રોડ રસ્તાઓના પેચવર્ક, રિસર્ફેસિંગની કામગીરી ગુણવત્તાયુક્ત રીતે સમયમર્યાદામાં પૂર્ણ કરવા કલેક્ટરશ્રીની તાકીદ

ભારે વરસાદ બાદ કચ્છ જિલ્લામાં વિવિધ રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા છે. આ રસ્તાઓના રિપેરીંગ અને રિસર્ફેસિંગને લઈને કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને ચેમ્બર્સ ઓફ કોમર્સ સહિતની સંસ્થાઓ દ્વારા કલેક્ટરશ્રીને રોડ રસ્તાઓ બાબતે રજૂઆત કરવામાં આવી હતી. સમગ્ર કચ્છમાં હાલમાં ચાલી રહેલી રોડ રસ્તાની રિપેરીંગની કામગીરી બાબતે કચ્છ કલેક્ટરે સમીક્ષા કરી હતી. કચ્છ કલેક્ટરશ્રી આનંદ પટેલે ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિશ્રીઓની હાજરીમાં જ નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે, જીએસઆરડીસીના અધિકારીશ્રીઓને ગુણવત્તાયુક્ત રીતે અને સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવા તાકીદ કરી હતી.
કલેક્ટરશ્રીએ ભવિષ્યના આયોજનના પ્રોજેક્ટના અમલીકરણ સાથે સાથે જ હાલમાં જે રોડ કાર્યરત છે તેને પેચવર્ક કરીને જાહેરજનતાને પરિવહનમાં કોઈ જ મુશ્કેલી ના પડે તે રીતે કામગીરી કરવા વિવિધ વિભાગના ઈજનેરોને તાકીદ કરી હતી. આ મીટિંગ દરમિયાન ભુજ-ખાવડા રોડ, કંડલા પોર્ટ રોડ, પ્રાગપર મુન્દ્રા ચોકડી રોડ, ભુજ-ભચાઉ હાઈવે, ભચાઉ-સામખીયાળી અને સામખીયાળીથી માળીયા સહિત સમગ્ર કચ્છના વિવિધ રોડની રિપેરીંગની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટરશ્રીએ સંબંધિત ઈજનેર પાસેથી ચાલી રહેલી કામગીરીની વિગતો માંગીને રોડ રસ્તાઓનું રિપેરીંગ ગુણવત્તાયુક્ત અને સમયમર્યાદામાં પૂર્ણ કરવા જણાવ્યું હતું. કલેક્ટરશ્રીએ તમામ પ્રાંત અધિકારીશ્રીઓને રોડ રસ્તાઓની કામગીરીની સમીક્ષા કરવા અને તેને લઈને તાલુકાકક્ષાએ સાપ્તાહિક ધોરણે મીટિંગ કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત, વિવિધ એસોસિએશનની રજૂઆતના પગલે કલેક્ટરશ્રીએ કામગીરીની સમીક્ષા એક સંયુક્ત મુલાકાત કરવા જણાવ્યું હતું. રોડ રસ્તાની સ્થિતિની સમીક્ષા અને કામગીરીની સમીક્ષા માટે સંયુક્ત મુલાકાતમાં મામલતદારશ્રી, ડેપ્યૂટી ઈજનેર, પોલીસ ઈન્સ્પેક્ટર અને એસોસિએશનના પ્રતિનિધિશ્રીઓને ઉપસ્થિત રહેવા સૂચના આપી હતી.
આગામી દિવસો તહેવારોના દિવસો હોય જાહેરજનતાને આવાગમન માટે કોઈપણ મુશ્કેલી ના થાય તે માટે પેચવર્કની અને રિસર્ફેસિંગની કામગીરી ઝડપથી તેમજ ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ કરવા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું.
કચ્છ કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને આયોજિત આ બેઠકમાં પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા, કચ્છ પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર, નિવાસી અધિક કલેક્ટરશ્રી ડી.પી.ચૌહાણ, તમામ પ્રાંત અધિકારીશ્રીઓ, સ્ટેટ, નેશનલ અને જીએસઆરડીસીના મુખ્ય ઈજનેરશ્રીઓ અને ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.