કચ્છમાં ખાનગી ટ્યૂશન ક્લાસિસ સવારે ૦૮.૦૦ કલાકથી સાંજના ૧૯-૦૦ કલાક સુધી જ ચાલુ રાખી શકાશે
ખાનગી ટ્યૂશન ક્લાસમાં વિદ્યાર્થી- વિદ્યાર્થિનીઓ રાત્રિના સમયમાં કે વહેલી સવારે ટ્યૂશન ક્લાસ ભરવા જતા હોવાનું ધ્યાને આવેલું છે અને તે દરમિયાન પછી વિદ્યાર્થિનીઓ સાથે છેડતી કે બીજા કાયદો વ્યવસ્થાને લગતા પ્રશ્નો ઉપસ્થિત થવાની શક્યતા હોઈ કચ્છ જિલ્લામાં ચાલતા ટ્યૂશન કલાસિસો માટે ચોક્કસ સમય નિયત કરવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલ, કચ્છ-ભુજ, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ જાહેરનામા મુજબ કચ્છ જિલ્લાની મહેસૂલી હદમાં આવેલા ખાનગી ટ્યૂશન ક્લાસિસ સવારે ૦૮-૦૦ કલાકથી સાંજના ૧૯-૦૦ કલાક સુધી ચાલુ રાખી શકાશે. તે સિવાયના સમયમાં ટ્યૂશન ક્લાસિસ ચલાવવા મનાઇ ફરમાવવામાં આવી છે.
આ હુકમ સમગ્ર કચ્છ જિલ્લાના વિસ્તારને લાગુ પડશે. આ જાહેરનામું તા.૧૫/૧૧/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર ઈસમ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.
અંજના ભટ્ટી