સગર્ભા માતાની તપાસ, રસીકરણ સેવા તથા ટી.બી. કેર જેવી વિવિધ આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા માતા અને બાળકના આરોગ્યને મજબૂત બનાવવા માટે સ્વસ્થ નારી– સશક્ત પરિવાર પખવાડિયું” અંતર્ગત વિશેષ આરોગ્ય અને રસીકરણ સેવાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત કચ્છમાં શહેર તથા ગામોમાં યોજાયેલા મેડીકલ કેમ્પનો મહિલા, તરૂણીઓએ લાભ લીધો હતો. કેમ્પમાં કિશોરીઓનું વજન, ઊંચાઇ, બી.એમ.આઇ અને હિમોગ્લીબીન સહિતની તપાસ સાથે માસિક સ્વચ્છતા વિશે જાગૃતી લાવવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  

 “સ્વસ્થ નારી – સશક્ત પરિવાર પખવાડિયું” ની ઉજવણી અંતર્ગત મહિલાઓ અને બાળકોને વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ તેમજ રસીકરણ સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી. નલીયા, મનફરા, અંજાર, ડાવરી, ઘડુલી, સામખીયારી, બેલા, તુણા, લુડબાય, જતવાંઢ, દેશલપર(ગું) સહિતના ગામના આયુષ્માન આરોગ્ય મંદિરો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે આરોગ્ય શિબિરો યોજાઇ હતી. નલીયા ખાતે ધારાસભ્યશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાની ઉપસ્થિતમાં કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી પુરૂષોત્તમ મારવાડા, તાલુકા પંચાયત પ્રમુખશ્રી મહાવીરસિંહ જાડેજા, નલીયા ગ્રામ પંચાયત સરપંચશ્રી રામજીભાઇ કોલી, પ્રાંત અધિકારીશ્રી ચેતન પ્રજાપતિ સહિતના પદાધિકારીશ્રીઓ તથા અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા. કેમ્પનો ૩૦૦ વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો.

 આ આરોગ્ય શિબિરોમાં મહિલાઓની આરોગ્ય ચકાસણી, સર્ગભા માતાની તપાસ, આંખ, દાંત, બ્લડ પ્રેશર, બ્લડ શુગર અને ડેન્ટલ ચેક-અપ, રસીકરણ સેવાઓ, એનિમિયા સ્તર ચકાસણી, ટેલિમેડિસિન સુવિધાઓ, ક્ષયરોગ (ટીબી), સિકલ સેલ એનિમિયા સહિતની આરોગ્ય ચકાસણી ઉપરાંત વાહકજન્ય, પાણીજન્ય, દુષિત ખોરાકથી ફેલાતા રોગો, બેટી બચાવો, પોષણ, વ્યસન મુક્તિ, આયુષ્યમાન કાર્ડ બનાવવાની કામગીરી કરવામાં આવી હતી. આ સાથે આંગણવાડી કેન્દ્ર તથા આરોગ્ય કેન્દ્રોમાં ખાસ કરીને તરૂણીઓની આરોગ્ય તપાસ કરાઇ હતી. જેમાં વજન, ઊંચાઇ, હિમોગ્લોબીનની તપાસ સાથે મહિલા અને કિશોરીઓને માસિક સ્વચ્છતા, પોષણયુક્ત ખોરાક, યોગ્ય ખાવા-પીવાની રીતો અપનાવવા, ટેક હોમ રેશન (THR)નું વિતરણ કરી તંદુરસ્ત જીવનશૈલી વિશે લાભાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.

૦૦૦૦૦૦૦