કચ્છમાં આરોગ્ય વિભાગ દ્વારા ૧૭ સપ્ટેમ્બર થી ૨ ઓક્ટોબર દરમિયાન “સ્વસ્થ નારી – સશક્ત પરિવાર પખવાડિયું” ઉજવાશે

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા માતા અને બાળકના આરોગ્યને મજબૂત બનાવવા માટે સ્વસ્થ નારી– સશક્ત પરિવાર પખવાડિયું” અંતર્ગત વિશેષ આરોગ્ય અને રસીકરણ સેવાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત કચ્છમાં તા. ૧૭ સપ્ટેમ્બર થી ૨ ઓક્ટોબર, ૨૦૨૫ દરમિયાન “સ્વસ્થ નારી – સશક્ત પરિવાર પખવાડિયું” ઉજવાશે. આ અભિયાન અંતર્ગત મહિલાઓ અને બાળકોને વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ તેમજ રસીકરણ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.

કચ્છમાં આયુષ્માન આરોગ્ય મંદિરો (AAMs), પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC), શહેરી આયુષ્માન આરોગ્ય મંદિરો (UPHC/UAAM), સામુહિક આરોગ્ય કેન્દ્રો (CHCs), જિલ્લા હોસ્પિટલો, મેડિકલ કોલેજો ખાતે આરોગ્ય શિબિરોનું આયોજન કરવામાં આવશે. જેમાં મહિલાઓ માટે ચકાસણી અને આરોગ્ય સેવાઓ, ENT, આંખ, બ્લડ પ્રેશર, બ્લડ શુગર અને ડેન્ટલ ચેક-અપ, કેન્સર (મોં, સ્તન, ગર્ભાશય)ની ચકાસણી,રસીકરણ સેવાઓ,ગર્ભવતી મહિલાઓની પૂર્વ પ્રસૂતિ તપાસ, એનિમિયા સ્તર ચકાસણી, ટેલિમેડિસિન સુવિધાઓ, ક્ષયરોગ (ટીબી) ચકાસણી, સિકલ સેલ એનિમિયા ચકાસણી કરી આપવામાં આવશે. આ સાથે જ વિશેષ કન્સલ્ટેશન, મેડિકલ કોલેજો, જિલ્લા હોસ્પિટલો (DH)/CHC, PHC) ડૉક્ટર્સ તેમજ સ્ત્રીરોગ નિષ્ણાંત, આંખના નિષ્ણાંત, ENT નિષ્ણાંત , ત્વચારોગ નિષ્ણાંત, બાળરોગ નિષ્ણાંત, ફીઝીશયન, મનોચિકિત્સક, ડેન્ટલ સર્જન નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. તેમજ ખાંડ અને તેલનો ૧૦% ઘટાડો કરી સ્થૂળતા ઓછી કરવી, સ્થાનિક તથા પ્રાદેશિક ખોરાકના પ્રચાર-પ્રસાર, બાળપણથી જ પોષણ તથા યોગ્ય ખાવા-પીવાની રીતો અપનાવવી, માસિક સ્વચ્છતા તથા પોષણ અંગે જાગૃતિ, ટેક હોમ રેશન (THR)નું વિતરણ કરી તંદુરસ્ત જીવનશૈલી વિશે માહિતગાર કરવામાં આવશે.

આરોગ્યની વિવિધ સેવાઓમાં જેવી કે માતા અને બાળક સંરક્ષણ (MCP) કાર્ડ, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના નોંધણી, આયુષ્માન વયા વંદના કાર્ડ, સિકલ સેલ કાર્ડ,પોષણ ટ્રેકરમાં લાભાર્થીઓની નોંધણી સરળતા આપવામાં આવશે. નાગરિકોની સક્રિય ભાગીદારી થકી બ્લડ ડોનેશન કેમ્પો, નિક્ષય મિત્ર સ્વયંસેવક નોંધણી, અંગદાન નોંધણીની કામગીરી સરળ કરવામાં આવશે.

આ અભિયાન અંતર્ગત વિશેષ રસીકરણ દિવસો ઉજવાશે….

•       તા. ૧૭/૦૯/૨૦૨૫ – મહા મમતા દિવસ (સગર્ભા માતાઓનું ટી.ડી. રસીકરણ)

•       તા. ૨૦/૦૯/૨૦૨૫ – પંચગણી રસીકરણ

•       તા. ૨૪/૦૯/૨૦૨૫– પોલીયો રસીકરણ (OPV, IPV)

•       તા. ૨૫/૦૯/૨૦૨૫ – મીઝલ્સ-રૂબેલા (MR) રસીકરણ

•       તા. ૦૧/૧૦/૨૦૨૫– મહા મમતા દિવસ મનાવવામાં આવશે

        આ અભિયાનની સફળતા માટે હેડ કાઉન્ટ સર્વે (HCS) તથા માઇક્રોપ્લાનિંગ શરૂ કરાયું છે. સર્વે દરમિયાન સગર્ભા માતાઓ અને ૦ થી ૨ વર્ષના બાળકો, જેઓ TD, MR, OPV અને IPV ના ડોઝ ચૂકી ગયા હોય તેમની નોંધણી કરીને રસીકરણની સુનિશ્ચિતતા કરવામાં આવશે. સગર્ભા માતાઓ તથા માતા-પિતાએ પોતાના બાળકોને નજીકના આયુષ્માન આરોગ્ય મંદિર, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર અથવા આંગણવાડી કેન્દ્ર પર લઈ જઈ સમયસર રસીકરણ કરાવવું તેમ આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.