વૃક્ષારોપણ તેમજ શાળાકક્ષાએ બાળકોમાં જાગૃતિ માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઇ  

ભારત સરકારશ્રી દ્વારા ૨જી ઓક્ટોબરનાં રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિતે સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીનું આહવાન કરવામાં આવ્યું છે. આ વર્ષે સ્વચ્છ ભારત મિશનનાં ૧૧ વર્ષની ઉજવણીના ભાગરૂપે ‘‘સ્વચ્છતા હી સેવા ૨૦૨૫’’ ને “સ્વચ્છોત્સવ તરીકે ઉજવણી કરાઇ રહી છે. ત્યારે આ ઉજવણીના ભાગરૂપે કચ્છભરના ગ્રામીણ ક્ષેત્રોમાં ઠેર ઠેર સ્વચ્છતા કાર્યક્રમો તથા જનજાગૃતિની પ્રવૃતિઓ કરવામાં આવી હતી.

        “સ્વચ્છતા હી સેવા-૨૦૨૫” અંતર્ગત કચ્છની નગરપાલિકા માંડવી, અંજાર, નખત્રાણા, ભુજ સહિતના શહેરોમાં સામાન્ય સફાઈની કામગીરી અંતર્ગત તમામ વાણીજ્ય વિસ્તાર, રહેણાંક વિસ્તારો અને સ્લમ વિસ્તારોની સફાઈ,  બાગ-બગીચાઓ, ફૂટપાથ સફાઇ સહિતની કામગીરી હાથ ધરાઇ હતી. આ સાથે  ગ્રામ્યસ્તરે સ્વચ્છતા શપથ, વૃક્ષારોપણ, જાહેર માર્ગો- ચોક, ફુટપાથ, તળાવ, દરીયા કાંઠા, પંચાયત ઘર, આંગણવાડી કેન્દ્રો સહિતના સ્થળોની સફાઇ કરાઇ હતી. ગઢશીશા ખાતે જીએમડીસીના કર્મચારીઓ દ્વારા સ્વચ્છતા શપથ સાથે તળાવ વિસ્તારની સફાઇ કરાઇ હતી. કોટેશ્વર દરીયા કિનારાની સફાઇમાં નાગરિકો જોડાયા હતા. ગઢશીશામાં ધારાસભ્યશ્રી અનિરુધ્ધભાઇ દવેની ઉપસ્થિતિમાં સફાઇ અભિયાન હાથ ધરાયું હતું. મોટાલાયજા, વાંઢીયા, કબરાઉ, આમરડી, આધોઇ, કડોલ, મોરગર, પડાણા, મીઠી રોહર, ભીમાસર, મોડસર, ખેંગારપર, મઉં મોટી, રત્નાપર, વેરસલપર, મોય ગામ, વાંઢીયા, મોટા કાંડાગરા સહિતના ગામમાં વૃક્ષારોપણ, શાળા સફાઇ, જાહેર માર્ગો, આંગણવાડી, પંચાયત ઘર સહિતની સફાઇ હાથ ધરાઇ હતી. અબડાસા તથા માંડવી તાલુકા પંચાયત કચેરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં પણ કર્મચારીઓ દ્વારા સફાઇ અભિયાન તથા રેકર્ડ વર્ગીકરણ હાથ ધરાયું હતું.

આ સાથે જ શાળા તથા આંગણવાડીકક્ષાએ પણ જાગૃતિ વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઇ હતી. સફાઇ કર્મચારીઓના સન્માન માટે સેલ્ફી પોઈન્ટ બનાવી નાગરિકોને તેની સાથે જોડીને સોશિયલ મીડિયામાં શેર કરવાની કામગીરી કરવામાં આવી હતી.  

        આ કામગીરીમાં ગામના સરપંચશ્રી, ઉપ સરપંચશ્રી,  તલાટીશ્રી,  આંગણવાડી  બહેનો તેમજ  સ્વચ્છ ભારત મિશનના કર્મચારીઓ તથા ગ્રામજનો જોડાયા હતા.