૮મો રાષ્ટ્રીય પોષણ માસ : આયર્નથી ભરપૂર આહાર એનિમિયાના નિયંત્રણ માટે મહત્વપૂર્ણ

ભારત સરકાર ૧૭મી સપ્ટેમ્બરથી ૧૬મી ઓક્ટોબર, ૨૦૨૫ દરમિયાન ૮મા રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરી રહી છે. તેનો ઉદ્દેશ મહિલાઓ, બાળકો અને કિશોરીઓમાં પોષણના અભાવને કારણે થતાં રોગોને અટકાવવાનો છે. આયર્નની ઉણપને કારણે એનિમિયાએ પ્રજનન વયની સ્ત્રીઓમાં એક સામાન્ય સમસ્યા છે. એનિમિયા શરીરમાં લોહીની અછતનું કારણ બને છે, જેનાં કારણે થાક, નબળાઇ, ચક્કર આવવા અને કામ કરવાની ક્ષમતામાં ઘટાડો જેવી ઘણી સમસ્યાઓ થાય છે.

              એનિમિયાથી બચવા માટે, આપણે આપણાં આહારમાં આયર્નથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરવો જોઈએ. સાથે જ વિટામિન સીનું સેવન પણ વધારે કરવું જોઈએ કારણ કે તે શરીરમાં આયર્નને સારી રીતે શોષવામાં મદદ કરે છે. તે માટે ઘણાં ખાદ્ય પદાર્થો છે જે આ મુજબ છે.

                ગોળ દરેક રસોડામાં જોવા મળે છે, જે મીઠાશ તેમજ સ્વાસ્થ્યને માટે પણ એક સારો માનવામાં આવે છે. તે આયર્નથી ભરપૂર છે, જે લોહીની ખોટને પહોંચી વળવા અને હિમોગ્લોબિન વધારવામાં મદદગાર છે. ગોળ શરીરને ત્વરિત ઉર્જા આપે છે અને પાચન શક્તિને પણ મજબૂત બનાવે છે. આ સાથે પાલક જેવાં લીલાં પાંદડાવાળા શાકભાજી પણ એનિમિયાને રોકવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. પાલક આયર્ન અને ફોલિક એસિડથી ભરપૂર હોય છે,  જે લોહી વધારવામાં અને શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.

             કિસમિસ એક એવો ખોરાક છે જે સ્વાદ અને સ્વાસ્થ્ય બંને માટે ફાયદાકારક છે. તેમાં હાજર કુદરતી સુગર અને આયર્ન લોહીની કમીને ઝડપથી પૂરી કરે છે અને શરીરને ઉર્જા પ્રદાન કરે છે. સવારે પલાળેલાં કિસમિસ ખાવાથી શરીરને વધુ ફાયદો થાય છે. તેવી જ રીતે દાળ ખૂબ જ પૌષ્ટિક અનાજ છે. તેમાં પૂરતી માત્રામાં આયર્ન તેમજ કેલ્શિયમ અને પ્રોટીન પણ હોય છે. જેનું સેવન મહિલાઓ અને બાળકો બંને માટે ખૂબ ફાયદાકારક છે.

               ચણા પણ આયર્ન અને પ્રોટીનનો સારો સ્રોત છે. તેને પલાળીને ખાવાથી પાચન સરળ બને છે અને શરીરને તાકાત મળે છે. ચણાને નિયમિતપણે ખાવાથી એનિમિયાની સમસ્યા ઘણી હદ સુધી દૂર થઈ શકે છે. આ સાથે જો વિટામિન સી થી ભરપૂર ફળો અને શાકભાજીને આહારમાં સામેલ કરવામાં આવે તો આયર્નને વધુ સારી રીતે શોષી શકાય છે. લીંબુ, આમળા, જામફળ, નારંગી અને ટામેટા જેવા ફળો અને શાકભાજી શરીરમાં આયર્નનું શોષણ વધારે છે અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.

               આમ, જો ગોળ, પાલક, કિસમિસ, દાળ, ચણા અને વિટામિન સીથી ભરપૂર ફળો દરરોજ ખાવામાં આવે તો એનિમિયા જેવી સમસ્યાથી સરળતાથી બચી શકાય છે. તેનાથી મહિલાઓ અને બાળકોનું સ્વાસ્થ્ય તો સુધરશે જ, સાથે સાથે સમગ્ર પરિવાર અને સમાજ સ્વસ્થ અને સશક્ત બની શકે છે. સંતુલિત આહાર એ સારા સ્વાસ્થ્યની ચાવી છે અને આ રાષ્ટ્રીય પોષણ માહનો મુખ્ય સંદેશ પણ છે.