પ્રાકૃતિક ખેતી એકદમ સરળ, પાણી બચાવતી અને શુન્ય ખર્ચે થતી ખેતી

 ભારત પર વર્ષોથી પશ્ચિમીકરણની અસરને કારણે લોકોનું જીવન જ નહીં, પણ કૃષિ પર પણ નોંધપાત્ર ખરાબ અસર થઈ છે. આ મશીન યુગમાં ખેતી માટે ઉપયોગમાં લેવાતાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોથી ખાદ્ય ચીજોમાં ઝેર આવી રહ્યું છે. દેશમાં કૃષિ માટે લાંબા સમયથી ઉપયોગમાં લેવાતાં રસાયણોને કારણે, જમીને પણ તેની ફળદ્રુપતા ગુમાવવાનું શરૂ કર્યું છે.

            જો કે, દેશનાં નાગરિકોને રસાયણ મુકત શુદ્ધ અનાજ અને શાકભાજી આપવા માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશમાં શૂન્ય ખર્ચમાં પ્રાકૃતિક ખેતી કરવા માટે યોજનાઓ શરૂ કરી છે. દરેક ખેડૂત પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે રાજ્ય સરકાર આ દિશામાં સક્રીય કામ કરી રહી છે. દેશનાં ૮૦ ટકા નાનાં ખેડૂતો એટલે કે જેની પાસે બે હેક્ટર કરતાં ઓછી જમીન છે ત્યારે ખેડૂતો પ્રાકૃતિક ખેતી શરૂ કરે તો ઝીરો બજેટમાં નફાકારક ખેતી કરી શકે છે. આમાંના મોટાભાગનાં ખેડૂતો રાસાયણિક ખાતરો પર ઘણો ખર્ચ કરે છે. જો ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે છે, તો તેમની સ્થિતિ વધુ સારી બની શકે છે.

           નાનાં ખેડૂતો માટે કુદરતી ખેતી કોઈ વરદાન કરતાં ઓછી નથી, કારણ કે હાલમાં, ખેડૂતોને રસાયણો વગેરે માટે ભારે કિંમત ચૂકવવા માટે લોન લેવી પડે છે અને દેવાનો આ ભાર વધી રહ્યો છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના ઉપયોગથી ખેડૂતો માત્ર દેવામાં જ નથી ડૂબી રહ્યાં પરંતુ તે ખેતરોમાં ઝેર પણ ઉગાડી રહ્યાં છે. આ ઝેર આપણાં શરીરમાં અનાજ અને શાકભાજી દ્વારા જાય છે, જેનાં કારણે કેન્સર જેવાં ગંભીર રોગો સતત ફેલાય છે. પ્રાકૃતિક ખેતીનો ઉપયોગ કરતાં ખેડૂત દેવાની મુશ્કેલીથી મુક્ત છે, જ્યારે સામાન્ય લોકોનું આરોગ્ય પણ પ્રાકૃતિક ખેતીથી સુરક્ષિત રહે છે. જો આપણે આપણાં કુટુંબ અને સમાજને સ્વસ્થ રાખવું હોય, તો આપણે પ્રાકૃતિક ખેતી તરફ ફરવું પડશે. આ એક મોટું, પરંતુ મહત્વપૂર્ણ પગલું છે.