લેબર કોન્ટ્રાક્ટરો નોંધણી કરાવ્યા સિવાય ઔદ્યોગિક એકમોને મજૂરો પુરા પાડી શકશે નહીં
જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલ કચ્છ- ભુજ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે કચ્છ જિલ્લાની મહેસૂલી હદમાં આવેલા તમામ ઔદ્યોગિક એકમોએ લેબર કોન્ટ્રાક્ટર પાસેથી મેળવેલા મજૂરો નોંધણી કરાવવા અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે.
દરેક ઔદ્યોગિક એકમો લેબર કોન્ટ્રાક્ટરોએ પ્રથમ મદદનીશ મજૂર કમિશનરશ્રી, ગાંધીધામ અથવા ભુજ જે વિસ્તાર લાગુ પડે તે પ્રમાણે) પાસેથી નોંધણી કરાવી લેવાની રહેશે. ત્યારબાદ વણ નોંધાયેલા લેબર કોન્ટ્રાક્ટરો, મજૂરો પુરા પાડવાની કામગીરી કરી શકશે નહીં. આ તારીખ પછી લેબર કોન્ટ્રાક્ટરોએ મજૂર પુરા પાડતા પહેલા સંબંધિત મદદનીશ મજૂર કમિશ્નરશ્રી પાસેથી નોંધણી કરાવી લેવાની રહેશે. નોંધણી મેળવેલ લેબર કોન્ટ્રાક્ટરોએ જુદા જુદા ઔદ્યોગિક એકમોને પુરા પાડેલ મજૂરોની યાદી મદદનીશ કમિશ્નરશ્રી, ગાંધીધામ તથા પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ ભુજ તથા પૂર્વ કચ્છ, ગાંધીધામને દરમાસે આપવાની રહેશે. આ યાદીમાં તેમાં મજૂરોના નામ, પાકા સરનામા તથા ફોટા સાથે ઉંમર સહિતની વિગતો દર્શાવવાની રહેશે.
પુરા પાડેલા મજૂરોની ઓળખની સાબિતી માટે ફોટા સાથેના ઓળખપત્રની નકલ લેબર કોન્ટ્રાક્ટરે પોતાની કચેરીમાં રાખવાની રહેશે અને માગણી કરવામાં આવે ત્યારે રજૂ કરવાની રહેશે. કામમાં રાખેલા મજૂરો પૈકી મજૂરો છૂટા થાય તો તેની વિગત તથા નવા ઉમેરાયેલા નામોની યાદી દર ત્રણ માસે મજૂર કમિશ્નરશ્રી, ગાંધીધામ તથા જે તે વિસ્તારના નજીકના પોલીસ સ્ટેશનને દરમાસે પુરી પાડવાની રહેશે. ઔદ્યોગિક એકમોએ રોકેલા લેબર કોન્ટ્રાક્ટરોની માહિતી દર માસે જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનને તથા મદદનીશ મજૂર કમિશ્નરશ્રી, ગાંધીધામને આપવાની રહેશે. લેબર કોન્ટ્રાક્ટરોએ કામે રાખેલા મજૂરોની સંપૂર્ણ વિગત તથા ફોટા સાથેનું રજિસ્ટર નિભાવવાનું રહેશે. આ રજિસ્ટર મદદનીશ મજૂર કમિશ્નરશ્રી, ભુજ/ગાંધીધામ પાસેથી સહી-સિક્કા, કરાવેલું હોવું જોઈએ. જિલ્લા/રાજ્ય બહારથી પૂરા પાડેલા મજૂરોનું જે તે જિલ્લા/રાજ્યનું પૂરું સરનામું ફોટો સહિત રજિસ્ટરમાં પુરાવાના આધારે નોંધવું. કોઈપણ લેબર કોન્ટ્રાક્ટરો નોંધણી કરાવ્યા સિવાય ઔદ્યોગિક એકમોને મજૂરો પુરા પાડી શકશે નહીં. તેવી જ રીતે ઔદ્યોગિક એકમ પણ નોંધણી સિવાયના લેબર કોન્ટ્રાક્ટરોથી મજૂરો મેળવી શકશે નહીં.
આ હુકમ સમગ્ર કચ્છ જિલ્લાના સમગ્ર વિસ્તાર માટે લાગુ પડશે. આ જાહેરનામું તા.૧૫/૧૧/૨૦૨૫ સુધી અમલમાં રહેશે.
અંજના ભટ્ટી