મેદસ્વિતાને નિયંત્રિત કરવા માટે યોગ ચિકિત્સા રામબાણ સમાન
આજની અક્રિયાશીલ જીવનશૈલી, અપ્રાકૃતિક ખાનપાન, રહેણી-કરણી તેમજ આચાર વિચારને કારણે વ્યક્તિ મેદસ્વિતાનો શિકાર બની રહ્યો છે. જીવનશૈલીમાં નકારાત્મક પરિવર્તન આવવાના કારણે આજે મેદસ્વિતાનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે, ત્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા દર્શાવવામાં આવેલ કેટલીક બાબતોને ધ્યાનમાં રાખી મેદસ્વિતાથી બચી શકાય છે કે તેને નિયંત્રણમાં લાવી શકાય છે.
મેદસ્વિતાને નિયંત્રિત કરવા માટે યોગ અભ્યાસ ખૂબ જ પ્રભાવકારી છે. મેદસ્વિતાને નિયંત્રિત કરવા માટે યોગ ચિકિત્સા રામબાણ સમાન છે. યોગીક જીવનશૈલી, યોગા અભ્યાસ અને સંતુલિત આહારવિહાર કોઈપણ નકારાત્મક અસર વગર શારીરિક ચયાપચય અને હોર્મોન્સસ્ત્રાવને સંતુલિત કરી સ્વાસ્થ્યને જાળવી રાખે છે. જો યોગ્ય શિક્ષકના માર્ગદર્શન હેઠળ નિયમિત દ્રઢ નિશ્ચય સાથે યોગ અભ્યાસ કરવામાં આવે તો મેદસ્વિતા પર ચોક્કસપણે નિયંત્રણ લાવી શકાય છે
મેદસ્વિતાથી બચવા અન્ન એટલું ચાવવું કે તે પ્રવાહી બની જાય પછી જ ખોરાક ગળેથી ઉતારવો અને પ્રવાહીને એવી રીતે પીવું કે જે રીતે પક્ષીઓ કે પ્રાણીઓ પીતા હોય. નિયમિત સમયાંતરે શુદ્ધ અને સાત્વિક ભોજન લેવું તથા ભોજન કરતી વખતે મોબાઈલ કે ટીવી ન જોવી કે ન તો વાતો કરવી. ઋતુ પ્રમાણે શાકભાજી અને ફળ લેવા જોઈએ, અંકુરિત કરેલ કઠોળ તથા જમવામાં સલાડનો ઉપયોગ કરવો જોઈએ અને વધારે ચરબીવાળો ખોરાક ન લેવો જોઈએ. દિવસ દરમિયાન વચ્ચે વચ્ચે ખાવાનું ટાળવું જોઈએ, આલ્કોહોલ અને ધુમ્રપાન સદંતર ટાળવું જોઈએ.
રમત ગમતની પ્રવૃત્તિઓમાં ભાગ લેવો જોઈએ અને જીવનશૈલીમાં પરિવર્તન લાવવું જોઈએ. નિયમિત યોગ અભ્યાસને દૈનિક જીવનની શૈલીમાં મહત્વનું સ્થાન આપવું જોઈએ અને નેચરોપેથી અને આયુર્વેદનો ઉપયોગ કરવો જોઈએ તથા ખોરાકમાં મિલેટ્સનો પણ સમાવેશ કરવો જોઈએ.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા દર્શાવેલ આ કેટલાક પરિવર્તનો નિયમિત જીવનશૈલીમાં કરવાથી આપણે સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવી શકીએ છીએ તેમજ મેદસ્વિતાનો શિકાર થતા બચી શકીએ છીએ કે તેને નિયંત્રણમાં લાવી શકીએ છીએ.