શહેરો તથા ગામોમાં જનભાગીદારી સાથે સફાઇ અભિયાન સહિત વૃક્ષારોપણ તેમજ શાળાકક્ષાએ બાળકોમાં જાગૃતિ માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઇ  

ભારત સરકારશ્રી દ્વારા ૨જી ઓક્ટોબરનાં રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિતે સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીનું આહવાન કરવામાં આવ્યું છે. આ વર્ષે સ્વચ્છ ભારત મિશનનાં ૧૧ વર્ષની ઉજવણીના ભાગરૂપે ‘‘સ્વચ્છતા હી સેવા ૨૦૨૫’’ ને “સ્વચ્છોત્સવ તરીકે ઉજવણી કરાઇ રહી છે. સ્વચ્છ ભારત દિવસની ઉજવણીનાં ભાગરૂપે ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન તા.૨ ઓક્ટોબર, ૨૦૨૫ સુધી “સ્વચ્છતા હી સેવા-૨૦૨૫” પખવાડિયાની ઉજવણી કરાશે. ત્યારે આ ઉજવણીના ભાગરૂપે કચ્છભરમાં ઠેર ઠેર સ્વચ્છતા કાર્યક્રમો તથા જનજાગૃતિની પ્રવૃતિઓ કરવામાં આવી હતી.

        “સ્વચ્છતા હી સેવા-૨૦૨૫” અંતર્ગત કચ્છની નગરપાલિકા માંડવી, અંજાર, નખત્રાણા, ભુજ સહિતના શહેરોમાં સામાન્ય સફાઈની કામગીરી અંતર્ગત તમામ વાણીજ્ય વિસ્તાર, રહેણાંક વિસ્તારો અને સ્લમ વિસ્તારોની સફાઈ,  બાગ-બગીચાઓ, ફૂટપાથ સફાઇ સહિતની કામગીરી હાથ ધરાઇ હતી. આ સાથે જ શહેરીજનોમાં જનજાગૃતિ આવે તે માટે સ્વચ્છતા રેલીનું આયોજન કરાયું હતું. જેમાં મોટીસંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા તેમજ પદાધિકારીઓ, અગ્રણીઓ તેમજ શહેરીજનોએ સ્વચ્છતા શપથ લીધા હતા. તો બીજીતરફ ગ્રામ્યસ્તરે પણ લોકો સક્રીયભાગીદારી સાથે જોડાઇને સ્વચ્છોત્સવની ઉજવણી કરી હતી. જિલ્લાના તમામ તાલુકાના ગામોમાં સફાઇ અભિયાન અંતર્ગત કામગીરી કરાઇ હતી. સુગારીયા, ભુજપુર, વોંધ, શીકરા, ગઢશીશા, નવીનાળ, ધૂણઇ, ખાણોટ, ખારીરોહર સહિતના ગામડાઓમાં રોડ-રસ્તા, ધાર્મિક અને પ્રવાસન સ્થળો, નદી, તળાવો,  ગામના એન્ટ્રી પોઈન્ટ વિગેરેની સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ શાળા તથા આંગણવાડીકક્ષાએ પણ જાગૃતિ માટે ચિત્ર સ્પર્ધા,  “સ્વચ્છતા હી સેવા” ના લોગો સાથે સેલ્ફી પોઈન્ટ બનાવી સ્વચ્છતા જાગૃતિ કેળવી, સ્વચ્છતા રેલી, સ્વચ્છતા અંગે ક્વીઝ, રંગોળી, ચિત્ર, સૂત્રો,  વેસ્ટ ટુ આર્ટ ફેસ્ટ વિગેરે જેવી પ્રવૃતિઓ હાથ ધરાઇ હતી.

        આ કામગીરીમાં ગામના સરપંચશ્રી, ઉપ સરપંચશ્રી,  તલાટીશ્રી,  આંગણવાડી  બહેનો તેમજ  સ્વચ્છ ભારત મિશનના કર્મચારીઓ તથા ગ્રામજનો જોડાયા હતા. 

૦૦૦૦૦