હોટેલ/ગેસ્ટ હાઉસ/લોજ/ધર્મશાળામાં આવતા જતા પ્રવાસીઓની વિગતો સાથેનું રજિસ્ટર નિભાવવાનું રહેશે
રાષ્ટ્રીય સુરક્ષા, જાહેર વ્યવસ્થા અને સલામતીને ધ્યાને લઈને કચ્છ જિલ્લામાં આવેલા ગેસ્ટ હાઉસ/હોટલ/લોજ/ધર્મશાળા પર કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા નિયંત્રણો મૂકવામાં આવ્યા છે.
જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલ, કચ્છ-ભુજ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સહિતા-ર૦ર૩ની કલમ-૧૬૩ અન્વયે કચ્છ જિલ્લાની મહેસૂલી હદમાં આવેલા તમામ હોટલ/ગેસ્ટ હાઉસ/લોજ માલિકોએ અને ધર્મશાળા સંચાલકોએ હોટલ/ગેસ્ટ હાઉસ/લોજ/ધર્મશાળામાં રહેવા આવનારા દરેક મુસાફર દ્વારા તેમના પોતાના સ્વહસ્તાક્ષરમાં અ.નં., નામ, ઉંમર, નાગરિકતા, મો.નં., સરનામું, ફોટો આઈડી પ્રુફની વિગત, મુલાકાતનું કારણ, આવ્યા તારીખ/સમય, રૂમ નં., હોટેલ છોડ્યા તારીખ/સમય, બીલ નં.તારીખ, સહી નમૂનામાં રજિસ્ટર નિભાવવાના જાહેરનામું બહાર પાડીને હુકમ કર્યો છે.
આ રજિસ્ટરમાં મુસાફરની સહી સાથે પુરૂષ મુસાફરના ડાબા હાથના અંગુઠાનું અને સ્ત્રી મુસાફરના જમણા હાથના અંગુઠાનું નિશાન લેવાનું રહેશે. દરેક હોટલ/લોજ/ધર્મશાળા/ગેસ્ટ હાઉસના રિસેપ્શન કાઉન્ટર ઉપર દરેક પ્રવાસી જોઈ શકે તે રીતે રજિસ્ટરમાં દરેક મુસાફરે જાતેથી પોતાના સ્વહસ્તાક્ષરમાં વિગતો લખી સહી કરવી પડશે. ફોટો ઓળખપત્ર રજૂ કરવું પડશે તો જ હોટલમાં પ્રવેશ આપવામાં આવશે તે મુજબની જાહેરાતનું બોર્ડ મોટા અક્ષરે પ્રદર્શિત કરવાનું રહેશે.
દરેક હોટલ/લોજ/ધર્મશાળા/ગેસ્ટ હાઉસના રિસેપ્શન કાઉન્ટર ઉપર સી.સી. કેમેરા રાખવા જેથી પ્રવાસીઓ તથા તેમના સામાન વગેરેનું વીડિયો રેકોર્ડીંગ થઈ શકે. તે એક માસ સુધી સાચવવાનું રહેશે. દરેક હોટલ/લોજ/ધર્મશાળા/ગેસ્ટ હાઉસમાં આવતા પ્રવાસી-ગેસ્ટના વાહનોની સંપૂર્ણ વિગત દર્શાવતું રજિસ્ટર નિભાવવાનું રહેશે. તેમજ પાર્કિંગની જગ્યાએ સી.સી. કેમેરા રાખવા જેથી પ્રવાસીઓ તથા તેમના સામાન અને વાહન વગેરેનું વીડિયો રેકોર્ડીંગ થઈ શકે. તે એક માસ સુધી સાચવી રાખવું પડશે. મુસાફરના ફોટો ઓળખકાર્ડ (ચૂંટણી ઓળખકાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, કચેરીનું ઓળખકાર્ડ, પાસપોર્ટ વગેરે) ની સેલ્ફ એટેસ્ટેડ ફોટો કોપી હોટેલના દફ્તરમાં રાખવી અથવા કોમ્પ્યૂટરમાં સાચવીને રાખવાના રહેશે. કચ્છ જિલ્લાની હદમાં આવેલી હોટલો/લોજ/ધર્મશાળા/ગેસ્ટ હાઉસ ધાબાના માલિક નામ, સરનામા, ફોન નંબર, મોબાઈલ નંબર, ફોટા સહિતની તમામ વિગત દર્શાવતી લેખિત માહિતી સબંધીત પોલીસ સ્ટેશન, સંબંધિત સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્રેટને ફરજિયાત આપવી. વિદેશી નાગરીકો/મુલાકાતી/ગેસ્ટ હોય તો તેમના પાસપોર્ટની સંપૂર્ણ વિગત રજિસ્ટરમાં નોંધવી તેમજ સી ફોર્મ ભરાવી એલ.આઈ.બી., એસ.પી. કચેરીએ જાણ કરવી. હોટલ/ગેસ્ટ હાઉસમાં ઈન્ટરનેટ-વાઈફાઈ સિસ્ટમ કાર્યરત હોય તો તેની વિગતો રજિસ્ટર બનાવી સાચવી રાખવાની રહેશે.
આ હુકમ સમગ્ર કચ્છ જિલ્લાના સમગ્ર વિસ્તાર માટે લાગુ પડશે. આ જાહેરનામું તા.૧૫/૧૧/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર ઈસમ ભારતીય ન્યાય સહિતા-૨૦૨૩ની કલમ-૨૧૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.
અંજના ભટ્ટી