ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો અલમ માત્ર કાગળ પર થતો હોય તેવું લાગી રહ્યું છે. આ કહેવાનું કારણ એ છે કે, દારૂબંધીનો કાયદો ધરાવતા ગુજરાતમાં દારૂ અને જુગારની પ્રવૃત્તિ બંધ કરાવવા માટે રાજ્ય પોલીસ વડા દ્વારા આદેશો આપવામાં આવ્યા છે. જેના કારણે પોલીસે અલગ અલગ વિસ્તારોના ચાલતા દારૂના અડ્ડાઓ પર રેડ પાડીને લાખો રૂપિયાનો મુદ્દામાલને જપ્ત કર્યો અને કેટલાક અડ્ડાઓ પર દેશી દારૂના મુદ્દામાલનો નાશ કર્યો હતો. રાજ્ય પોલીસ વડાના આદેશના કારણે તમામ સુરક્ષા એજન્સીઓ દ્વારા દારૂના અડ્ડાઓ પર તજવીજ કરવામાં આવી રહી છે અને દારૂની સપ્લાય થતા મુદ્દામાલને રસ્તામાંથી પકડી લેવામાં આવે છે. ત્યારે સ્ટેટ મોનિટરીંગ સેલને બાતમી મળી હતી કે, અમદાવાદ ગ્રામ્ય પોલીસની હદમાંથી લાખો રૂપિયાના દારૂની સપ્લાય થવાની છે. મળેલી બાતમીના આધારે પોલીસે બાતમીવાળી જગ્યા પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન એક હોટેલમાં ઊભેલી ટ્રક પર સ્ટેટ મોનિટરીંગ સેલના અધિકારીઓને શંકા જણાઈ હતી. જેથી આ ટ્રકની તલાશી કરતા તેમાં ચોખાની ગુણીઓ ભરેલી હતી. ત્યારબાદ ચોખાની ગુણીઓ ઉતારીને તલાશી કરતા ટ્રકમાંથી અંગ્રેજી દારૂ ભરેલા કેટલાક બોક્સ મળી આવ્યા હતા. દારૂના મુદ્દામાલની ગણતરી કરતા તેની કિંમત 39.43 લાખનો હોવાનું જાણવા મળ્યું હતું. સ્ટેટ મોનિટરીંગ સેલના અધિકારીઓ દ્વારા દારૂના મુદ્દામાલની સાથે ટ્રકના ડ્રાયવર અને ક્લીનરની અટકાયત કરવામાં આવી હતી. બંનેની પૂછપરછ કરતા સ્ટેટ મોનિટરીંગ સેલના અધિકારીઓને જાણવા મળ્યું હતું કે, આ દારૂનો મુદ્દામાલ હરિયાણાના અંબાલાથી લાવવામાં આવ્યો હતો અને તે જથ્થો બગોદરામાં એક વ્યક્તિને ત્યાં પહોંચાડવાનો હતો.