‘સ્વસ્થ નારી સશક્ત પરિવાર’

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા માતા અને બાળકના આરોગ્યને મજબૂત બનાવવા માટે સ્વસ્થ નારી– સશક્ત પરિવાર પખવાડિયું” અંતર્ગત વિશેષ આરોગ્ય અને રસીકરણ સેવાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત કચ્છના વિવિધ ગામોમાં યોજાયેલા આરોગ્ય કેમ્પમાં પંચગુણી રસીકરણ દિવસની ઉજવણી હેઠળ બહોળા પ્રમાણમાં રસીકરણ સાથે લાભાર્થીઓના આરોગ્યની ચકાસણી કરાઇ હતી.

“સ્વસ્થ નારી – સશક્ત પરિવાર પખવાડિયું”ની ઉજવણી અંતર્ગત મહિલાઓ અને બાળકોને વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ તેમજ રસીકરણ સુવિધાઓ પૂરી પાડવામાંનો સરકારનો ઉદેશ્ય છે ત્યારે કચ્છમાં આયુષ્માન આરોગ્ય મંદિરો (AAMs), પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC), શહેરી આયુષ્માન આરોગ્ય મંદિરો (UPHC/UAAM), સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે આરોગ્ય શિબિરો યોજાઇ હતી. સામખીયાળી, ધોળાવીરા, મનફરા, ગેડી, જામ કુનરીયા, નારાયણ સરોવર, વર્માનગર, જોગણીનાર માતાજીના લોકમેળા, ચિત્રોડ સહિતના ગામોમાં યોજાયેલી આરોગ્ય શિબિરોમાં પંચગુણી રસીકરણ કાર્યક્રમ સાથે મહિલાઓ, બાળકો તથા કિશોરીના આરોગ્ય ચકાણસી કરાઇ હતી. આરોગ્ય સેવાઓમાં આંખ, દાંત, બ્લડ પ્રેશર, બ્લડ શુગર અને ડેન્ટલ ચેક-અપ, કેન્સર (મોં, સ્તન, ગર્ભાશય)ની ચકાસણી, રસીકરણ સેવાઓ,ગર્ભવતી મહિલાઓની પૂર્વ પ્રસૂતિ તપાસ, એનિમિયા સ્તર ચકાસણી, ટેલિમેડિસિન સુવિધાઓ, ક્ષયરોગ (ટીબી) ચકાસણી, સિકલ સેલ એનિમિયા ચકાસણી કરવામાં આવી હતી. જિલ્લા હોસ્પિટલો (DH)/CHC, PHC) ડૉક્ટર્સ તેમજ સ્ત્રીરોગ નિષ્ણાંત, આંખના નિષ્ણાંત, ENT નિષ્ણાંત, ત્વચારોગ નિષ્ણાંત, બાળરોગ નિષ્ણાંત, ફીઝીશયન, મનોચિકિત્સક, ડેન્ટલ સર્જન નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 

આ સાથે લાભાર્થીઓને બાળપણથી જ પોષણ તથા યોગ્ય ખાવા-પીવાની રીતો અપનાવવી, માસિક સ્વચ્છતા તથા પોષણ અંગે જાગૃતિ, ટેક હોમ રેશન (THR)નું વિતરણ કરી તંદુરસ્ત જીવનશૈલી વિશે લાભાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ સાથે જ જોગણીનાર માતાજી લોકમેળામાં ધારાસભ્યશ્રી ત્રિકમભાઇ છાંગાની ઉપસ્થિતિમાં સંઘડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા યોજાયેલી આરોગ્ય શિબરમાં મેળો મહાલવા આવેલા નાગરિકોની આરોગ્ય ચકાસણી કરાઇ હતી.

ઉપરાંત આરોગ્યની વિવિધ સેવાઓમાં જેવી કે માતા અને બાળક સંરક્ષણ (MCP) કાર્ડ, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના નોંધણી, આયુષ્માન વય વંદના કાર્ડ, સિકલ સેલ કાર્ડ, પોષણ ટ્રેકરમાં લાભાર્થીઓની નોંધણી સહિતની કામગીરી પણ કરાઇ હતી.