ભુજની શ્રી આર આર લાલન કોલેજના એનએસએસ વિભાગ દ્વારા માતાના મઢની પ્લાસ્ટિક મુક્ત પદયાત્રા યોજાઈ

ભુજ દુધઈ રોડ ઉપર આવેલા કોટડા ચાંદરાણીથી શરૂ કરીને ભુજ તાલુકાના માનકુવા ગામ સુધી આવેલા દરેક સેવા કેમ્પોમાં જઈને સ્વયંસેવકોએ પ્લાસ્ટિકથી થતાં નુકસાન
બતાવીને પ્લાસ્ટિકનો ઉપયોગ રોકવા માટે સંચાલકોને સમજાવ્યા હતા. પદયાત્રામાં જઈ રહેલા પદયાત્રીઓને પણ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા વિનંતી કરવામાં આવી હતી.
“પ્લાસ્ટિક મુક્ત પદયાત્રા” આ અભિયાનને આવતા વર્ષે પણ ચાલુ રાખવાનો સંકલ્પ કેમ્પ સંચાલકોએ લીધો હતો.
આ અભિયાનમાં વડનગરની કોલેજના એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડો. ધરતી જૈન પણ પોતાના બે વિદ્યાર્થીઓ સાથે જોડાયા હતા. આ સમગ્ર અભિયાનમાં લાલન
કોલેજના એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડો. મેહુલ શાહ, આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર ડો. હેતલ મેરીયા અને ડો. રમેશ વરચંદ સાથે રહ્યા હતા. દરેક કેમ્પ પર આ વિષયમાં
સંચાલકોનો સહયોગ ખૂબ સારો રહ્યો હતો. ઘણા કેમ્પ એવા પણ જોવા મળ્યા કે જ્યાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછામાં ઓછો થઈ રહ્યો છે, પણ જ્યાં પ્લાસ્ટિકનો ઉપયોગ વધારે
જોવા મળ્યો હતો એવા કેમ્પ સંચાલકોએ પણ આવતા વર્ષથી શક્ય એટલો ઓછો પ્લાસ્ટિકનો ઉપયોગ થશે એ બાબતનો વિશ્વાસ અપાવ્યો હતો.
આ અભિયાનને કારણે ભવિષ્યમાં પદયાત્રામાં વપરાતા પ્લાસ્ટિક પર અંકુશ આવશે એવું લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું. સ્વયંસેવકો લક્ષ, કશિશ, સેજલ, હેતલબા,
દિવ્યા, આનંદી, ઈશા, નંદની કિરણ, ગીતા, રતન, ખુશ્બુ, ફાલ્ગુની વગેરેએ પદયાત્રામાં હાથમાં પોસ્ટરો વડે જાગૃતિ ફેલાવવા સાથે પદયાત્રીઓ સાથે સંવાદ પણ કર્યો હતો.