે, જે પાકને પોષણની સાથે સાથે ખેતરની તંદુરસ્તી જાળવી રાખે છે. કઠણ જમીન ફળદ્રુપ બને છે. પ્રાકૃતિક એ કુદરત સાથેનો સંકલ્પ છે. જેમાં ખેડૂતોને પાકનું રક્ષણ મળે છે, પાણીની બચત થાય છે, જમીન સ્વસ્થ બને છે અને સમાજને મળે છે ઝેરમુક્ત ભોજન ….

પ્રાકૃતિક ખેતી એ ભવિષ્યનું બીજ છે, જે ખેડૂતોને સમૃદ્ધિ, જમીનને જીવન અને સમાજને આરોગ્ય આપે છે. પ્રાકૃતિક કૃષિથી થતા અઢળક ફાયદાઓ તમામ ખેડૂતો સુધી પહોંચે  તે માટે આપણાં રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રી નિરંતર પ્રયત્નો કરી રહ્યા છે.ઉપરાંત ખેડૂતો પણ વિવિધ જનજાગૃતિ અભિયાનો દ્વારા પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારી રહ્યા છે.