આણંદ પાસેના કરમસદ ગામે સંદેશર ચોકડી પાસે આવેલ એક રહેણાંક સોસાયટીમાં મધ્યરાત્રિના અરસામાં તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ સોસાયટીમાં આવેલ ત્રણ મકાનોને નિશાન બનાવી અંદરથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ સહિત અંદાજિત રૂ.૧ લાખની માલમત્તાની તસ્કરી કરી પલાયન થઈ ગયા હતા. આ ઘટનાની જાણ વિદ્યાનગર પોલીસને થતા પોલીસની ટીમ પણ તુરંત જ ઘટના સ્થળે દોડી આવી હતી. અને અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ તસ્કરીનો ગુનો નોંધી તેમને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. આણંદ પાસેના કરમસદ ગામની સંદેશર ચોકડી પાસે જગાભાઈ પાર્ક સામે નિરવ પાર્ક-૨ નામની રહેણાંક સોસાયટી આવેલ છે. આ સોસાયટી ખાતે ગત મધ્યરાત્રિના અરસામાં અજાણ્યા તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોઓએ રાત્રિના અરસા દરમ્યાન સોસાયટીના મકાન નં.૯, ૧૩ અને ૨૭ને નિશાન બનાવ્યું હતું. મકાન નં.૯માં રહેતા સંદિપભાઈ રમણભાઈ પટેલ ગત રાત્રિના અરસામાં વાળુ-પાણી પતાવ્યા બાદ પોતાના પરિવાર સાથે મકાનના ધાબા ઉપર સુઈ ગયા હતા. દરમ્યાન મધ્યરાત્રિના અરસામાં તસ્કરોએ તેઓના મકાનના મુખ્ય દરવાજાનું તાળુ તોડી મકાનમાં પ્રવેશ કરી સોનાની ચેઈન તેમજ રોકડ રકમ સહિતની ચીજવસ્તુઓ તસ્કરી કરી લઈ ગયા હતા. સાથે-સાથે તસ્કરોએ નજીકમાં જ આવેલ રીમ્પલ હસમુખભાઈ બ્રહ્મભટ્ટના મકાનને પણ નિશાન બનાવ્યું હતું. જો કે ઘરમાલિકે આ માકન વિદ્યાર્થીઓને ભાડે આપેલ હોઈ તસ્કરોને ખાલી હાથ પરત ફરવુ પડયું હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત તસ્કરોએ આ જ સોસાયટીમાં આવેલ મકાન નં.૨૭ને પણ નિશાન બનાવ્યું હતું. જેમાંથી રૂ.૨ હજાર રોકડ રકમની તસ્કરી કરી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. એક જ રાત્રિમાં તસ્કરોએ એક જ સોસાયટીના ત્રણ મકાનને નિશાન બનાવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે વિદ્યાનગર પોલીસે ફિંગરપ્રિન્ટ નિષ્ણાંત અને ડોગ સ્કવોર્ડની મદદ લઈ તસ્કર ટોળકીને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.